આજકાલ વધી રહેલી હત્યાની ઘટના દરમીયાન ફરીવાર એક ચોકાવનારી ઘટના સામે આવી છે જેમાં આણંદ જિલ્લાના વીરસદ ગામના સીમ વિસ્તારમાં ગયા શનિવારે રાત્રે લગ્ન પ્રસંગ નિમિત્તે ચુલો ખોદવા બાબતે સગા કાકા-ભત્રીજા વચ્ચે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને આ ઝઘડામાં કાકાના હાથે ભત્રીજાનું મોત નીપજ્યું હતું.
આ ઉપરાંત, ઘટના બાદ લાગણીવશ કાકાએ પણ ઝેરી દવા પી આત્મહત્યાના પ્રયત્નો કરતાં હોબાળો મચી જવા પામ્યો હતો. ત્યારબાદ તેમને સમયસર સારવાર માટે ખાનગી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. અચાનક બનેલી ઘટનાથી ઘરમાં પ્રસંગના માહોલમાં માતમ છવાયો હતો. આ અંગે વીરસદ પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, બોરસદ તાલુકાના વીરસદ ગામમાં આવેલા ખોડીયારપુરા સીમ વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ ઉર્ફે જગદીશભાઈ નાનજીભાઈ ઠાકોરની બહેન કિંજલના લગ્ન હોવાથી પરિવારના આંગણે પ્રસંગની ખુશીઓનો માહોલ છવાયેલો હતો. પરિવારના આ શુભ પ્રસંગેને લઇ રસોઇ બનાવવા માટે રસોડું ઉભું કરવા ઘરની બહાર ચુલો બનાવવા માટે અરવિંદભાઈ અને કાકા પુનમભાઈ તથા અન્ય માણસો ઘરની બહાર ખાડો ખોદવા માટે ઉભા હતા. આ દરમિયાન અરવિંદભાઈ અને કાકા પુનમભાઈ વચ્ચે ચુલાનો ખાડો ખોદવા બાબતે સામાન્ય બોલાચાલી થઇ હતી.
આ શુભ પ્રસંગે કાકા ભત્રીજા વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલી અચાનક ઉગ્ર બની હતી. જેમાં ઉશ્કેરાયેલા કાકાએ ભત્રીજાને પેઢામાં લાત મારી દેતાં ભત્રીજો અરવિંદ જમીન પર પટકાયો હતો. જ્યાં જમીન ઉપર મુકેલું તપેલુ અરવિંદને માથામાં પાછળના ભાગે જોરથી વાગતાં તે ઘટના સ્થળે જ બેભાન થઈ ગયો હતો. અચાનક બનેલી આ ઘટનાથી બુમાબુમ થતાં ઘરના સભ્યો અને મહેમાનો બહાર દોડી આવ્યા હતા.
ઘવાયેલ અરવિંદને તાત્કાલિક સારવાર માટે ધર્મજની હોસ્પીટલમાં લઈ ગયા હતા ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે પેટલાદની સિવિલ હોસ્પીટલમાં લઇ જતી વખતે રસ્તામાં અરવિંદનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. પેટલાદ હોસ્પિટલમાં ફરજ પરના ડોકટરે ઘવાયેલ અરવિંદને તપાસ્યા બાદ મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ વીરસદ પોલીસને થતાં પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોચી હતી અને મૃતકના પત્નિ શકુબેનની ફરિયાદને આધારે વિરસદ પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, ભત્રીજાના અવસાનથી કાકા પુનમને લાગી આવતાં તેણે પોતે પણ ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરિવારના સભ્યોને પુનમભાઈએ ઝેરી દવા પી લીધી હોવાની જાણ થતાં તેમને પણ સારવાર માટે કરમસદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
આ કેસની તપાસ ચલાવી રહેલા પીએસઆઈ જે.પી. મહેતાએ જણાવ્યું હતું કે, પુનમભાઇને ભત્રીજાના મોતની જાણ થતાં મનમાં લાગી આવેલ કાકાએ પણ ઝેરી પદાર્થ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેમની હાલ સારવાર ચાલી રહી છે. આ ઉપરાંત જણવા મળ્યું છે કે, આગામી દિવસોમાં આ અંગે વધુ પુછપરછ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ ઉપરાંત મૃતક અરવિંદભાઇ (ઉ.વ.25)ને બે સંતાનો હોવાનું સામે આવ્યું છે. તેના પરિવારમાં તેના માતા પિતા સાથે નાનો ભાઇ અને બહેન કિંજલ પણ છે. તેની મોટી બહેનના લગ્ન થોડા વર્ષો અગાઉ થયાં હતાં. તેમજ નાની બહેન કિંજલના લગ્ન નજીકમાં હોવાથી ઘરમાં ખુબ જ ખુશીઓનો માહોલ છવાયેલ હતો. આ દરમિયાન લગ્નના ગણતરીના કલાકો પહેલાં સગા કાકા પુનમભાઇના હાથે ભત્રીજા અરવિંદની હત્યા થઇ જતાં ખુશીઓના માહોલ વચ્ચે ઘરમાં માતમ છવાયો હતો.
આ ઉપરાંત આરોપી પુનમ ઠાકોર અરવિંદના પિતાનો સગો ભાઇ હતો. જેની પત્નિ વર્ષો અગાઉ અગમ્ય કારણોથી ઘર છોડી ભાગી ગઇ હતી. હાલ પુનમ એકલો જીવન જીવે છે અને ખેત મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. જાણવા મળ્યું છે કે, શુભ પ્રસંગ પહેલાં ભાઇ અને કાકા વચ્ચેના ઝઘડાએ ભાઇનું અવસાન થતાં સુખી લગ્નજીવનના સોનેરી સ્વપ્ન સેવતી કિંજલ પર દુઃખનો પહાડ તુટી પડ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.