ચૂંટણી બાદ ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું નિવેદન – “…રાજકારણ કરવું પડે, કોઈ મનમાં ન રાખતા”

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં જેમને દરેક પાર્ટી પોતાના પક્ષમાં જોડાવવા માટે આતુર હતી એવા ખોડલધામના ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલે પ્રથમ રાજકારણમાં જોડાવવાની જાહેરાત કરી હતી. બાદમાં 182 દિવસ સુધી ‘નરો વા કુંજરો વા’ જેવું નિવેદન આપ્યા બાદ અંતે રાજકારણમાં ન જોડાવાનો નિર્ણય લીધો હતો. ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ અને પરિણામ આવ્યા બાદ પણ તેમણે કોઈ નિવેદન આપ્યું નહોતું. એ બાદ તાજેતરમાં સાકરિયા પરિવારના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં નરેશ પટેલે રાજકારણ મુદ્દે જાહેર મંચ પર એવું કહ્યું હતું કે અમારે સમાજના અગ્રણી તરીકે સમાજનાં કામ કરાવવાનાં હોય છે. સમાજના અગ્રણી તરીકે સમાજનાં કામ કરાવવા રાજકારણ કરવું પડે, કોઈ મનમાં ન રાખતા.

જુઓ શું કહ્યું નરેશ પટેલે?
ખોડલધામ ખાતે આયોજિત યોજાયેલા સાકરિયા પરિવારના સ્નેહમિલનમાં પોતાની સ્પીચ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે આમ તો ચૂંટણી હમણાં જ પૂર્ણ થઈ અને એમાં એક મા ખોડિયારના સુપુત્ર રમેશભાઈ ખૂબ મોટી ભવ્ય જીત લઈને આપણી વચ્ચે ઉપસ્થિત છે. આમ તો સમાજની વાત કરી એટલે અમારા જેવાને ખૂબ જ તકલીફ થાય છે. લોકો કહે છે કે સમાજમાં રહીને રાજકારણની વાત પણ કરો છો, પણ અહીં ઉપસ્થિત સાકરિયા પરિવારના લોકોને ખબર છે કે જો અમે રાજકારણ ન કરીએ તો અમારું કામ ક્યાંય થતું નથી. સમાજની જવાબદારી લઈને અમે બેઠા છીએ, માટે રાજકારણ કરવું પડે અને જરૂર પડે તો બોલવું પણ પડે છે. બધું થોડું થોડું જરૂરી છે એટલે કોઈ મનમાં ન રાખતા.

વિધાનસભાની 2022ની ચૂંટણી નજીક આવતાં ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોએ કમર કસી હતી. ત્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે રાજકારણમાં જોડાશે કે નહીં એ અંગે અટકળો વહેતી કરી હતી અને 6 મહિના સુધી તેમણે રાજકારણમાં જોડાવવા અંગે કોઈ સ્પષ્ટ નિવેદન આપ્યું નહોતું અને 182 દિવસ બાદ કાગવડ ખાતે નરેશ પટેલે જાહેરાત કરી હતી કે તેઓ રાજકારણમાં નહીં જોડાય, ખોડલધામના પ્રોજેક્ટને આગળ વધારશે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

નરેશ પટેલની રાજકીય વિચારધારા કોંગ્રેસ તરફ ઝૂકેલી છે એ જગજાહેર છે, પરંતુ સમય મુજબ ભાજપના ટોચના નેતાઓનેય સાચવી લેવાની તેમની કળા એવી કારગત છે કે છેવટે નરેશ પટેલ કઈ બાજુ છે એ કોઈને ખબર પડતી નથી. અગાઉ વિધાનસભાની ચૂંટણી વખતે પણ હાર્દિક પટેલ સાથે બંધબારણે મુલાકાત થઈ હતી. એ વખતે પણ હાર્દિકે નરેશ પટેલનો ટેકો હોવાનું જાહેર કર્યું હતું. નરેશ પટેલે બંધબારણે જે કંઈ કહ્યું હોય, પણ જાહેરમાં કશું જ ન કહીને હાર્દિકના દાવાની હવા કાઢી નાખી હતી. એ પછી તરત નરેશ પટેલ ભાજપના પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીની સાથે બેઠક કરતા જોવા મળ્યા હતા.

કાયમી પદ્ધતિઃ જાહેરમાં કશું નહિ બોલવાનું, ખાનગીમાં જશ લેવાનો
નરેશ પટેલ દરેકને સાચવી લેવાની કળામાં એટલા માહેર છે કે ખોડલધામની મુલાકાતે આવતા દરેક મોટા નેતાને તેમના દરજ્જા મુજબનાં માન-સન્માન આપે. બંધબારણે બેઠક પણ કરે. નેતા જાહેરમાં કંઈપણ બોલે, પરંતુ નરેશભાઈ મોંમાં મગ ભરી રાખે. છેવટે પરિણામ આવે ત્યારે જીતેલા પક્ષને કે નેતાને અંગત ધોરણે કહી દે કે અમે તમારું સમર્થન કર્યું હતું.આમ, તેઓ હંમેશાં દૂધ-દહીં બંનેમાં પગ રાખીને સૌનો રાજીપો જીતી રાખે છે. અલબત્ત, તેમની આ કૂટનીતિ છેવટે પાટીદાર સમાજના હિતમાં છે કે કેમ? સમાજના હિતની વાતો કરતા નરેશ પટેલને જો રાજકીય મહત્ત્વાકાંક્ષા છે તો ખૂલીને કેમ વ્યક્ત નથી કરતા એ અંગે પાટીદારોમાં પણ કચવાટ છે જ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *