રાજકોટ(ગુજરાત): સ્વતંત્રતા દિવસે ગઇકાલે સાંજે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ખીરસરા ગામે નદીમાં બે યુવાન ન્હાવા ગયા હતા. જોકે, ઊંડા પાણીમાં ફસાઈ જતા બંને યુવાનના મોત થયા હતા. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ ત્યાં પહોંચીને શોધખોળ શરુ કરી હતી. આજે બંને યુવાનના મૃતદેહને બહાર કાઢ્યા હતા. પોલીસે બંનેના મૃતદેહની પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ શરુ કરી છે. બંને યુવાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલી પીડીયુ મેડિકલ કોલેજના વિદ્યાર્થી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.
બંને યુવાન ખીરસરા ગામ નજીક વીશીય ગામની નદીના ચેકડેમમાં ન્હાવા પડ્યા હતા. ડૂબી જવાથી બંનેના મોત થયા હતા. ઘટનાસ્થળેથી પોલીસને બંને યુવાનના કપડા, પાકીટ અને બાઇક મળી આવ્યું છે. બંને યુવાનના પરિવારજનોને પોલીસે જાણ કરી છે. જુવાનજોધ દીકરાના મોતથી બંનેના પરિવારમાં માતમ છવાય ગયો છે. તેમજ પીડીયુ કોલેજમાં શોક વ્યાપી ગયો છે.
રાજકોટ જિલ્લામાં છેલ્લા 7 દિવસમાં પાણીમાં ડૂબી જવાથી 6 વ્યક્તિના મોત નીપજ્યા છે. ત્રણ દિવસ પહેલા રાજકોટના લોધિકા તાલુકાના કાંગશિયાળી નજીક આવેલા ચેકડેમમાં બપોરના સમયે કપડા ધોવા ગયેલી રસૂલપુરની મહિલાઓ સાથે કરૂણાંતિકા સર્જાઇ હતી અને એક કોઇ કારણોસર ચેકડેમમાં ડૂબવા લાગતાં તેને બચાવવા બીજી અને બાદમાં ત્રીજી મહિલા અંદર ખાબકી હતી અને તરતા કોઇને ન આવડતું હોઇ માતા-પુત્રી સહિત ત્રણના ડૂબી જતાં મોત થયા હતા. જોકે નજીકમાં અન્ય મહિલાઓ પણ કપડા ધોઇ રહી હતી અને બચાવવા પડી હતી, પરંતુ તેઓ સમયસર બહાર નીકળી શકતાં તેમનો બચાવ થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.