સુરત(Surat): વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી(VNSGU)ની બીએ સેમ-3ની 50 માર્કસની ઓનલાઇન પરીક્ષા(Online exam)ના રિઝલ્ટમાં મોટો છબરડો જોવા મળ્યો છે, જેમાં 10 વિદ્યાર્થીને 50 માર્કસમાંથી 78 સુધીના માર્ક્સ આપી દેવામાં આવ્યા હતાં. હોમ સાયન્સ (હ્યુમન ડેવલોપમેન્ટ)ના 652 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી. એજન્સી દ્વારા પરીક્ષામાં માત્ર ઇંગ્લિશ મીડિયમનું પેપર જ અપલોડ કરવામાં આવ્યું હતું અને ગુજરાતી મીડિયમનું પેપર અપલોડ કરવામાં નહોતું આવ્યું, જેને કારણે 10 વિદ્યાર્થીઓએ ઇંગ્લિશ મીડિયમમાં પરીક્ષા આપી દીધી હતી.
ત્યાર પછી યુનિવર્સિટી દ્વારા આ મામલે એજન્સીનો તાકીદે કોન્ટેક કરીને ગુજરાતી મીડિયમનું પેપર અપલોડ કરાવવામાં આવ્યું હતું. ત્યાર પછી આ 10 વિદ્યાર્થીઓએ ગુજરાતી મીડિયમમાં પણ પરીક્ષા આપી હતી. આમ, 10 વિદ્યાર્થીઓએ બંને મીડિયમાં પરીક્ષા આપતાં લોગઈન આઇડીમાં એક જ સીટ નંબર લખ્યા હોવાને કારણે બંને મીડિયમની પરીક્ષાના માર્ક્સ ગણાઈને રિઝલ્ટ જનરેટ થયું હતું. ત્યારબાદ યુનિવર્સિટી દ્વારા સુધારો કરીને 10 વિધાર્થીને નવા રિઝલ્ટ આપવામાં આવ્યા હતા.
એજન્સીનો ખુલાસો મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે:
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. ચાવડાએ કહ્યું કે, ઓનલાઇન પરીક્ષા લેનારી એજન્સીએ માર્ક્સ જનરેટ કરવામાં ભૂલ કરી દીધી હતી. અમે તાત્કાલિક 10 વિદ્યાર્થીઓના માર્ક્સ સુધારી ફરીથી રિઝલ્ટ જનરેટ કર્યું છે અને એજન્સીને નોટીસ પાઠવી આ અંગે ખુલાસો પૂછ્યો છે. જે પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.