‘ વફા ‘ : પ્રેમમાં સફળ થયેલા લોકો કરતાં નિષ્ફળ થયેલા લોકોની માત્રા વધારે છે. જોકે પ્રેમ ની નિષ્ફળતા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે, છતાં પણ દુનિયાની દરેક વ્યક્તિ હંમેશાં એવી અપેક્ષા રાખતી હોય છે કે તેને સાચો પ્રેમ મળે. પરંતુ દરેકના નસીબમાં સાચો પ્રેમ હોતો નથી. ‘વફા’ એ પ્રેમની નિશાની છે, પરંતુ આજે પ્રેમમાં ‘બેવફાઇ’ ને લઈને અનેક ‘દિલજલે’ જોવા મળતા હોય છે, ત્યારે એક વસ્તુ યાદ રાખવી જોઈએ કે હર હંમેશા મેળવવું એ જ પ્રેમ નથી, ક્યારેક જતું કરવું એ પણ એક પ્રેમ છે.
મહાભારતમાં કૃષ્ણ અને રાધા નો પ્રેમ એક સાચા સમર્પણનો ભાવ છે. જો કૃષ્ણ ઈચ્છત તો રાધા સાથે લગ્ન પણ કરી શક્યા હોત, પરંતુ તેમણે એમ કર્યું નહીં. છેવટે રાધાના નસીબમાં કૃષ્ણનો વિરહ જ રહ્યો. પરંતુ કૃષ્ણ ના હૃદયમાં હર હંમેશ માટે રાધા જ હતી અને જ્યાં સુધી પૃથ્વી પર કૃષ્ણનું હૃદય ધબકતું રહ્યુ ત્યાં સુધી માત્ર દરેક ધડકન માં રાધા નો જ નાદ સંભળાતો હતો. કહેવાનું તાત્પર્ય એ છે કે મેળવવા કરતા જતું કરવામાં પણ ઘણીવાર સાચા પ્રેમની અનુભૂતિ થતી હોય છે અને એનો અનહદ આનંદ આવતો હોય છે.
– જશવંત પટેલ