વિશ્વભરમાં આજે વર્લ્ડ હેરિટેજ ડેની ઉજવણી થશે. સમગ્ર સૃષ્ટિને અવરિત ઉર્જા નુ દાન આપનાર ભગવાન સૂર્ય અને એની પુત્રી તાપી, સૂર્યપુત્રી તાપીના કિનારે આવેલ સુર્યપુર, એ જ આપણું સુરત..! સુરત એ સોનાની મુરત-પહેલા પણ હતી, આજે પણ છે, અને હંમેશા રહેશે. આજે જ્યારે વર્લ્ડ હેરીટેજ દિવસ છે ત્યારે ચાલો અમે તમને જણાવીએ સુરત વિષે એવી રસપ્રદ વાતો કે જેને તમે ક્યારેય નહિ સાંભળી હોય
હિન્દુ રાજા મલ્લિક ગોપીનું બનાવેલ ગોપી તળાવ અને ધનકુબેર શ્રેષ્ઠીઓ નું ગોપીપુરા હોય કે પછી રાજા કુરુનું સ્થાપેલું કુરુક્ષેત્ર મંદિર. રામાયણ કાળનું કંતારેશ્વર મહાદેવ કે પછી જ્યાં મહાન દાનવીર સૂર્યપુત્ર કર્ણની અંત્યેષ્ઠી થઇ હતી એવું અશ્વનિકુમાર સ્મશાન ભૂમિ. મરાઠા સરદાર શિવાજીએ જેને અનેકવાર લૂટયુ કે જ્યાં અંગ્રેજોએ પોતાની પ્રથમ ફૅક્ટરી નાખી સુરત અને આસપાસના કેટલાક ઐતિહાસિક સ્મારકો છે. મુખ્ય આકર્ષણોમાં દાંડી, ડુમસ, હાજીરા, તિથલ અને ઉભરાટ છે.
સુરત સાચા અર્થમાં યહુદી, આર્મેનિયન, પોર્ટુગીઝ, ડચ, ફ્રેંચ અને અંગ્રેજ પ્રજાઓની નિશાનીઓ ધરાવે છે અને વર્લ્ડ હેરિટેજ સિટીનું મજબૂત દાવેદાર છે રશિયન લેખક લિયો ટોલ્સટોય ‘ધી કોફીહાઉસ ઓફ સુરત’ વાર્તામાં લખે છે કે સુરતના કોફીહાઉસમાં વિશ્વના લોકો ભેગા થઇને ભગવાન અંગે વિચાર કરતા હતા.આ વાર્તા થકી ૧૮મી સદીમાં પણ સુરત વિશ્વમાં કેટલું જાણીતું હતું તે જાણી શકાય છે. મધ્યકાલીન યુગથી જ આર્મેનિયનો, પોર્ટુગીઝો, ડચ અને અંગ્રેજો વગેરેએ સુરત ખાતે જ વેપાર-ધંધા અર્થે આવવાનું શરૂ કર્યું હતું.
મોગલ શાસન દરમિયાન ૮૪ દેશોમાંથી લોકો વેપાર-ધંધા અર્થે સુરત આવતા. ઈતિહાસકાર ડૉ. મોહન મેઘાણી તો કહે છે કે ત્યારે આખા વિશ્વમાં ‘ઇન્ડિયા’ એટલે સુરત જ કહેવાતું! અમદાવાદ માટે વર્લ્ડ હેરિટેજ સિટીનો દાવો કરાઈ રહ્યો છે, જેનું સુરત પણ મજબૂત હકદાર છે. મુગલીસરામાં રહેતી પોર્ટુગીઝ પ્રજા મુગલીસરામાં આઈ.પી. મશિન સ્કૂલ સામે પોર્ટુગીઝ કોઠી છે, જે હાલમાં ઉક્કડજીની ધર્મશાળા તરીકે જાણીતી છે. આ મકાનની બાજુમાં દીવાલ ઉપર આરસની તકતી લગાડવામાં આવી હતી, જેના ઉપર લખ્યું હતું “પોર્ટુગીઝોની કોઠી”.
આ ઇમારતમાં ૧૭મી તથા ૧૮મી સદીઓમાં પોટુgગીઝ લોકોની કોઠી હતી. કહેવાય છે કે ભારત આવનાર સૌપ્રથમ વિદેશી પ્રજા પોટુgગીઝ હોવાનું મનાય છે. જળમાર્ગો પર તેમનું પ્રભુત્વ હતું અને મુખ્યત્વે ચાંચિયાગીરી કરતા હતા. નાનપુરાથી મક્કાઇ પુલ સુધી ડચ પ્રજાની આણ ૧૩.૦૧.૧૬૧૮ બાદ ગોપીપુરામાં હિન્દુ મિલન મંદિરની સામે દિલાવરખાનના મકાનમાં ડચ કોઠી શરૂ થઈ હતી. ત્યારબાદ સુરતના નવાબના દબાણને કારણે ઇ.સ. ૧૭૬૨માં આ કોઠી ખસેડી નાનપુરા-જુની પોસ્ટ ઓફિસમાં શરૂ કરી હતી. નાવડી ઓવારા ખાતે ડચ કોમોડોર બંગલો હતો, જ્યાં આજે પ્રિયા અને રિવરપેલેસ એપાર્ટમેન્ટ છે.
