ગંગોત્રી યમુનોત્રી ધામમાં એક જ દિવસમાં 9 શ્રદ્ધાળુઓ મોત, નવ જ દિવસમાં મૃત્યુઆંક 29એ પહોંચ્યો

Char Dham Yatra: આ વખતે પણ ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાની શરૂઆત સાથે જ શ્રદ્ધાળુઓના મોતનો સિલસિલો શરૂ થઈ ગયો છે. એક જ દિવસમાં 9 લોકોના મોત સાથે યાત્રાના(Char Dham Yatra) 9 દિવસમાં મૃત્યુઆંક વધીને 29 થયો છે. 10 મેથી શરૂ થયેલી આ યાત્રાનો ડેટા આગામી 9 દિવસનો છે.ત્યારે 29 લોકોના મોત થતા એક ચિંતાનો વિષય બન્યો છે.

મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે
બે દિવસ પહેલા શનિવારે બદ્રીનાથમાં એક અને યમુનોત્રીમાં બે શ્રદ્ધાળુના મોત સાથે મૃત્યુઆંક વધ્યો હતો. જેમાંથી 2 ગુજરાતના અને એક પુણે, મહારાષ્ટ્રના રહેવાસી હતા. જ્યારે કેદારનાથમાં 6 લોકોના મોત થયા છે. યાત્રાધામો પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. તેમજ યાત્રાધામો પર ભારે ભીડના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સુરતના રહેવાસીનું મોત થયું
ગુજરાતના સુરતના રહેવાસી 49 વર્ષીય શશિકાંતનું બદ્રીનાથ ધામ ખાતે કાર્ડિયાક અરેસ્ટને કારણે મૃત્યુ થયું હતું. તે જ સમયે, ગુજરાતના રહેવાસી 53 વર્ષીય કમલેશભાઈ પટેલ યમુનોત્રીમાં રસ્તામાં પડી ગયા હતા. નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પુણેની 54 વર્ષીય રોહિણી દલવી, જે યમુનોત્રીની મુલાકાતે આવી હતી, તે ઉત્તરકાશીના ખરાડી ગામમાં તેની હોટલમાં મૃત હાલતમાં મળી આવી હતી.

અત્યાર સુધીમાં 12 લોકોના મોત
ઉત્તરકાશીના ચીફ મેડિકલ ઓફિસર ડૉ. બી.એસ. રાવતે કહ્યું કે યમુનોત્રીમાં 11 અને ગંગોત્રીમાં 2 લોકોના મોત થયા છે. રુદ્રપ્રયાગ પ્રશાસનના સૂત્રોના જણાવ્યા અનુસાર કેદારનાથમાં આ વખતે અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે. બાકીના મૃતકોના આંકડા બદ્રીનાથ ધામના છે.

હેલ્થ ચેકઅપ કરાવ્યા વિના જ તીર્થયાત્રા પર આવવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો
યાત્રા પર આવતા શ્રદ્ધાળુઓને લઈને એક મોટી વાત સામે આવી છે. હેલ્થ ચેકઅપ કરાવ્યા વિના જ તીર્થયાત્રા પર આવવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આવી સ્થિતિમાં, ઉત્તરાખંડ સરકારે તીર્થયાત્રીઓને તેમના સ્વાસ્થ્યની તપાસ કરાવ્યા પછી તીર્થયાત્રા પર આવવાની અપીલ કરી છે. આરોગ્યની તપાસ યોગ્ય રીતે થતી ન હોવાના કારણે યાત્રાધામો પર લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.