કતારગામ વિસ્તારમાંથી લાખોની કિંમતના ચરસ સાથે બે ઝડપાયા, એક તો એન્જિનિયર છે…

Published on: 3:36 pm, Fri, 18 September 20

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં વિમલનાથ આર્કેડ સ્થિત ઓનલાઇન માર્કેટીંગની એક દુકાનમાં કતારગામ પોલીસે રેડ પાડી હતી. જેમાં બે યુવાનને 2.38 લાખની કિંમતના 2.379 કિલોગ્રામ ચરસના જથ્થા સાથે ઝડપાયા હતા. અનલોક બાદ છેલ્લા બે માસથી ભાડાની દુકાનમાં ઓનલાઇન માર્કેટીંગનું કામ કરતા મૂળ અમરેલી સિવિલ એન્જિનિયર યુવક અને ભાવનગરના યુવાનોએ ચરસનો ધંધો શરૂ કર્યો હતો. જોકે, વધુ ગ્રાહક સુધી પહોચે તે પહેલા જ પોલીસ તેમની પાસે પહોંચી ગઈ હતી.

2.38 લાખની કિંમતના 2.379 કિલોગ્રામ ચરસના જથ્થો મળી આવ્યો
સુરત શહેર છેલ્લા કેટલાક સમયથી નશાનું હબ બની ગયું હોય તેવું લાગે છે. કારણ કે સતત ડ્રગ્સ કે ચરસ પકડવાના કિસ્સા વધી રહ્યા છે કે જેમાં બે મુદ્દા હોય શકે કે પહેલા પોલીસ પકડતી ન હતી કે હવે નશાનું પ્રમાણ વધી રહ્યું છે. કતારગામ પોલીસે ઝડપાયેલા બે યુવાનો પૈકી એક સિવિલ એન્જિનિયર છે.

કતારગામ પોલીસ મથકના કોન્સ્ટેબલ રવિરાજસિંહ ઘનશ્યામસિંહને મળેલી બાતમીના આધારે કતારગામ પીઆઇ બી.ડી.ગોહિલ અને સ્ટાફે કતારગામ પારસ સોસાયટી વિભાગ-2 વિમલનાથ આર્કેડ દુકાન નં.304 માં રેડ કરી હતી. પોલીસે દુકાનમાંથી રૂપિયા 2,37,900ની કિંમતના 2 કિલો 379 ગ્રામ ચરસના જથ્થા સાથે જીગર મનસુખભાઈ ધોળકીયા અને પાર્થ જયંતીભાઈ તેજાણીને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી ચરસ ઉપરાંત ત્રણ મોબાઈલ ફોન અને ચરસ વેચાણના રોકડા રૂપિયા 19,400 મળી કુલ.2,64,300 નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કેટલાક ગ્રાહકોને વેચી બીજા ગ્રાહકો શોધતા હતા
પોલીસે બંનેની પૂછપરછ કરતા સિવિલ એન્જિનિયર જીગર અને તેના મિત્ર પાર્થે જણાવ્યું હતું કે તેમણે અનલોક બાદ બે માસ અગાઉ આ દુકાન ઓનલાઇન માર્કેટીંગના કામ માટે ભાડે લઈ કામ શરૂ કર્યું હતું. પરંતુ તે સાથે તેમણે ચરસનો ધંધો પણ શરૂ કર્યો હતો.

પહેલી વખત જ મંગાવેલો ચરસનો જથ્થો આવ્યા બાદ કેટલાક ગ્રાહકોને વેચી બીજા ગ્રાહકો તેઓ શોધતા હતા તે પહેલા જ પોલીસ તેમના સુધી પહોંચી ગઈ હતી. કતારગામ પોલીસ બંને ચરસનો જથ્થો ક્યાંથી લાવ્યા અને કોણે તેમની પાસેથી ખરીદ્યો તેની તપાસ હાથ ધરી છે. વધુ તપાસ પીઆઇ બી.ડી.ગોહિલ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en