વડોદરા હરણી તળાવ દુર્ઘટના: મારો દીકરો મળતો નથી, 24 કલાકથી સતત શોધું છું, આટલું કહેતાં…દાદી પોક મુકીને ચોધાર આંસુએ રડી પડ્યાં

Vadodara Harani Lake tragedy: રાજ્યમાં ફરી બેદરકારીના ખપ્પરમાં નિર્દોષ લોકો હોમાઇ ગયા છે. ત્યારે વડોદરામાં બનેલી કરુણાંતિકાની પ્રાથમિક તપાસમાં જ કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે. હરણી લેકમાં બોટિંગ રાઇડ્સમાં અનેક ખામીઓ અને બેદરકારી રખાઇ હોવાનો ખુલાસો થયો છે. સેફ્ટીની ઐસીતૈસી કરીને બોટમાં ઠાંસી ઠાંસીને લોકોને ભરી સેફ્ટી વિના બોટરાઇડ કરાવાતી હોવાનો ખુલાસો થયો છે.તેમજ આ દુર્ઘટના(Vadodara Harani Lake tragedy)માં ક્રિષ્ના અમીન સોલંકી નામનો બાળક હજી ગુમ છે. ધોરણ બે માં અભ્યાસ કરતો ક્રિષ્ના સોલંકી ગુમ થતા બાળકના દાદીએ તળાવ પર પહોંચી રજૂઆત કરી છે.

હરણી તળાવ દુર્ઘટના મામલે નવો એક વાળાંક આવ્યો
હરણી તળાવ દુર્ઘટના મામલે નવો એક વાળાંક આવ્યો છે. જેમાં વધુ એક બાળક ગુમ હોવાનું સામે આવ્યું છે. ધોરણ બે માં અભ્યાસ કરતો ક્રિષ્ના અમીન સોલંકી નામનો બાળક હજી ગુમ છે. ગઈકાલથી બાળક ગુમ હોવાનુ સામે આવ્યુ છે. ત્યારે હરણી બોટ દુર્ઘટનામાં 3 આરોપીઓની અટકાયત કરાઇ છે. લેક ઝોનના સંચાલક શાંતિલાલ સોલંકીની અટકાયત કરાઇ છે. જેમાં બોટ ઓપરેટર નયન ગોહિલ અને અંકિતની અટકાયત કરાઇ છે. કાયદેસર કાર્યવાહી પૂર્ણ થતાં ધરપકડ કરવામાં આવશે.

ઉછીના પૈસા લઇ મોતના પ્રવાસે મોકલવામાં આવ્યો હતો
તેમના દાદી શારદા બાએ જણાવ્યું કે, મારો પૌત્ર ક્રિષ્ના અમીન સોલંકી હજુ પણ મળી રહ્યો નથી. તેમણે વધુમાં કહ્યું કે, તેમના પિતા હયાત નથી, આથી તે મારી સાથે રહેતો હતો. બાળકના દાદી કોઈના બંગલામાં ઘરકામ કરે છે, ત્યાં તેમણે પૈસા ઉપાડીને કિષ્નાને પ્રવાસમાં મોકલ્યો હતો.વધુમાં જણાવ્યું કે, બાળક મળી રહ્યું ન હોવાથી તે કાલ સાંજના ઘટના સ્થળે ધક્કા ખાઈ રહ્યા છે. આ સાથે જ્યારે શાળાના સંચાલકોને પણ આ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ મને કોઈ જવાબ આપ્યો નહી.

બાળકો ધોરણ 1થી 6ના વિદ્યાર્થીઓ હોવાનું જાણવા મળી રહ્યું છે
આરોપીઓને શોધવા ક્રાઇમ બ્રાન્ચ સહિત 9 ટીમો કામે લાગી છે. તેમજ વડોદરા ક્રાઈમ બ્રાન્ચના ACPની અધ્યક્ષતામાં તપાસ થશે. આ ઘટનામાં બોટમાં સવાર વિદ્યાર્થીઓ ડૂબ્યા હતા. જેમાં કુલ 15 લોકોના મોત થયા છે. જેમાં 13 બાળકો અને બે શિક્ષકોનો સમાવેશ છે. બોટમાં 23 બાળકો, 4 શિક્ષકો, 4 બોટવાળા સહિત કુલ 31 લોકો સવાર હતા. મળતી માહિતી અનુસાર, બોટમાં સવાર તમામ બાળકો ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ હોવાનું જાણવા મળી રહ્યું છે.