(સુના સો ચુના) : ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ પોતાના અંગત સ્વાર્થ સાધવા માટે પોતે જીતેલી બેઠકો પરથી રાજીનામું આપતા આઠ જેટલી પેટા બેઠકોની ચૂંટણી આગામી સમયમાં યોજાવા જઇ રહી છે ત્યારે ભાજપ દ્વારા ચૂંટણી જીતવા માટે અત્યારથી જ વ્યૂહરચના ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે જ્યારે કોંગ્રેસના હજુ ‘ધણી વગરના ધણ’ જેવા ઠેકાણા છે.
કોંગ્રેસના સંગઠનમાં ભાજપ જેવી સિસ્ટમ નો શરૂઆતથી જ આભાવ રહ્યો છે તો વળી કોંગ્રેસના જીતેલા ધારાસભ્યોમાં પણ સંકલનનો અભાવ છે એટલું જ નહીં પ્રદેશ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા વચ્ચે પણ ક્યાંક ને ક્યાંક સંકલનનો અભાવ રહ્યો છે, ત્યારે ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં મોટા પાયે ચૂંટણી પહેલા ફેરફારો થાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. જોકે કોંગ્રેસ ‘આગ લાગે ત્યારે કૂવો ખોદવા’ થી ટેવાયેલી છે જેથી ચૂંટણીઓમાં અવારનવાર મોટું નુકસાન સહન કરવાનો વારો આવે છે.
કોંગ્રેસમાં હાર્દિક પટેલ ક્યાંકને ક્યાંક છેલ્લા ઘણા સમયથી સુષુપ્ત અવસ્થામાં રહ્યો હોય તેવું સ્પષ્ટ દેખાય છે. વળી હવે હાર્દિક પટેલ ને ચૂંટણીમાં ટિકિટ મળશે કે નહીં તેને લઈને પણ અનેક તર્ક-વિતર્કોચાલી રહ્યા છે. બીજી બાજુ જ્યાં સુધી ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બદલાય નહીં ત્યાં સુધી કોંગ્રેસને હજુ પણ ઘણું નુક્સાન સહન કરવું પડશે તેમ રાજકીય જાણકારો માની રહ્યા છે.
તો બીજી બાજુ પાટીદાર નેતા ગોપાલ ઇટાલીયા એ તાજેતરમાં જ આમ આદમી પાર્ટી જોઈન કરી છે અને ગોપાલ ઇટાલીયા ને ગુજરાત આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા છે ત્યારે ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ ઉપરાંત હવે આમ આદમી પાર્ટીનું જોર પણ વઘ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જો આમ આદમી પાર્ટી મજબૂત થશે તો મતદારો માટે ભાજપ નો બીજો વિકલ્પ કોંગ્રેસ નહીં પરંતુ આમ આદમી પાર્ટી બની રહેશે આવા સંજોગોમાં કોંગ્રેસ સદંતર હાંસિયામાં ધકેલાઈ શકે છે.
ચર્ચાતી વિગતો મુજબ આગામી સમયમાં યોજાનારી આઠ પેટા વિધાનસભાની ચૂંટણીઓમાં પણ આમ આદમી પાર્ટી ઝંપલાવી શકે છે. જો આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્ર સહિત ચોક્કસ બેઠકો પર પોતાના ઉમેદવારોને નિયુક્ત કરશે તો કોંગ્રેસને સૌથી વધારે નુકસાન થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. વળી હાલમાં કોંગ્રેસમાં હાર્દિક સિવાય પ્રચાર કરી શકે એવા કોઈ દિગ્ગજ નેતા ના ઠેકાણા નથી. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા પ્રચાર કાર્યમાં ભાજપની સરખામણીમાં ઘણા ઓછા પ્રબળ પૂરવાની થયા છે, ત્યારે જો કદાચ 8 વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં કોંગ્રેસને જીત મળે તો એ જીત ઉમેદવારની પોતાના બળે પ્રાપ્ત કરેલી હશે.
તો વળી કોંગ્રેસના જે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે અને જેઓએ છે અને જેઓએ ભાજપના ખેસ ધારણ કર્યા છે એમને જો ભાજપ પુનઃ ટિકિટ આપે તો લોકો પોતાનો ગુસ્સો ઉમેદવાર પ્રત્યે વ્યક્ત કરવા માટે ભાજપ ને બદલે કોંગ્રેસને મત આપીને જીતાડી શકે છે. જોકે હવે ડિજિટલ ઇન્ડિયામાં મતદારો પણ ખુબ જ સતર્ક બન્યા છે. પોતાના કિમતી મત સાથે દગો કરનાર આ સત્તા લાલચુ અને સ્વાર્થી નેતાઓને અગાઉ પણ મતદારોએ ઘરભેગા કરીને જાગૃત મતદાર હોવાનું સિદ્ધ કર્યું છે ત્યારે હવે જોવું એ રહ્યું કે આ સીટો પર કોણ બાજી મારશે ?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news