સુરતઃ અડાજણ વિસ્તારમાં રહેતા વ્રજેશ નવિનંચંદ્ર શાહ(ઉ.વ.આ.42)ને 12મી મેના રોજ ખેંચ આવ્યા બાદ હોસ્પિટલમાં બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યાં હતાં. બાદમાં પરિવારે વ્રજેશના અંગોનું દાન કરવાનો નિર્ણય કરેલો. સુરત જ નહીં ગુજરાતમાં પ્રથમ વખત ફેફસાનું દાન કરવામાં આવ્યું હતું. વ્રજેશના ફેફસા સુરતથી બેંગાલૂરુનું 1293 કિ.મી નું અંતર 195 મીનીટમાં કાપીને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. જ્યારે હ્રદય 90 મિનીટમાં મુંબઈમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું. વ્રજેશના અંગોથી સાત વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.
રેર કિસ્સો કહી શકાયઃ મેડિકલ ઓફિસર
જૂની સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો. શક્તિ આંબલિયાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે કિડની, લિવરના અંગદાન થતાં હોય છે. પરંતુ ફેફસાનું આ રીતે ગુજરાતમાંથી ટ્રાન્સપ્લાન્ટ થયાનું મારા ધ્યાનમાં નથી. ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ એ રેર(ભાગ્યે જ) બનતો કિસ્સો છે અને તેમાં પણ આ કિસ્સો ગુજરાત માટે રેરેસ્ટ ઓફ ધ રેર કહી શકાય.
મગજની નસ ફાટી જતાં બ્રેનડેડ જાહેર કરેલા
અડાજણ પાલનપોર કેનાલ રોડ પર રહેતા અને બે દીકરીઓના પિતા તથા આઈટી ટ્રેનિંગ એકેડમી ચલાવતાં વ્રજેશન 12 મે ના રોજ માથું દુખવાની, બેચેની લાગવાની ફરિયાદ કરતાં તેમજ બ્લડ પ્રેસર વધી જતાં બપોરે અઢી વાગ્યે યુનિક હોસ્પીટલમાં ફિજીશિયન ડો. સી.ડી.લાલવાની ની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા. રાત્રે 10 વાગ્યે ખેંચ આવી હતી. જેમાં બેભાન થઈ જતાં નિદાન માટે સીટી સ્કેન કરાવતા મગજની નસ ફાટી જવાને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું.15 મેના રોજ વ્રજેશને બ્રેનડેડ જાહેર કરાયા હતાં. બાદમાં ડોનેટ લાઈફની ટીમે પરિવારજનોને અંગદાન અંગે સમજાવ્યાં હતાં. પરિવારે પણ અંગદાનનો નિર્ણય લીધો હતો.
ફેફસા, હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરાયું
પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા અમદાવાદની IKDRCના ટ્રાન્સપ્લાન્ટ કોર્ડિનેટર પ્રિયા શાહનો સંપર્ક કરી કિડની અને લિવરનું દાન લેવા આવવા માટે જણાવ્યું. જયારે હૃદયના દાન માટે ગુજરાતની હોસ્પીટલમાં હ્રદયના ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ દર્દી ન હોવાને કારણે ગુજરાતની ટ્રાન્સપ્લાન્ટ ઓર્થોરાઈઝેશન કમિટીના ચેરમેન ડૉ. રવિન્દ્ર દીક્ષિતનો સંપર્ક કર્યો. ડૉ. દીક્ષિતે ROTTO મુંબઈનો સંપર્ક કર્યો. ROTTO મુંબઈ દ્વારા હૃદય મુલુંડમાં આવેલ ફોર્ટીસ હોસ્પિટલને ફાળવવામાં આવ્યું. ફેફસાના દાન માટે ROTTO મુંબઈમાં ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ દર્દી ન હોવાને કારણે NOTTO દ્વારા ફેફસા બેંગ્લોરની બીજીએસ ગ્લોબલ હોસ્પિટલને ફાળવવામાં આવ્યા.મુંબઈની ફોર્ટીસ હોસ્પિટલના ડૉ. અન્વય મૂલે અને તેમની ટીમે સુરત આવી હ્રદયનું દાન સ્વીકાર્યું. ફેફસાનું દાન બેંગ્લોરની બીજીએસ ગ્લોબલ હોસ્પિટલના ડો. પ્રેમાનંદ અને તેમની ટીમે આવીને સ્વીકાર્યું. કિડની અને લિવરનું દાન અમદાવાદનીIKDRCના ડૉ.વિકાસ પટેલ અને તેમની ટીમે આવી સ્વીકાર્યું. જયારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ક્ષુબેંકના ડૉ. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું.
હ્રદય, ફેફસાંને ગ્રીન કોરીડોર કરી મોકલાયાં
સુરતની યુનિક હોસ્પિટલથી મુંબઈ, મુલુંડમાં આવેલ ફોર્ટીસ હોસ્પિટલ સુધીનું 269 કિ. મી નું અંતર 90 મીનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું સફળતા પૂર્વક ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી પ્રકાશ શાંતિલાલ શાહ ઉ.વ 44 માં ચીફ કાર્ડિયાક સર્જન ડૉ. અન્વય મુલે અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.પ્રકાશ શાહને 2016 થી હૃદયની તકલીફની શરૂઆત થઇ હતી. તેમના હ્રદયની પમ્પીંગ ક્ષમતા ઘટીને 5% થી 10% થઇ ગઈ હતી.દાનમાં મેળવવામાં આવેલા ફેફસાનું સફળતા પૂર્વક ટ્રાન્સપ્લાન્ટ અશોક ચૌધરી ઉ.વ. 59 બેંગ્લોરની બીજીએસ ગ્લોબલ હોસ્પિટલમાં લંગ ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડૉ. સંદીપ અત્તાવર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.
કિડની અમદાવાદ મોકલાઈ
દાનમાં મેળવવામાં આવેલી કિડની પૈકી એક કિડની અમદાવાદના રહેવાસી યશપાલસિંહ કનકસિંહ માટીએડા ઉ.વ. 20 અને બીજી કિડની અમદાવાદના રહેવાસી કમલેશ નારણભાઈ સોલંકી ઉ.વ. 28માં જયારે લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ઊંઝાના રહેવાસી ઇન્દુબેન દિનેશભાઈ પટેલ ઉ. વ. 47માં અમદાવાદની IKDRCમાં ડો. પ્રાંજલ મોદી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.