આ વિસ્તાર ડચ બંદર તરીકે ઓળખાતો, જેની નિશાનીરૂપે પોસ્ટઓફિસ પાસે ડચ રોડની તકતી છે. અહીં ડચ લોકો રહેતા હતા. અઠવાગેટથી વાડિયા વિમેન્સ સુધી ફ્રેન્ચોનો વિસ્તાર તુલ્લાવોર્ડ વિસ્તારમાં ઇ.સ.૧૬૬૮માં ફ્રેન્ચ કોઠીની સ્થાપના થઈ હતી. જે ઇ.સ. ૧૭૧૯ સુધી એટલે કે પ૧ વર્ષ સુધી કાર્યરત રહી હતી. ૧૬૭૦ની શિવાજીની બીજી લૂંટ વખતે આ કોઠીમાં ફ્રેન્ચો હતા અને એમણે શિવાજીના સૈનિકોને જુની સરાઈ લૂંટવામાં સહકાર આપ્યો હતો.
સુરતમાં અત્યારે અઠવાગેટ, દિવાળીબાગ તરીકે ઓળખાતા આ વિસ્તારમાં ફ્રેન્ચોનો બગીચો હતો, જે અઠવાગેટથી વાડિયા વિમેન્સ કોલેજ સુધી વિસ્તરેલો હતો. આઇ.પી. મશિન શાળામાં પણ ફ્રેન્ચોની કોઠી હતી. મુગલીસરા તાપી કિનારે અંગ્રેજ પ્રજા ઇ.સ. ૧૬૧૩ની ૧૧મી જાન્યુઆરીને દિવસે અંગ્રેજોએ ભારતમાં સૌ પ્રથમ સુરતમાં મુગલીસરા-આઇ.પી. મશિન સ્કૂલ સામે કૂપર હાઉસ વિસ્તારમાં કોઠી સ્થાપી હતી. કૂપર હાઉસ પણ અંગ્રેજ કોઠીનો જ એક ભાગ હતો, જે આજે ખંડિત છે. બાકીના મકાનના કેટલાક અવશેષો નદી તરફ છે. પરંતુ મૂળ મકાન તો વર્ષો પહેલાં નાશ પામ્યું.
અંગ્રેજ કોઠીનું મકાન સુરતના ભૂતપૂર્વ શાહ બંદર ખ્વાજા હસનઅલી પાસેથી વલપત્ર ૧૪૦૦ મહમૂદીમાં ભાડે લીધું હતું. સુરતમાં સૌથી પહેલાં વિદેશી વેપારીઓ આર્મેનિયન ઈતિહાસકારોનું દ્રઢપણે માનવું છે કે યુરોપિયનો આવ્યા તે પહેલાં પણ સુરતમાં આર્મેનિયનોની વસાહત હતી. તેથી કહી શકાય કે સુરતમાં વિદેશ વેપારનો પાયો નાંખનારા આર્મેનિયનો હતા. તેમનું સૌપ્રથમ ચર્ચ ૧૫૬૨માં બંધાયું હતું. આ ચર્ચ ઇ.સ. ૧૮૬૧માં બંધ થયું ત્યારે તેમાંનો કીમતી સામાન મુંબઈ ખસેડાયો ત્યારે તેમાંથી આર્મેનિયન ભાષામાં લખાયેલું એક બાઇબલ મળી આવ્યું હતું, જે ઇ.સ. ૧૫૬૦માં સુરતમાં લખાયું હતું.
આ રક્ષિત કબરો આજે પણ સાક્ષી પૂરે છે. પુરાતત્વ ખાતા તરફથી શહેરના આ ત્રણ કબ્રસ્તાનને રક્ષિત ઇમારત તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જેમની જાળવણીનું કામ કેન્દ્ર સરકારની એન્જસી આકિeયોલોજિકલ સરવે ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે. અંગ્રેજ: કતારગામ દરવાજા બહાર, અંગ્રેજોની કબર પર મકબરા બન્યા હતા. ડચ અને આર્મેનિયન : કતારગામ દરવાજા બહાર અંગ્રેજોના કબ્રસ્તાન પાછળ ગુલામ ફિળયા ખાતે આવેલા ડચ અને આર્મેનિયન કબ્રસ્તાન.
આ સિવાય આજે સુરત તેના ડાયમંડ બિઝનેસ માટે જાણીતું હોવાથી ડાયમંડ સિટી અને સિલ્ક કાપડ ઉધ્યોગના કારણે “ટેક્સટાઇલ સિટી” તરીકે પણ ઓળખવામાં આવે છે. એલ એન્ડ ટી, ઇન્ડિયન ઓઇલ, કૃભકો, રિલાયન્સ, ગેઇલ, એનટીપીસી, અદાણી સહિતની 26 જાયન્ટ ઈન્ડસ્ટ્રીઓ સુરતના હજીરા વિસ્તારમાં આવેલી છે. આ વિસ્તારોમાં અત્યાધુનિક મશીનરીઓનું નિર્માણ થાય છે. એકમાત્ર આ બેલ્ટ થકી 10 લાખથી વધુ લોકોને રોજગારી મળે છે. જેના કારણે સુરત દર વર્ષે સ્થળાંતર વધી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.