ધોલેરા-વટામણ હાઈવે પર વહેલી સવારે સામસામે બે ટ્રકની ટક્કરથી ત્રણનાં મોત, બન્ને ટ્રકનું પડીકું વળી ગયું

Dholera-Vataman Highway Accident: અમદાવાદની ધોલેરા પીપળી ચોકડી પર અકસ્માતની(Dholera-Vataman Highway Accident) ઘટના બની છે. બે ટ્રક વચ્ચે અકસ્માત થતાં બન્ને ટ્રકના ચાલક અને અન્ય એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી. મૃતદેહોને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આજે સવારે ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે.જેમાં બે ટ્રક વચ્ચે અકસ્માત થતા 3 વ્યક્તિના મોત થયા હોવાની ઘટના સામે આવી છે.પીપળી ગામ પાસે GJ-01-CX-0386 નંબરની ટ્રક અને GJ-04-AT-8262 નંબરની આઇસર ટ્રક સામસામે ધડાકાભેર અથડાઈ હતી. બન્ને ટ્રકનો આગળ ભાગ કળસુલો વળી ગયો હતો.ત્યારે આ અકસ્માતની જાણ થતા આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને પોલીસ તથા 108ની જાણ કરી હતી. પોલીસે ત્રણેય મૃતકોના મૃતદેહને પીએમ માટે 108 મારફત હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.તેમજ તેના પરિવારને જાણ કરતા પરિવારના સભ્યો હોસ્પિટલ દોડી આવ્યા હતા અને ભારે આક્રન્દ છવાયું હતું.

ડમ્પરની પાછળ બોલેરો કાર ઘુસી ગઈ
ગઈકાલે સવારે લગભગ 4.30 વાગ્યાની આસપાસ ધોળકા-ખેડા હાઈવે પર પુલેન સર્કલ નજીક એક પાર્ક કરેલા ડમ્પર સાથે અચાનક જ બોલેરો કારની ટક્કર થઈ હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બોલેરોમાં 7 શ્રમિકો સવાર હતા જે પોતાના કામ અર્થે ધાનપુર જઈ રહ્યા હતા. આ ભયાનક અકસ્માતમાં એક મહિલા અને એક બાળક સહિત પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા જેમને અસારવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતના પગલે હાઈવે પર થોડીવાર માટે ટ્રાફિક જામ થયો હતો, જો કે સ્થાનિક લોકો તેમજ રોડ પરથી પસાર થતા વાહચાલકો મદદે પહોંચ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસ તેમજ 108ની કરતા ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઈજાગ્રસ્તોની તાત્કાલિક 108માં સારવાર શરુ કરવામાં આવી હતી, ત્યારબાદ તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.