સુરત ખાતે આયોજીત ‘સરસ મેળા’ માં માધવા સખી મંડળની બહેનો દરરોજ 25 હજારની ચીજવસ્તુઓનું કરે છે વેચાણ 

Published on Trishul News at 5:56 PM, Sat, 4 November 2023

Last modified on November 4th, 2023 at 5:56 PM

Surat Saras Mela-2023: મહિલાઓ આત્મનિર્ભર, સશકત બને તેવા આશયથી રાજય સરકાર દ્વારા સ્વસહાય જૂથોની રચના કરી બહેનો આર્થિક પ્રવૃત્તિઓ કરે તે માટે લોન સહાય, ક્રેશ ક્રેડિટ આપીને પ્રોત્સાહન પૂરૂ પાડવામાં આવે છે. આવા જ પ્રોત્સાહન થકી વલસાડ જિલ્લાના અટગામ જેવા નાનકડા ગામની સખીમંડળની બહેનો નેચરલ પ્રોડકટસનું ઉત્પાદન કરીને મહિને લાખોની કમાણી કરી રહી છે. રાજય સરકાર દ્વારા સુરત શહેરના અડાજણ ખાતે આયોજિત સરસ મેળામાં(Surat Saras Mela-2023) વલસાડના માધવા સ્વ-સહાય જૂથની બહેનો સ્વઉત્પાદિત ચીજવસ્તુઓનું સીધા ગ્રાહકો સુધી વેચાણ કરીને પગભર બની છે.

પોતાના સખીમંડળની સફળતાની વાત કરતા સખીમંડળના પ્રમુખ અમિતાબેન પટેલ કહે છે કે, અમે ૨૦૧૫ના વર્ષમાં મધઉછેરની પાંચ પેટીઓ લાવીને મધનું ઉત્પાદન કરીને વેચાણની શરૂઆત કરી હતી. ત્યારબાદ સખીમંડળ મારફતે એક લાખની લોન સહાય મેળવી. તેઓ કહે છે કે, જેમ અમારા નાના વ્યવસાયને ધીમે ધીમે લોકોનો સહયોગ મળવા લાગ્યો. સરકાર દ્વારા યોજાતા મેળાઓમાં અમારી પ્રોડકટસનું વેચાણ પણ વધવા લાગ્યું.

અમિતાબેન પટેલે વધુમાં જણાવતા કહ્યું કે, અમે જાતે બનાવેલી પ્રોડકટ નેચરલ, શુદ્ધ હોવાના કારણે લોકો અમારી ચીજવસ્તુઓ પસંદ કરી રહ્યા છે. ધંધાનો વધુ વિકાસ થતા ત્રણ લાખની લોન લીધી જે ભરપાઈ થઈ ચૂકી છે. હાલમાં રૂા.પાંચ લાખની લોન લીધી છે. જેમાં અમને રૂા.૧૨૦૦૦નું રિવોલ્વિંગ ફંડ મળ્યું છે. તેઓ કહે છે કે, ગામમાં અમે ફાર્મહાઉસ બનાવ્યું છે, જેમાં અમે બહેનો સાથે મળીને ચીજવસ્તુઓ લાવી પેકિંગ સહિતની પ્રવૃત્તિઓ કરીએ છીએ.

આજે અમારી સખીમંડળની ૧૦ બહેનો સાથે મળીને જુદી જુદી ફલેવરયુકતના મધ, ઘાણીનું તેલ, કેરીનો રસ, ધી, કેરીનો જામ, સિંધવ મીઠુ, હળદર, ગોળનો પાવડર, સોસ, ચાનો મસાલો, નાગલીનો લોટ, દેશી ખાંડસરી જેવી ૩૨થી વધુ હેલ્થની વસ્તુઓને પ્રોસેસ કરીને ગ્રાહકોને વેચાણ કરીએ છીએ. અમદાવાદ અને વલસાડ ખાતે દુકાન દ્વારા વેચાણ કરી રહ્યા હોવાનું તેઓ જણાવે છે.

આ સફળતા પાછળ સરકારનો મોટો ફાળો હોવાનું જણાવતા અમિતાબેન કહે છે કે, આજદિન સુધી સમગ્ર રાજયમાં અમે ૨૫ થી ૩૦ જેટલા મેળાઓ, કાર્યક્રમોમાં ભાગ લઈને પ્રોડક્ટ્સનું વેચાણ કર્યુ છે. એકવાર ગ્રાહક વસ્તુઓ લઈ ગયા બાદ ફરીવાર અમારા સખીમંડળનો કોન્ટેક કરીને વસ્તુઓ મંગાવે છે.

સુરતના સરસમેળા(Surat Saras Mela-2023) વિશે તેઓ જણાવે છે કે, દૈનિક રૂા. ૨૫ હજારનું વેચાણ કરીએ છીએ. હાલ સુધીમાં રૂ.બે લાખનું વેચાણ કર્યું છે. આમ, માધવા સખીમંડળની બહેનોએ ત્રણ હજારથી શરૂ કરેલો વ્યવસાય વિસ્તરીને લાખોનો થયો છે. શરૂઆતમાં એક બહેન મહિને રૂ.૩ હજાર હજારની આવક મેળવતી હતી જે આજે વધીને રૂ.૧૦,૦૦૦ની આવક મેળવે છે. વર્ષ દહાડે આ બહેનો રૂા.૧૨ લાખની આવક મેળવી રહી છે. આમ, સરકારના સહયોગથી મહિલાઓ પગભર બનીને વ્યવસાય કરતી થઈ છે અને વડાપ્રધાનશ્રીના ‘વોકલ ફોર લોકલ’ની ભાવનાને મૂર્તિમંત કરી રહી છે.

Be the first to comment on "સુરત ખાતે આયોજીત ‘સરસ મેળા’ માં માધવા સખી મંડળની બહેનો દરરોજ 25 હજારની ચીજવસ્તુઓનું કરે છે વેચાણ "

Leave a comment

Your email address will not be published.


*