અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને(US President Joe Biden) યુક્રેનને(Ukraine) રશિયન(Russia) વિમાનો અને હેલિકોપ્ટર દ્વારા થતા હુમલાને રોકવા માટે 800 એન્ટી એરક્રાફ્ટ સિસ્ટમ(Anti aircraft system) ડિલિવર કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે યુક્રેનને રશિયાના વિમાનો અને ટેન્કોને મારવા માટે હથિયારો સહિતની સુરક્ષા સહાય માટે યુએસ વધારાના $800 મિલિયન આપશે. આ સિવાય બાઈડેને જણાવ્યું કે, યુએસ યુક્રેનને લડવા અને બચાવ કરવા, માનવતાવાદી રાહત પ્રદાન કરવા અને વધારાની નાણાકીય સહાય સાથે યુક્રેનની અર્થવ્યવસ્થાને ટેકો આપવા માટે શસ્ત્રો પ્રદાન કરવાનું ચાલુ રાખશે.
અમેરિકા યુક્રેનને શસ્ત્રો આપશે:
બાઈડેને જણાવ્યું કે, વોશિંગ્ટન ઝેલેન્સકીની વિનંતી પર યુક્રેનને તે 9,000 એન્ટી-આર્મર સિસ્ટમ્સ, ડ્રોન અને 7,000 નાના શસ્ત્રો જેમ કે મશીનગન, શોટગન અને ગ્રેનેડ લોન્ચર પણ સપ્લાય કરશે જે નાગરિકોને તેમના દેશના સંરક્ષણ માટે લડવામાં મદદ કરશે.
બુધવારે અમેરિકી સંસદને સંબોધતા રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે રશિયન સેનાએ મારિયોપોલની હોસ્પિટલ પર ભારે બોમ્બમારો કર્યો છે. આ બોમ્બ ધડાકા જોયા બાદ અમે નક્કી કર્યું છે કે અમે યુક્રેનને વધુ ખતરનાક હથિયારો અને ડ્રોન આપીશું. અમે રશિયાને યુદ્ધમાં હરાવવા માટે યુક્રેનને આધુનિક શસ્ત્રો મોકલી રહ્યા છીએ. અમેરિકા યુક્રેનની આઝાદી સાથે ઉભું છે અને યુક્રેનના લોકોને શક્ય તમામ મદદ કરશે. બાઈડેને જણાવ્યું કે, અમે યુક્રેનને $200 મિલિયનની સહાય મોકલી છે અને આ અઠવાડિયે વધુ $1 બિલિયન મોકલીશું.
જો બાઈડેનનું આ નિવેદન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના યુએસ કોંગ્રેસમાં સંબોધન પછી આવ્યું છે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યુએસ કોંગ્રેસને સંબોધિત કરતી વખતે ઝેલેન્સકીએ કહ્યું હતું કે અમે કોઈપણ પ્રકારનું યુદ્ધ કરવા માંગતા નથી. અમે શક્ય તેટલી વહેલી તકે યુદ્ધને રોકવા માંગીએ છીએ. રશિયા સતત હુમલા માટે મિસાઈલોનો ઉપયોગ કરી રહ્યું છે. આ દરમિયાન ઝેલેન્સકીએ કહ્યું કે યુક્રેન પરનો હુમલો પર્લ હાર્બર અને અમેરિકામાં 9/11ના હુમલા જેવો છે.
સ્લોવાકિયા યુક્રેનને S-300 મિસાઈલ સિસ્ટમ આપવા તૈયાર છે:
રશિયા તરફથી સતત હુમલાઓ કરી રહેલા યુક્રેનની મદદ માટે હવે સ્લોવાકિયા આગળ આવ્યું છે. સ્લોવાકિયા યુક્રેનને સોવિયત નિર્મિત S-300 મિસાઈલ સિસ્ટમ સપ્લાય કરવા માટે સંમત થયા છે. જો કે, મિસાઈલ સિસ્ટમ આપતા પહેલા સ્લોવાકિયાએ તેના પર નાટોની સંમતિ માંગી છે.
ICJનો આદેશ- રશિયાએ સૈન્ય કાર્યવાહી તાત્કાલિક સમાપ્ત કરવી જોઈએ:
બીજી તરફ, ઇન્ટરનેશનલ કોર્ટે રશિયાને યુક્રેનમાં તેની સૈન્ય કાર્યવાહી તાત્કાલિક સમાપ્ત કરવાનો આદેશ આપ્યો છે. ભારત સિવાય 12 દેશોએ ICJના આદેશનું સમર્થન કર્યું હતું, જ્યારે બે દેશોએ કોર્ટના આદેશની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. જેમાં રશિયા અને ચીનનો સમાવેશ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.