હાલમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટનીનો રંગ જામ્યો છે અને દરેક પાર્ટીના ઉમેદવાર પ્રચારમાં લાગી ગયા છે. બનાસકાંઠા જિલ્લામાં પણ આગામી તા. 5 ડિસેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે અને ચૂંટણી દરમિયાન સુલેહ શાંતિનો ભંગ ના થાય એ માટે જિલ્લા પોલીસ તંત્ર બાજ નજર રાખી રહ્યું છે.
પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા, સરહદી રેંજ કચ્છ-ભૂજ તથા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના ચુસ્તપણે અમલ થાય તે માટેના પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે પોલીસે જિલ્લામાંથી 2.29 કિલો સોનું 99,42,000 રૂપિયા તેમજ 46,369 વિદેશી દારૂની બોટલો મળી કુલ 1,43,34,100 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો છે.
બનાસકાંઠા જિલ્લો સરહદી વિસ્તાર હોવાને કારણે જિલ્લામાં આવેલ તમામ ચેકપોસ્ટ અને હાઇવે માર્ગો પર દરેક વાહનોની ચેકીંગ અને તપાસ કરવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં શાંતિ, સલામતી, સુરક્ષા અને કાયદો જળવાઈ રહે તે માટે હાલમાં ચૂંટણીને લઈને કડક સુરક્ષા કરી દેવામાં આવી છે. તમામ પ્રકારની સુરક્ષા જળવાઈ રહે તે માટે જિલ્લાની તમામ એન્ટ્રી પોઇન્ટ પર પોલીસને ગોઠવી દેવામાં આવી છે. શહેરમાં એન્ટ્રી કરતા તમામ વાહનોની ચેકીગ કરીને જ એન્ટ્રી આપવામાં આવી રહી છે.
તારીખ 3 નવેમ્બર થી 17 નવેમ્બર સુધી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પ્રોહીબિશન, વાહન ડિટેઇન, જાહેરનામા ભંગ, સહિતના ગુનાઓ અંગેની કામગીરી કરવામાં આવી હતી. જયારે ચેકપોસ્ટ પરની કામગીરી દરમિયાન 203 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. જયારે દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવતા 109 વ્યક્તિઓ પકડાયા છે. જ્યારે ચેકપોસ્ટ પરથી દારૂના 15 કેસ કરીને 1,03,79,683 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. જયારે ચેકપોસ્ટ પરથી એક નાસતા ફરતા આરોપીની પણ હાલમાં અટકાયત કરવામાં આવી છે.
જયારે જિલ્લામાંથી તા.3 થી 17 નવેમ્બર સુધી વિદેશી દારૂની બોટલ કુલ 46,369 નંગ બોટલો સાથે 1,43,34,100 રૂપિયાનો મુદામાલ જપ્ત કરાયો છે. કુલ 4 હથિયારો પણ જપ્ત કરાયા છે તેમજ ગુજરાત રાજ્ય અને જિલ્લાના 25 અને બહારના રાજ્યના 9 મળી કુલ 34 નાસતા ફરતા આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.
ચૂંટણી લક્ષી કામગીરીને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા હકમાં સખત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારે 17 નવેમ્બરના રોજ 99,42,000 રૂપિયાનો 2.29 કિલો સોનું જપ્ત કરાયુ છે. બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન શાંતિ સલામતી અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને ચૂંટણી આચારસંહિતાનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે તેમ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણાએ જણાવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.