લગ્ન નિહાળવાના અભરખા થયા પુરા: પૌત્રએ ચાર ફેરા પૂર્ણ કર્યા અને ઘરે 90 વર્ષના બા એ દુનિયાને કહ્યું અલવિદા

રાજકોટ(ગુજરાત): રાજકોટ (Rajkot) શહેરમાંથી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. ધોરાજી (Dhoraji) ના સુપેડી (Supedi) ગામમાં રહેતા 90 વર્ષના જીવતીમાએ લાડકવાયા પૌત્રના લગ્ન નિહાળવાના અભરખા પુરા થતાની સાથે જ દુનિયાને અલવિદા કહી દીધું. પૌત્રના લગ્ન મંડપનો ચોરીના ચાર ફેરા પૂર્ણ થયાનો વીડિયો જોયા બાદ તરત જ જીવતીમાએ અનંતની વાટ પકડી હતી. જેના કારણે પરિવારમાં ખુશીનો માહોલ માતમમાં છવાયો હતો.

રાજકોટમાં ધોરાજી નજીક આવેલ સુપેડી ગમે વસવાટ કરતા નિવૃત્ત શિક્ષક ભીખુભાઇ મકવાણાના પુત્ર પાર્થના ઉના રહેતા રસિકભાઈ કામલીયાની પુત્રી સાથે લગ્ન થઇ રહ્યા હતા. પાર્થ મકવાણાએ કેમિકલ એન્જિનીયરનો અભ્યાસ કર્યો હતો. ભીખુભાઇના વૃધ્ધ માતા જીવતીમા છેલ્લા થોડા સમયથી બિમાર અવસ્થામાં હતા. પણ લાડથી ઉછેરેલા પૌત્ર પાર્થના લગ્ન જોવાની જીવતીમાને છેલ્લી ઈચ્છા હોય તેવું કહી શકાય. પરિવારે પણ પૌત્ર પ્રત્યેની જીવતીમાની લાગણી અને નાંદુરસ્ત પરિસ્થિતિ જોઈ પાર્થના ઘડીયા લગ્ન લીધા હતા.

પરિવારમાં એકબાજુ લગ્ન ગીતો ગવાઈ રહ્યા હતા તો બીજી બાજુ જીવતીમાને જીવન અને મૃત્યુ વચ્ચેનુ અંતર ખુબ જ ટૂંકુ હતું. ગત 22 જાન્યુઆરીના રાત્રે જીવતીમાની હાજરી વચ્ચે પીઠી, દાંડીયાની વિધિ રંગેચંગે પૂરી કરી પાર્થની જાન રાત્રિના એક વાગ્યે ઉના જવા રવાના થઈ હતી. સવારે સાડા છ કલાકે જાન સુપેડી પહોંચી અને સાડા અગિયારે લગ્નના ફેરા શરુ થયા. જીવતીમા બિમારી અને અવસ્થાની અશક્તિથી જાનમાં જઇ શક્યા નહોતા. પણ પૌત્રના લગ્નને જાણે મનભરી માણવા હોય તેમ સુપેડી ઘરે બેઠા વીડિયો કોલથી હરખાતા હૈયે લગ્નને માણ્યા હતા.

પૌત્રના લગ્નને મનભરીને માણ્યા બાદ જાન સુપેડી પહોંચે તે પહેલા જ જાણે મનની મનોકામના પૂરી થયાના આત્મસંતોષ સાથે જીવતીમાએ સાંજના સુમારે સાડા ચાર વાગ્યાની આસપાસ હંમેશને માટે દુનિયાને અલવિદા કહી દીધું. પરમાત્મામાં વિલીન થયેલા તેમના દેહ પર જાણે સંતોષનું સ્મિત ચમકતું હતું.

ભીખુભાઇના પત્નિનો વર્ષ 2000મા દેહાંત થયા બાદ ભીખુભાઇ તથા દાદી જીવતીમાએ પાર્થ સહિત નાના ભાઇ ધ્રુવનો વ્હાલભર્યો ઉછેર કર્યો હતો. જીવતીમા અને ભીખુભાઇએ જીવનમા ઘણો સંઘર્ષ કરી બન્ને બાળકોને શિક્ષણ અને સંસ્કારનું સિંચન કર્યુ હતું. જીવતીમાની અંતિમયાત્રામાં ભીખુભાઇની ત્રણ બહેનો તથા નવ પરિણીત પુત્રવધૂએ કાંધ આપી જીવતીમાનાં વાત્સલ્ય અને મોતને થોભાવનારી જીજીવીશાને ખરા અર્થમાં શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *