કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી દર્શના જરદોશના હસ્તે વિદ્યાર્થિનીઓને 300થી વધુ સેનેટરી નેપકિનનુ વિતરણ

Sanitary napkins by Darshana Jardosh: કેન્દ્રીય રેલ્વે અને ટેકસટાઇલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે સુરત મહાનગરપાલિકા સંચાલિત વરાછા સ્થિત સુમન હાઇસ્કુલ-2ની ધો-9થી 12ની કિશોરીઓને 300થી વધુ સેનેટરી નેપકીન વિતરણ કરાયું હતું. કાર્યક્રમમાં મંત્રીશ્રી તેમજ તજજ્ઞ તબીબોએ(sanitary napkins by Darshana Jardosh) કિશોરીઓને માસિક ધર્મ વિશે વિસ્તૃત જાણકારી અને તે સમય દરમિયાનની જરૂરી સાવચેતીઓ અંગે કિશોરીઓ અને માતાઓને માહિતગાર કર્યા હતા.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યુ હતુ કે, સરકાર દ્વારા ઘડાતી મહિલાલક્ષી યોજનાઓનો મુખ્ય હેતુ સ્ત્રી સશક્તિકરણ છે. સ્વસ્થ અને સશક્ત સ્ત્રી મજબૂત સમાજનું નિર્માણ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે, જે સંદર્ભે તેમણે દીકરીઓને કિશોરાવસ્થામાં પોતાની શારીરિક સ્વસ્થતા અંગે સજાગ થવા સૂચન કર્યું હતું. મંત્રીએ રાજ્ય સરકાર દ્વારા સગર્ભા અને ધાત્રી માતાઓને મળતા વિટામીન, આયર્ન અને કેલ્શિયમથી ભરપૂર પોષણયુક્ત માતૃશક્તિ ફૂડ પેકેટના મહત્વ વિષે સમજાવ્યું હતું.

વધુમાં મંત્રીએ કિશોરીઓને સ્વાસ્થ્ય અને સ્વચ્છતાની અગત્યતા સમજાવી માસિક ધર્મ દરમિયાન પારંપરિક રીતે વપરાતા કપડાની જગ્યાએ વધુ સુરક્ષિત અને સ્વચ્છ સેનેટરી નેપકિનના ઉપયોગનો આગ્રહ રાખવાનું આહવાન કર્યું હતું, અને સરકાર દ્વારા કાર્યરત જનઔષધિ કેન્દ્રોમાં ‘સુવિધા’ નામથી ઉપલબ્ધ સેનેટરી નેપકિન બજાર ભાવ કરતા સસ્તા અને ઇકોફ્રેન્ડલી હોવાથી પર્યાવરણ માટે પણ નુકસાનકારક નથી એમ તેમણે ઉમેર્યું હતું.

કાર્યક્રમમાં મગોબ હેલ્થ સેન્ટરના મેડિકલ ઑફિસર ડૉ.તનુલત્તાબેન ચૌધરીએ કિશોરીઓને દૈનિક ખોરાકમાં અનાજ, કઠોળ અને લીલા શાકભાજીનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. વધુમાં તેમણે માતાઓને બજારના ફાસ્ટ ફૂડથી બાળકીઓને દૂર રાખી ઘરનો શુદ્ધ અને પૌષ્ટિક આહાર આપવાની ભલામણ કરી હિમોગ્લોબિન અને આયર્નની ગોળીઓનું સેવન કરવા જણાવ્યુ હતુ. તેમણે કિશોરીઓને માસિક ધર્મથી ગભરાવાની જગ્યાએ સજાગ થવા, તેમજ દરેક માતાને પોતાના બાળકોને સોશિયલ મીડિયાના દૂષણથી દૂર રાખી માનસિક રીતે મજબૂત કરવા અને ગેરમાર્ગે ન દોરાવા સૂચવ્યું હતું. તેમણે દરેક હેલ્થ સેન્ટરો પર વિનામૂલ્યે થતી હિમોગ્લોબિનની તપાસ વિષે જણાવી દરેક બાળકોને અચૂક તેનો લાભ લેવા પણ અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે કોર્પોરેટર નિરાલીબેન પટેલ, કિરણભાઈ ખોખાણી, આચાર્ય પ્રીતિબેન તેમજ શાળાના શિક્ષકગણ સહિત મોટી સંખ્યામાં કિશોરીઓ અને માતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *