એક તરફ દેશની કોર્ટોમાં કેસોનું પ્રમાણ વધી રહ્યું છે જ્યારે બીજી તરફ જજોની સંખ્યામાં જોઇએ તેટલો વધારો નથી થઇ રહ્યો. પરીણામે હવે તો દેશની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશે પણ જજોની જગ્યા ભરવા માટે સરકારને વિનંતી કરવી પડી છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જજોની નિમણુંક મુદ્દે ત્રણ પત્રો લખ્યા છે.
આ પત્રોમાં રંજન ગોગોઇએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાણકારી આપતા કહ્યું છે સુપ્રીમ કોર્ટમાં હાલ 58,669 કેસો પેન્ડિંગ છે. આ સ્થિતિ વચ્ચે નવા કેસો દાખલ થઇ રહ્યા હોવાથી સંખ્યામાં ધરખમ વધારો થઇ રહ્યો છે.
મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું હતું કે કેટલાક અતી મહત્વપૂર્ણ કેસો છે કે જેમાં બંધારણીય બેંચની જરુર પડે છે, જોકે હાલ જજોની જ સંખ્યા કેસોની સરખામણીએ ઓછી છે જેને પગલે બંધારણીય બેંચોની રચના કરવામાં મુશ્કેલી આવી રહી છે. રંજન ગોગોઇએ અગાઉ સંખ્યાઓ વધારાઇ તેને યાદ કરાવી હતી,
તેમણે જણાવ્યું હતું કે 1988માં સુપ્રીમ કોર્ટના જજોની સંખ્યા 18માંથી વધારીને 26 કરાઇ હતી, જે બાદ 2009માં વધારો કરીને 31 કરાઇ હતી. હું આ સાથે વિનંતી કરુ છું કે સુપ્રીમ કોર્ટના જજોની સંખ્યામાં વધારો કરવાના મુદ્દાને સરકારે પ્રાથમિક્તા આપવી જોઇએ. જેથી સુપ્રીમ કોર્ટની કામગીરીને વધુ સરળ બનાવી શકાય.
સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ કેસોની સંખ્યા જણાવતા રંજન ગોગોઇએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં 26 કેસ 25 વર્ષથી, 100 કેસ 20 વર્ષથી, 593 કેસો 15 વર્ષથી, 4977 કેસો છેલ્લા 10 વર્ષથી પેન્ડિંગ છે. આ સ્થિતિ વચ્ચે હાલ સુપ્રીમ કોર્ટની સંખ્યા 31 છે તેને વધારીને 37 કરવાની તાત્કાલીક જરુર છે. 24 હાઇકોર્ટમાં 43 લાખ કેસો પેન્ડિંગ છે.
અન્ય એક પત્રમાં રંજન ગોગોઇએ એવી વિનંતી કરી છે કે જજોની નિવૃત્તીની વય મર્યાદામાં વધારો કરવામાં આવે, હાઇકોર્ટના જજોની નિવૃત્તીની વય મર્યાદા છે તેમાં વધારો કરવાની ભલામણ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે કરી હતી, આ માટે કાયદામાં સુધારા કરવા સરકારને કહ્યું છે.
હાલ જજોની નિવૃત્તીની વય મર્યાદા 62 વર્ષ છે તેમાં ત્રણ વર્ષ વધારો કરીને 65 વર્ષ કરવામાં આવે. હાઇકોર્ટના જજોની સંખ્યામાં વધારો કરવા પર પણ ભાર મુક્યો હતો.
રંજન ગોગોઇએ મોદીને જણાવ્યું હતું કે આપણે હાલ કેસોનો યોગ્ય સમયે નિકાલ એટલા માટે નથી કરી શકતા કેમ કે હાઇકોર્ટમાં જજોની સંખ્યા ઓછી છે, હાલ માન્યતા પ્રાપ્ત જગ્યાઓની 37 ટકા પોસ્ટ ખાલી છે. કુલ 399 જજોની નિમણુંક હાઇકોર્ટમાં કરવાની જરુર હાલ છે. અને આ બાકી રહેલી જગ્યાઓ તાત્કાલીક ભરવી અતી જરુરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.