બાળકો ‘બચાવો, બચાવો’ની બૂમો પાડતાં રહ્યાં: હરણી તળાવના બનાવમાં 17 નિર્દોષ હોમાયા- 4.45 કલાકે દુર્ઘટના બની, બે લોકોની ધરપકડ

Vadodara Boat Tragedy: વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી( Harni lake Vadodara Boat Tragedy) જવાથી બાળકોના ડૂબી જવાની ઘટના અત્યંત હૃદયદ્રાવક છે. જીવ ગુમાવનારા માસૂમ બાળકોની આત્માની શાંતિ માટે ત્રિશુલ ન્યુઝ તરફથી પ્રાર્થના કરીએ છીએ. આ દુઃખના સમયમાં તેમના પરિવાર પ્રત્યે અમારી ઊંડી સંવેદના છે. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.

વડોદરામાં કોન્ટ્રાક્ટર અને શાળા સંચાલકની બેદરકારીએ શિક્ષકો સહિત 14 લોકોનો જીવ લઈ લીધા છે. હરણી તળાવમાં બોટ પલટી જતાં શિક્ષકો સહિત 23 બાળકો ડૂબ્યા હતા અને મોટી દુર્ઘટના ઘટી છે.જો કે આવી જ એક દુર્ઘટના 30 વર્ષ પહેલા બની હતી. જેમાં 22 લોકો મોતને ભેટ્યા હતા.આ દુર્ઘટનાના પગલે કેટ કેટલાય ઘરના કૂલ દિપક ઓલવાઈ ગયા છે.

બોટ દુર્ઘટનાએ અપાવી 30 વર્ષ પહેલાની ઘટનાની યાદ
વડોદરામાં 18 જાન્યુઆરીએ ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો માટે ગોજારી બની ગઇ. બાળકો સહિત 17 લોકોના મોત થતા શોકનો માહોલ ફેલાયો છે..હજુ પણ અમુક લાપતા વિદ્યાર્થીઓની શોધખોળ ચાલુ છે જો કે વડોદરામાં બનેલી બોટ દુર્ઘટના પહેલી નથી. 30 વર્ષ પહેલા પણ આવી જ એક બોટ દુર્ઘટના વડોદરામાં બની હતી. જેમાં 17 પરિવારના 22 લોકોનાં મૃત્યુ થયાં હતાં. તે દિવસ આજે પણ લોકોના મનમાંથી ભૂંસાયો નથી, ત્યાં હવે નાના નાના ભુલકાઓના જીવ જવાથી ફરી એ ઘટના જાણે જીવંત બની ગઇ છે.

2017થી કામગીરીનો વર્કઓર્ડર મેસર્સ કોટિયા પ્રોજેક્ટ પાસે
આ અંગે વડોદરા કોર્પોરેશનમાં કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા રાજેશ ચૌહાણે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં જણાવ્યું છે કે હરણી લેકઝોન ખાતે 2017થી કામગીરીનો વર્કઓર્ડર મેસર્સ કોટિયા પ્રોજેક્ટને સોંપવામાં આવ્યો છે. જેમાં જુદી-જુદી રાઇડ્સ, ખાણી-પીણી, બેન્ક્વેટ હોલ અને બોટિંગ જેવી આનંદ પ્રમોદની સુવિધા આપવામાં આવેલ છે. જેની સંપૂર્ણ જવાબદારી મેસર્સ કોટિયા પ્રોજેક્ટની છે.

25 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો તળાવમાં નૌકાવિહાર કરતા હતા
વધુમાં તેમણે જણાવ્યું કે ગઇકાલે આશરે સાંજના સાડા ચારેક વાગ્યે હરણી લેકઝોન ખાતે ન્યુ સનરાઇઝ સ્કૂલના વિદ્યાર્થીઓ પિકનિક માટે આવ્યા હતા. જેમાંથી અંદાજે 25 જેટલા વિદ્યાર્થીઓ અને 4 જેટલા શિક્ષકો તળાવમાં નૌકાવિહાર કરતા હતા. જેમાં અમારા જાણવા મુજબ બોટમાં ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડી બોટિંગ કરાવતા હતા. તેમાંથી કેટલાંક બાળકોને લાઇફ જેકેટ પહેરાવ્યા વગર બેસાડ્યા હતા.

