અકસ્માત (Accident)ની ઘટનાઓનો ગ્રાફ ખુબ જ ઉંચો જતો જણાઈ રહ્યો છે. એક અહેવાલ મુજબ, ગત વર્ષે 1,21,713 રોડ અકસ્માત થયા હતા. આવા અકસ્માતોમાં લાખો લોકો પોતાના જીવ ગુમાવતા હોય છે. ત્યારે હવે તો ખુબ જ નાની વયનાં બાળકો પણ જાહેર રસ્તા પર પૂરપાટ ઝડપે વાહન ચલાવતા જોવા મળી રહ્યા છે. 16 વર્ષથી નીચેના બાળકો વાહન ચલાવે તો તે ગુનો છે, જ્યારે 18થી નીચેની વય અને 16 વધુ વયના બાળકો માત્ર 100 CCના ગિયર વિનાનાં વાહનો લાઇસન્સ(License) સાથે જ ચલાવી શકે છે. જો કે આમ છતાં કેટલાક બાળકો વાહન લઈને જતા જોવા મળે છે. જેમાંથી કેટલાક બાળકોના માતા-પિતાને તો આ અંગે જાણ પણ હોતી નથી.
50થી વધુ સ્કૂલ બહાર 122 બાળકો ડ્રાઇવિંગ કરતાં ઝડપાયાં:
અકસ્માત તેમજ અન્ય સમસ્યાઓને ધ્યાનમાં રાખી અમદાવાદ પોલીસ દ્વારા આ અંગે ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં થોડા દિવસ અગાઉ શહેરની 50થી વધુ મોટી સ્કૂલોની બહાર અને અન્ય ટ્રાફિક પોઇન્ટ પર અન્ડરએજ ડ્રાઇવિંગ મામલે ગેરકાયદેસર રીતે એટલે કે 18 વર્ષથી નીચેના વાહન ચલાવતા બાળકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ડ્રાઈવ દરમિયાન પોલીસે કુલ 122 બાળકોને ઝડપી પાડ્યા હતા. તેમજ આ દરેક બાળકો પાસેથી કુલ 2,40,500 રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો હતો.
આ ડ્રાઈવ દરમિયાન જયારે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી, ત્યારે શાળાના શિક્ષકો તેમજ પ્રિન્સીપાલએ જણાવ્યું હતું કે, અમે તો શાળા શરુ થયાના પહેલા જ દિવસથી વાહનો લઈને આવવાની ના પાડીએ છીએ, આ ઉપરાંત અન્ડરએજ બાળકોને પાર્કિંગ પણ કરવા દેતા નથી. આટલું સ્ટ્રીકટ હોવા છતાં પણ બાળકો વાહન લઈને આવે છે તેમજ શાળાની બહાર પાર્કિંગ કરે છે. ત્યારે આ અંગે પોલીસે વાલીઓને જવાબદાર ઠરાવ્યા હતા. પોલીસે કહ્યું હતું કે, બાળકો તો ગુનો કરે જ છે, પરંતુ આ માટે માં-બાપ પણ મોટા ગુનેગાર છે. માતા-પિતા બાળકોને સમય આપી ન શકતા હોવાને કારણે વાહન આપી દેતા હોય છે. પરંતુ હવે વાહન આપતા માતા-પિતાને પણ 3 વર્ષની કેદ થઈ શકે છે.
માતાએ દંડ ભરી બાળકને ઠપકો આપ્યો: ASI
આ અંગે ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બજાવતા ASI વિજયકુમારે જણાવ્યું હતું કે, મેં એક બાળકને એક્ટિવા સાથે પકડ્યો ત્યારે બાળકે કહ્યું કે મારા ઘરે ખબર નથી, હું વ્હિકલ લઈને આવ્યો છું મને જવા દો ત્યારે મેં તેના ઘરે ફોન કરાવી તેના વાલીને બોલાવ્યા તો તેના માતા આવ્યા હતા. તેના માતા પાસેથી પણ જાણવા મળ્યું હતું કે તે ઘરેથી કહ્યા વિના વાહન લઈને નીકળી ગયો છે. જોકે તેમણે દંડ ભરીને બાળકને ઠપકો પણ આપ્યો હતો. આવા અનેક બાળકો માતા-પિતાની જાણ બહાર વાહન ચલાવતા જોવા મળતા હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.