ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચુંટણી(Gujarat election 2022)ને હવે એક દિવસ જ બાકી રહ્યો છે. તમામ પક્ષો ખુબ જ જોરમાં પ્રચાર કરી રહ્યા છે. જાહેર પ્રચારના ભુંગળા શાંત થવાનું નામ લઇ રહ્યા નથી. મહત્વનું છે કે, પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 1 ડિસેમ્બરે મતદાન થવાનું છે. ત્યારે આજે સાંજે 5 વાગતાની સાથે જ જાહેર પ્રચાર બંધ થઇ જશે. ત્યારબાદ તમામ રાજકીય પક્ષોની નજર મતદાન પર હશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પ્રથમ તબક્કાના મતદાનના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. અંતિમ દિવસે રાજકીય પક્ષો-ઉમેદવારો મતદારોને આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. મહત્વનું છે કે, પ્રચારના અંતિમ દિવસે ઉમેદવારો અને રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો વિવિધ જગ્યાએ રેલીઓ અને સભાઓ ગજવશે. આજે સાંજે 5 વાગ્યાના ટકોરે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. પ્રચાર પડઘમ શાંત થયા પછી ઉમેદવારો સોશિયલ મીડિયામાં વધુ એક્ટીવ થઈ જશે.
મહત્વનું છે કે, આજે સાંજે 5 વાગ્યે જાહેર પ્રચાર ઉપર પડદો પડે એ પહેલા આજે રાષ્ટ્રીય નેતાઓ સૌરાષ્ટ્ર-દક્ષીણ ગુજરાતમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે. સાથે જ ભાવનગરમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાનો રોડ-શૉ યોજાશે અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની માંડવી અને ગાંધીધામમાં ચૂંટણી પ્રચાર કરશે. તો અભિનેતા પરેશ રાવલ પણ સાવરકુંડલામાં ચૂંટણી પ્રચાર કરશે.
આ સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે સુરેન્દ્રનગર-બોટાદમાં રોડ શો કરશે. અમે તમને જણાવી દઈએ કે, પ્રથમ તબક્કા માટે 1લી ડિસેમ્બરના રોજ સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી 89 બેઠકો માટે મતદાન થશે. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 788 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. સાંજે પાંચ વાગ્યે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. ઉમેદવારો મતદાનના દિવસ સુધી ડોર ટૂ ડોર મતદાનની અપિલ કરી શકશે.
બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.
બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.