બોટમાં સવાર મૃત બાળકોના નામની યાદી
મનસુરી હસનૈન (ધો. 1)
વાલોરવાલા અલી (ધો. 1)
સાદુવાલા મો. તૌકીર (ધો. 1)
શેખ જૈનુલ (ધો. 1)
મનસુરી અકીલ (ધો. 2)
શેખ મુઆવીયા (ધો. 2)
મનસુરી મો. અરહાન (ધો. 2)
ખલીફા જુનૈદ (ધો. 2)
દુધવાલા હસીમ (ધો. 2)
ખલીફા રૈયાન (ધો. 2)
માછી નેન્સી (ધો. 2)
ખલીફા આશીયા (ધો. 3)
શેખ સકીના (ધો. 3)
પઠાણ અરકાન (ધો. 3)
મેમન ગુલામ (ધો. 3)
ખેરૂવાલા અનાયા (ધો. 4)
સુબેદાર ઝહાબીયા (ધો. 4)
શાહ રૂતવી (ધો. 4)
કોઠારીવાલા અલીશા (ધો. 4)
નિઝામા વિશ્વકુમાર (ધો. 4)
સાન્દી અરમાનાલી (ધો. 6)
શેખ સુફીયા (ધો. 6)
વોરા જીશાન (ધો. 6)
પઠાણ આલીયા (ધો. 6)
ગાંધી મો. અયાન (ધો. 6)
આ બાળકોએ આ રંગીન દુનિયાને હમેશા માટે અલવિદા કહી દીધી છે.

સંચાલકોએ હાથ ખંખેર્યા
વડોદરા હરણી તળાવ દુર્ઘટના કેસમાં એક બાદ એક નવી અપડેટ સામે આવી છે. આ બધાની વચ્ચે હવે ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલકોની પ્રતિક્રિયા સામે આવી છે. વિગતો મુજબ હરણી દુર્ઘટના કેસમાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલકોએ હાથ ખંખેર્યા છે. સ્કૂલ સંચાલકોનું કહેવું છે કે, સ્કૂલની નહી પરંતુ બોટ ચાલકની બેદરકારીના કારણે ઘટના બની. કોઈ પણ સેફ્ટી પહેરાવ્યા વગર બોટમાં બાળકોને બેસાડવામાં આવ્યા હતા. ફનટાઈમ મેરિનાની બેદરકારીના કારણે આ ઘટના બની હોવાનું સ્કૂલ સંચાલકોએ જણાવ્યું છે.

કમાવવાની લાલચે 14 જીવ હોમાયા?
વડોદરામાં હરણી હોનારત બાદ હરણી તળાવ ડેવલપમેન્ટ માટેના કોન્ટ્રક્ટર સામે ગંભીર સવાલો ઊઠ્યા છે. જેમાં આ કોન્ટ્રાક્ટરે બીજા કોઈને કોન્ટ્રાક્ટ આપી નિયમોનો ભંગ કર્યો છે. પાલિકાએ વર્ષ 2017માં પરેશ શાહ નામના કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જે કોન્ટ્રાક્ટ પરેશ શાહે બીજી કોઈ કંપનીને આપી દીધો હતો. આ તરફ બોટિંગ માટે 5 વર્ષથી ઉપરનાં બાળકોના 60 રૂપિયા લેવાતા હતા. તેમાં પણ બોટની કેપેસિટી 17 લોકોની જ હતી, પરંતુ વધુ રૂપિયા કમાવવાની લાલચમાં બોટમાં આશરે 30 જણાં ભરી દીધા હતા. જેથી ના થવાનું થયું હતું અને બોટ હરણી તળાવમાં ઊંધી વળી ગઈ હતી. જેમાં નિર્દોષ 15 જણાં કાળનો ભોગ બન્યા હતા. આ બધાની વચ્ચે ઘટનાસ્થળે એવી પણ ચર્ચા થઈ રહી છે કે, સેવઉસળની લારી ચલાવતો વ્યક્તિ અહીં બોટ ચલાવતો હતો.

કેન્દ્ર અને રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી
વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં કેન્દ્ર સરકાર મૃતકનાં પરિવારજનને 2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની આર્થિક સહાય કરશે. જ્યારે રાજ્ય સરકાર આ દુર્ઘટનામાં જાન ગુમાવનાર પ્રત્યેક મૃતકનાં પરિવારજનને 4 લાખ રૂપિયાની અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય કરશે.પરંતુ બાળકોના માતાપિતાએ કહ્યું કે, અમને રૂપિયા નથી જોઈતા અમને અમારા સંતાનો પરત કરી આપો.

કોર્ટને દરેક ડોક્યુમેન્ટ આપવા પડશે
વડોદરા દુર્ઘટના મુદ્દે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી દ્વારા ચીફ જજની કોર્ટમાં સુઓમોટો દાખલ કરવા રજૂઆત કરાઈ. બ્રિજેશ ત્રિવેદીએ કહ્યું છે કે, આ ખૂબ કરુણ ઘટના હોવાથી હાઈકોર્ટે આ ઘટનામાં સુઓમોટો લેવો જોઈએ. કોર્ટે ન્યુઝ પેપરમાં અહેવાલ સહિતના ડોક્યુમેન્ટ્સ માંગ્યા. હવે કોર્ટને દરેક ડોક્યુમેન્ટ આપવા પડશે.