ગુજરાત(Gujarat): રાજ્યના મહેસાણા(Mehsana) જિલ્લાની પોલીસે IELTS સંબંધિત કૌભાંડમાં યુએસ અધિકારીઓના કહેવા પર તપાસ શરૂ કરી છે. અમેરિકી અદાલતોમાં ઉચ્ચ IELTS સ્કોર્સ હોવા છતાં કેટલાક ભારતીયો અંગ્રેજીના બે શબ્દો પણ બોલી શકતા ન હોવાથી અમેરિકી અધિકારીઓએ કૌભાંડની આશંકા વ્યક્ત કરી હતી.
મામલાની ગંભીરતાને જોતા સ્થાનિક પોલીસે IELTS પરીક્ષાની ગેરરીતિમાં રાજકોટ, વડોદરા, મહેસાણા, અમદાવાદ, નવસારી, નડિયાદ અને આણંદના સાત કેન્દ્રોને તપાસ હેઠળ લીધા છે. અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, ઓછામાં ઓછા 950 લોકોને નકલી IELTS સ્કોર્સ જારી કરીને યુએસ અને કેનેડા મોકલવામાં આવ્યા છે. ઉચ્ચ સ્કોર મેળવવા માટે આ લોકો પાસેથી 14 લાખ રૂપિયાની તગડી રકમ એકત્ર કરવામાં આવી હતી.
સીસીટીવી કેમેરા બંધ:
મહેસાણા પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ના ઇન્સ્પેક્ટર ભાવેશ રાઠોડે પીટીઆઈને જણાવ્યું હતું કે, અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે કે પરીક્ષાનું સંચાલન કરતી એજન્સીએ કોઈ પારદર્શિતા જાળવી નથી. તે જ સમયે, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લેવાયેલી પરીક્ષા દરમિયાન, હોલના સીસીટીવી કેમેરા બંધ થઈ ગયા હતા. આમ કરીને મોટા પાયે કૌભાંડ કરવામાં આવી રહ્યું છે.
કેવી રીતે ફૂટ્યો ભાંડો:
આ IELTS છેતરપિંડી યુએસ સત્તાવાળાઓના ધ્યાન પર ત્યારે આવી જ્યારે તેઓએ 19-21 વર્ષની વય જૂથના 6 ભારતીય યુવાનોને કેનેડાથી ગેરકાયદેસર રીતે યુએસ સરહદમાં પ્રવેશતા પકડ્યા. પકડાયેલા યુવકોમાં ચાર મહેસાણાના, બે ગાંધીનગરના અને એક પટનાના છે. જ્યારે આ યુવકોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે ત્યાં કોઈ અંગ્રેજીમાં જવાબ આપી શક્યું ન હતું, ત્યાર બાદ છેતરપિંડીની તપાસ કરવાની સૂચના આપવામાં આવી હતી.
ન્યાયાધીશના પ્રશ્નોના અંગ્રેજીમાં જવાબ આપી શક્યા નહીં:
રાઠોડે જણાવ્યું કે, આ વિદ્યાર્થીઓની અસલી પોલ ત્યારે ખુલ્લી પડી જ્યારે આ ચાર વિદ્યાર્થીઓ અમેરિકી કોર્ટમાં જજે પૂછેલા પ્રશ્નોના અંગ્રેજીમાં જવાબ આપી શક્યા નહીં. આ પછી કોર્ટે તેમના માટે હિન્દી અનુવાદક ઉપલબ્ધ કરાવ્યું. ન્યાયાધીશો આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે તેઓએ જોયું કે આ વિદ્યાર્થીઓએ અંગ્રેજી ભાષાની પ્રાવીણ્ય પરીક્ષા IELTSમાં 6 બેન્ડમાંથી 6.5 મેળવ્યા છે.
મુંબઈમાં યુએસ કોન્સ્યુલેટ જનરલના તેના ક્રિમિનલ ફ્રોડ ઈન્વેસ્ટિગેશન યુનિટે મહેસાણા પોલીસને ઈ-મેલ મોકલીને તેના સ્થાનના વિદ્યાર્થીઓની તપાસ કરવા વિનંતી કરી હતી. આ વિદ્યાર્થીઓએ આટલા ઉચ્ચ સ્કોર્સ કેવી રીતે મેળવ્યા અને આ છેતરપિંડીમાં કઈ એજન્સી અથવા એજન્ટ સામેલ છે તે અંગે યુનિટે બે મુદ્દાની તપાસ માટે વિનંતી કરી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.