અમદાવાદ(ગુજરાત): આજકાલ હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. હત્યા તો જાણે સામાન્ય ખેલ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન, ફરીવાર અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં ડબલ મર્ડરનો બનાવ સામે આવ્યો છે. કાકા અને માતાની હત્યા કર્યા બાદ આરોપી યુવકે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, આત્મહત્યા માટે બે વખત પ્રયાસ કરવા છતાં યુવકનું મોત ન થતા અંતે તેણે તેના સબંધીને પોતે કરેલા ગુનાની જાણ કરી હતી.
જાણવા મળ્યું છે કે, આરોપીના પિતાનું થોડા વર્ષો પહેલા અવસાન થયા બાદ તે અને તેની માતા કાકા સાથે રહેતા હતા. આરોપી યુવક કોઈ કામ-ધંધો કરતો ન હોવાથી એ બાબતે પરિવારે ઠપકો આપ્યો હતો જેથી આવેશમાં આવીને બંનેની હત્યા કરી નાખી હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે. આરોપી માતા અને કાકાની હત્યા કર્યાં બાદ બે દિવસ મૃતદેહની બાજુમાં લોહીલુહાણ હાલતમાં બેસી રહ્યો હોવાનું સામે આવ્યું છે.
“મેં મારા માતા અને કાકાની હત્યા કરીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. પરંતુ મારું મોત થઈ શકતું નથી.” આ શબ્દો ઈસનપુર વિસ્તારમાં આવેલા સુમન સજની સોસાયટીમાં રહેતા વરુણ પંડ્યાના છે. વરુણે તેની માતા અને કાકાની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો ગોવાનું જાણવા મળ્યું છે. વરુણે આ ઘટનાની જાણ તેના સબંધીને કરી હતી. પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના સ્થળે વરુણ લોહીલુહાણ હાલમાં જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો.
મળતી મહિતી મુજબ, વરુણને સારવાર માટે મોકલ્યા બાદ ઘરમાં તપાસ કરતા તેની માતા વંદનાબેન અને કાકા અમુલભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક જાણકારીમાં જાણવા મળ્યું છે કે, સોમવારે વરુણે તેના કાકા અને માતાની હત્યા કરી પોતે પણ ગળેફાંસો ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ગળેફાંસો ખાવાથી તેનું મૃત્યુ ન થતાં તેણે છરી વડે પેટના ભાગે ઘા માર્યા હતા. છરીના ઘા મારવા છતાં મોત થયું ન હતું. ત્યારબાદ વરુણ બે દિવસ સુધી લોહીલુહાણ હાલતમાં રૂમમાં બંને મૃતદેહની પાસે જ બેસી રહ્યો હતો. અંતે કંટાળીને તેણે તેના સગાને આ બાબતે જાણ કરી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, સાત-આઠ દિવસ પહેલા વરુણના બહેન કિન્નરીનું પણ હાર્ટ એટેક આવવાથી મોત નીપજ્યું હતું. જેનો આઘાત તેઓ સહન કરી શક્યા નહી. જ્યારે બીજી બાજુ એવું પણ જાણવા મળી રહ્યું છે કે, આર્થિક સંકડામણને કારણે તેણે આ પગલું ભર્યું હશે. મૃતક અમુલભાઈ પંડ્યા કોર્પોરેશનમાં પબ્લિક હેલ્થ ઑફિસર તરીકે કામ કરતા હતા. સાતેક વર્ષ પહેલાં તેઓ નિવૃત્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં આ સમગ્ર મામલે પોલીસ દ્વારા એફએસએલની મદદ લઈને વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.