પેપરલીક (Pepperleak)ની ઘટનાઓ અવાર નવાર સામે આવતી જ રહે છે. તેમજ આ પેપરલીક થવાને કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાઇ જતું હોય છે. તેમ છતાં પણ અત્યાર સુધી સરકાર દ્વારા કોઇપણ પ્રકારની ચોક્કસ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ત્યારે હાલ ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel) સરકાર વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાના સ્પર્ધકોના ભાવિ સાથે ચેડા કરનારા વિરુદ્ધ કડક કાયદો બનાવવા જઈ રહી છે. જેનું બિલ આજે વિધાનસભા ગૃહમાં રજૂ કરાયું છે. આ બિલને જાહેર પરીક્ષા અધિનિયમ બિલ નામ આપવામાં આવ્યું છે.
પરીક્ષાર્થી 2 વર્ષ સુધી નહીં આપી શકે પરીક્ષા:
જાણવા મળ્યું છે કે, ગુજરાત જાહેર પરીક્ષા વિધયેક 2023 સરકાર લાવશે. બજેટ સત્રમાં રાજ્ય સરકાર આ વિધયેક પસાર કરાવશે. આ વિધેયક ગૃહમાંથી પસાર થયા બાદ તેને મંજૂરી મળી જશે તો તે કાયદા તરીકે પ્રસ્થાપિત થઇ જશે. વિધેયકની કોપી ધારાસભ્યોને આપવામાં આવી છે. નવા કાયદામાં ભરતી પ્રક્રિયામાં સામેલ તમામ સરકારી અને બિનસરકારી સભ્યોની બેદરકારી બદલ કડક સજાની જોગવાઈ કરાઇ છે. જેમાં કૌભાંડીઓની મિલ્કત જપ્તી અને ટાંચમાં લેવાની પણ જોગવાઈ છે. આ સાથે જ ગુનાના દોષિત ઠર્યા હોય તેવા પરીક્ષાર્થીને જાહેર પરીક્ષામાંથી બે વર્ષ માટે બાકાત રાખવા જોગવાઈ છે.
1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે!
આ ઉપરાંત વિધેયકમાં આમાં ઓછામાં ઓછી 7 વર્ષ અને વધુમાં વધુ 10 વર્ષની સજાની જોગવાઈ કરાઈ છે. તો પેપરલીક કરનારને 1 કરોડ સુધીનો દંડ ફટકારવામાં આવશે. તેમજ દંડની રકમ ચુકવવામાં ચૂક થાય તો ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ પેપરલીક કરનારની સ્થાવર, જંગમ મિલકત જપ્ત થઈ શકશે.
એ પણ જણાવવામાં આવ્યું છે કે, પરીક્ષામંડળની કોઈ વ્યક્તિ જવાબદાર હોય તો તેને મંડળમાંથી બાકાત કરવાની પણ જોગવાઈ છે. સાથે આ અધિનિયમના દરેક ગુના બિનજામીનપાત્ર હશે. તેમજ પેપરલીક કેસની તપાસ DySP કક્ષાના અધિકારી કરે તે ઈચ્છનીય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.