રાજકીય ભૂંકપથી ગુજરાત કોંગ્રેસમાં ખળભળાટ: લોકસભા ચૂંટણી નહીં લડે આ 5 સિનિયર નેતાઓ…જાણો સંપૂર્ણ માહિતી

Lok Sabha Election 2024: લોકસભા 2024ની ચૂંટણી(Lok Sabha Election 2024) નજીક આવી રહી છે. જેને લઈને રાજકીય પક્ષો સુપર એક્ટિવ થઈ ગયા છે. લોકસભાની ચૂંટણીને…

Lok Sabha Election 2024: લોકસભા 2024ની ચૂંટણી(Lok Sabha Election 2024) નજીક આવી રહી છે. જેને લઈને રાજકીય પક્ષો સુપર એક્ટિવ થઈ ગયા છે. લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોને લઈને મંથન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતની 26 બેઠકોમાંથી 15 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જ્યારે 11 બેઠકો પર ટૂંક જ સમયમાં ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે. તો બીજી બાજુ કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં હજુ સુધી કોઈ ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. આ વચ્ચે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોર બાદ વધુ એક દિગ્ગજ નેતાએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે.

લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પક્ષો કવાયતમાં લાગ્યા છે. આ તરફ ગુજરાત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યોના કેસરિયા અને ગઇકાલે પૂર્વ પ્રમુખે પણ લોકસભા નહીં લડવાની જાહેરાત કરી હતી. આ બધાની વચ્ચે હવે મોટી અપડેટ સામે આવી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ પાર્ટીએ પ્રચાર માટેની જવાબદારી આપી હોવાનું કહી લોકસભા ન લડવાની પાર્ટીને વિનંતી કરી છે.

ભરતસિંહએ કહી આ વાત
પાર્ટીના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ X પર લખ્યું કે, મને અને મારા પરિવારને કોંગ્રેસ પાર્ટીએ દાયકાઓથી ઘણું આપ્યું છે. AICC જમ્મુ અને કાશ્મીરના પ્રભારી તરીકેની મારી વર્તમાન જવાબદારીને ધ્યાનમાં રાખીને અને ગુજરાતમાં પક્ષ માટે અસરકારક રીતે પ્રચાર કરી શકવા માટે હું આ ચૂંટણી ન લડવાની મારી ઈચ્છા હાઈકમાન્ડને નમ્રતાપૂર્વક જણાવું છું. તેમ છતાં કોંગ્રેસના આજીવન સૈનિક રહીને કેન્દ્રીય નેતૃત્વ દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે હું સ્વીકારીશ અને તેનું પાલન કરીશ.

કોંગ્રેસના આ દિગ્જ્જો નહીં લડે ચૂંટણી
જગદીશ ઠાકોર,ભરતસિંહ સોલંકી,તુષાર ચૌધરી,સિદ્ધાર્થ પટેલ અને પરેશ ધાનાણીએ ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો છે.જેની ટ્વિટર દ્વારા માહિતી આપવામાં આવી છે.

છેલ્લા ઘણા દિવસથી ચાલી રહી હતી અટકળો
છેલ્લા ઘણા દિવસથી એવી અટકળો ચાલી રહી હતી કે, મધ્ય ગુજરાતમાં કોંગ્રેસ ફરી એક વખત જૂના ચહેરા પર દાવ લગાવવા જઈ રહી છે. આણંદ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ ભરતસિંહ સોલંકીને મેદાનમાં ઉતારવાની છે. આણંદ બેઠક પર ભાજપના મિતેષ પટેલ અને ભરતસિંહ વચ્ચે ટક્કર થઈ શકે છે. એવામાં તેઓએ આ મામલે ખુલાસો કરીને અટકળો પર પૂર્ણવિરામ લગાવી દીધું છે.

પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે પણ ચૂંટણી લડવાની ના પાડી
ગુજરાતમાં જૂના જોગીઓને વારંવાર ચાન્સ આપ્યા બાદ લાગે છે કોંગ્રેસ 2024માં નવોદિતોને તક આપવાની મન બનાવી લીધું છે. ભરતસિંહ સોલંકી ઉપરાંત પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે પણ સામેથી લોકસભા ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, પાર્ટીએ મને ઘણા વર્ષોથી ખૂબ આપ્યું છે. બબ્બે વખત ધારાસભા, ત્રણ વખત લોકસભા, તાલુકા કોંગ્રેસથી લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ સુધીની મને જવાબદારી આપી છે. પરિણામો વિપરીત આવ્યા પછી પણ CWCના સભ્ય તરીકે મને મૂક્યો છે. સમગ્ર દેશનું નેતૃત્વ મને કહી રહ્યું હતું કે, તમારે ચૂંટણી લડવાની છે. રાહુલ ગાંધીની જે સોચ બની છે નવા લોકોને લાવવાની ત્યારે મેં મારી જાતને તૈયાર કરી છે કે મારે આ વખતે ચૂંટણી નથી લડવી. સમગ્ર ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં નવુ નેતૃત્વ કઈ રીતે આવે તે માટે નિર્ણય કર્યો છે. મારી નાદુરસ્ત તબિયતનું પણ એક કારણ છે.

આ સાથે જ પરેશ ધાનાણી પણ ચૂંટણી નહીં લડે તેવા અહેવાલો સામે આવી રહ્યા છે.ઉપરાંત જગદીશભાઈ પટેલ, બાલુભાઈ છોટુભાઈ વસાવા, કનુભાઈ વસાવા, પ્રિન્સ મકવાણા, કનુભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, ગંગારામ પટેલ, દેવસીભાઈ પટેલ, પાર્થ વસાવા, કોકિલાબેન તડવી, ચંપક વસાવા, રમેશભાઈ વસાવા અને ભરૂચ જિલ્લાના AAPના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા હતા.