આજકાલ ઇન્ટરનેટ અને સોશિઅલ મીડિયાનાં જમાનામાં લોકો પોતાનું અસ્તિત્વ જ ભૂલી ગયા છે. સોશ્યિલ મીડિયા પર ફેમસ થવાની લાલસામાં યુવાનો ન કરવાનું કરી નાખતા હોય છે. ટિકટોક વીડિયો બનાવાની ઘેલછામાં એક યુવકને ઝાડ પર ગળે ફાંસો આપી દેવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ છે. આજે આ ઘટના સામે આવતા બ્લૂ વ્હેલ ગેમની યાદ તાજી કરાવી દીધી. જી હા પંજાબમાં બનેલી આ ઘટના અંગે જાણી તમારા રૂંવાડા અદ્ધર થઇ જશે.
વાત એમ છે કે ટિકટોક વીડિયો બનાવાની લાલચમાં યુવકના ગળામાં દોરી બાંધી તેને ઝાડ પર ચડાવ્યો હતો. પરંતુ યુવાનના નસીબ સારા હોવાથી દોરી તૂટી જતા તે બચી ગયો હતો. એટલે કે માંડમાંડ તેનો જીવ બચ્યો હતો. જી હા આ અંગે પોલીસ ફરિયાદ મળતા આરોપી યુવક વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાઇ છે.
આ ઘટનામાં યુવકની સાથે રહેલા બીજા એક યુવકે તેને ગળે ફાંસો આપ્યો હતો અને પોતે વીડિયો બનાવી રહ્યો હતો. પરંતુ દોરી તૂટીને ઝાડ પરથી નીચે પડી જતા ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. પીડિત યુવકના કાકાની ફરિયાદના આધારે પોલીસે વીડિયો બનાવનાર વિરૂદ્ધ હત્યાનો પ્રયાસ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ ઉત્પીડન જેવી ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ પ્રમાણે રમન નામના વ્યક્તિએ ફરિયાદીના ભત્રીજા વિકાસને ફોન કરી પોતાના ખેતરે બોલાવ્યો હતો.
ત્યારબાદ રમને વિકાસને ટિકટોક વીડિયો બનાવા અંગે જણાવ્યું તેના માટે વિકાસે ફાંસીના ફંદા પર લટકવાનું હતું. પરંતુ જ્યારે વિકાસે ના પાડી તો તેને જાતિવાચક અપશબ્દો કહીને માર મારવાની ધમકી આપતા ડરના કારણે વિકાસ ઝાડ પર દોરી સાથે ચડી ગયો અને ફાંસીના ફંદા પર લટકી ગયો હતો. જ્યારે રમન તેનો ટિકટોક વીડિયો બનાવતો રહ્યો હતો. દોરી નબળી હોવાને કારણે તે તૂટી અને યુવાન ને ગંભીર ઇજા પહોંચી.