હાલમાં જ ભારતમાં નરેન્દ્ર મોદીની સરકારે ધારા 370 દૂર કરતા વિશ્વભરમાંથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. પાકિસ્તાનમાં ઇમરાનખાનની સરકારે ભારતના આ પગલાનો ખુબ જ વિરોધ કર્યો છે. તેઓ આ બાબતને યુનાઇટેડ નેશન્સમાં લઇ જવાની વાત કરે છે. તેઓ બીજા દેશો પાસેથી સમર્થન માગી રહ્યા છે પરંતુ તેમને કોઇ દાદ આપતું નથી. હાલ તો જગતના મોટાભાગના દેશો અને ખાસ કરીને મુસ્લિમ દેશો પણ પાકિસ્તાનને સાથ આપતા નથી.
આ બાબતે પાકિસ્તાન ખુબ જ વિરોધ કરી રહ્યું છે. અને ભારતના આ કદમ પર દુનિયાના દરેક દેશો સાથ આપી રહ્યા છે. અહીં સવાલ એ છે કે પાકિસ્તાનને કોઇ સાથ કેમ આપતું નથી. ચીનને પાકિસ્તાનનો જીગરી મિત્ર માનવામાં આવે છે પરંતુ ચીને પણ હાથ ઉપર કરી દીધા છે. ચીને આપેલા નિવેદનમાં કહ્યું છે કે, જમ્મુ કશ્મીરમાં ઊભી થયેલી પરિસ્થિતિ અંગે ચીન ચિંતિત છે. ભારતે સંવાદ અને વાતચીતથી ઉકેલ લાવવો જોઇએ. ઉલ્લેખનીય છે કે ચીનને ભારતનું મોટું માર્કેટ દેખાય છે. અમેરિકાએ પહેલા મધ્યસ્થી કરવાનો બફાટ ટ્રમ્પે કર્યા પછી આ મામલે પાકિસ્તાનનો સાથ આપવાની ના પાડી દીધી. અમેરિકા એટલા માટે પણ ભારતની સાથે છે કારણ કે રશિયાએ પહેલા જ ભારતના પગલાની સાથ આપી દીધો હતો. આ ઉપરાંત ઇસ્ત્રાએલ તો હમેશાથી ભારતની સાથે છે. એટલે પશ્ચિમના મોટાભાગના દેશો ઇસ્ત્રાએલની પોલીસીને જો સમર્થન કરતા હોય તો સ્વાભાવિક રીતે ભારતના પગલાનો વિરોધ કરે નહીં.
પાકિસ્તાનને ખાસ તો મોટી અપેક્ષા તેના મુસ્લિમ દેશો પાસેથી હતી. પરંતુ તેમનામાંથી પણ કોઇ હાથ ઝાલવા તૈયાર નથી. સઉદી અરેબિયાએ હાલમાં જ પાકિસ્તાનને 6 બિલિયન ડોલરની લોન આપી છે પરંતુ કશ્મીર મામલે ચુપ જ રહેવાનું મુનાસિબ માન્યું. તેણે બન્ને પક્ષોને શાંતિ જાળવવાની અપીલ કરવાથી વધુ આગળ કોઇ વાત કરી નહીં. આ ઉપરાંત યુએઇએ પણ સાઉદી જેવી જ વાત કરી. યુએઇએ તો ત્યાં સુધી કહી દીધું કે આ પગલા પછી સ્થાનિક લોકોની સમસ્યાઓ ઝડપથી ઉકેલાય તેવું તેઓ ઇચ્છે છે.
આ બધા દેશો ભારતની સાથે છે તેની પાછળ નરેન્દ્ર મોદીની તેઓ પહેલી ટર્મમાં વડાપ્રધાન બન્યા ત્યારની મહેનત છે. ભારતે તેની સ્થિતિ દુનિયાના બીજા દેશોની પહેલીવાર સ્પષ્ટ રીતે સમજાવી છે. એટલે તેઓ કોઇ પણ નિવેદન કરતા પહેલા ભારતની સ્થિતિને પહેલા ધ્યાનમાં લે છે. વિશ્લેષકો કહે છે કે ભારતની શાખ દુનિયામાં વધી છે તેનો આ દાખલો છે. તેની પાછળનું મોટું એક કારણ ભારતનું મોટું બજાર છે. આજે દુનિયા મિલિટરી પાવર કરતા મની પાવરને મહત્ત્વ વધુ આપે છે. ભારતની વધતી આર્થિક તાકાત અને મોટું બજાર બધા જ દેશો માટે મહત્ત્વના છે. જોકે, હાલની સ્થિતિમાં તો ભારતનો હાથ ઉપર છે પરંતુ તે સતત ઉપર રહે તે માટે ખાસી મહેનત કરવી પડશે. કારણ કે ઇન્ટરનેશનલ પોલિટિક્સમાં બધા જ દેશો સૌથી પહેલા તેમના દેશના સ્વાર્થને જ જૂએ છે. જો તેમના દેશોના સ્વાર્થો ભારત સાધી શકે તો તે હમેશા ભારતની સાથે જ રહેશે.