રાજકોટની ભાગોળે મોરબી રોડ પર કાગદડી ગામે આવેલા ખોડિયાર આશ્રમના મહંતનું 1 જૂનના રોજ રહસ્યમય રીતે મોત નીપજ્યું હતું. ખોડિયારધામ આશ્રમના મહંત જયરામદાસ બાપુના આપઘાત કેસ પરથી પોલીસે પડદો ઉચકી નાખ્યો છે. મહંતના ભત્રીજા અલ્પેશ સોલંકીએ જ હનિટ્રેપમાં ફસાવવા માટે પોતાની કૌટુંબિક બહેનનો ઉપયોગ કર્યો હતો. મહંતનો યુવતી સાથેનો આપત્તિજનક વીડિયો સામે આવ્યો છે. આ આપત્તિજનક વીડિયોમાં બીજુ કોઇ નહીં પણ મહંતની ભત્રીજી જ મહંત સાથે અંગત પળો માણતી હોવાનું સામે આવ્યું છે. ભત્રીજાએ જ કૌટુંબિક બહેન પાસે વીડિયો બનાવી બાપુને હનિટ્રેપમાં ફસાવ્યા હતા.
બાપુના મૃત્યુના 6 દિવસ પછી તેમના રૂમમાંથી સુસાઇડ નોટ મળી હતી. આશ્રમ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ 20 પાનાંની સુસાઇડ નોટ પોલીસને સોંપી હતી. પોલીસે ટ્રસ્ટીઓનાં નિવેદન લીધા હતા. આ મુજબ તપાસ કરતાં પોલીસને જાણવા મળ્યું હતું કે દોઢેક વર્ષ પહેલાં મહંતનો એક મહિલા સાથેનો વીડિયો બતાવી આરોપી અને ટ્રસ્ટના ટ્રસ્ટીના અલ્પેશ પ્રતાપ સોલંકી (રહે.પેઢાવાડા, તા.કોડીનાર) અને હિતેષ લખમણ જાદવ (રહે.પ્રશનાવાડા, તા.સુત્રાપાડા, જિ.ગીર-સોમનાથ) બાપુને બ્લેકમેઇલ કરી રહ્યા હતા. બાપુ પાસેથી આરોપીઓએ રૂપિયા પણ પડાવી લીધા હતા. આ કાવતરામાં રાજકોટના ગાંધીગ્રામમાં રહેતો વિક્રમ દેવજી સોહલા આરોપીઓની મદદ કરતો હતો.
બાપુના આ આપત્તિજનક વીડિયોમાં બાપુ સાથે રહેલી યુવતીએ પોલીસને નિવેદન આપ્યું છે કે, બાપુ અવાર-નવાર રાત્રે આશ્રમમાં રોકાય જવાનું કહેતા હતા. મહંત ક્યાં કારણોથી પોતાની ભત્રીજીને આશ્રમમાં રોકાવાનું કહેતા હતા તે અંગે સ્પષ્ટ થયું નથી. મહિલાએ મહંતના ભત્રીજા અલ્પેશને વાત કરતા તેણે જ મહંત સાથે યુવતીનો વીડિયો ઉતાર્યો હતો. આરોપી વિક્રમ સોહલાએ મહંતને લાકડી દેખાડી તેના પુરાવા પણ મળ્યા છે. મહંતનો આપઘાત છૂપાવવા ટ્રસ્ટના અમુક હોદ્દેદારોની ભૂમિકા શંકાસ્પદ હોવાનું જાણવા મળ્યું છે.
જોકે, હાલમાં પોલીસે ખોડિયાર આશ્રમના 6 ટ્રસ્ટી સહિત 1 ડઝન લોકોની પૂછપરછ કરી રહી છે. તેમજ મહંતના અસ્થિ અને કપડાં સહિતની ચીજવસ્તુઓ કબ્જે કરી FSL દ્વારા ભેદ ઉકેલવા કામગીરી હાથધરી છે. મહિલાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આરોપી અલ્પેશની મદદથી મહંત સાથે તેના રૂમમાં જતા વીડિયો ઉતાર્યો હતો. વીડિયોની અંતિમ 30 સેકેન્ડમાં ચાલો વીડિયો ઉતરી ગયો છે હવે નીકળો તેવું પણ કોઈ બોલતા હોય તેવું સંબળાય છે. મહંતના મહિલા સાથેના આવા 6 આપત્તિજનક વીડિયો છે. હાલ એક વીડિયો બહાર આવ્યો છે.
મહંતને મરવા મજબૂર કરવાના ગુનામાં નાસી છૂટેલા આરોપીઓ અલ્પેશ, હિતેશ અને વિક્રમને પકડવા માટે પોલીસે તેઓના ઘરે, વાડી, ફાર્મહાઉસ સહિતના સ્થળોએ દરોડા પાડ્યા છે. તેમજ પરિવારજનોને બોલાવી તેઓનું લોકેશન મેળવવા પૂછપરછ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, બનાવ મોડેથી જાહેર થયો હોવાથી આરોપીઓ ગુજરાત બહાર ભાગી ગયા હોય તેવી પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જાણો શું છે સમગ્ર મામલો?
રાજકોટના કાગદડી ગામના ખોડિયાર આશ્રમના મહંતનું 1 જૂને થયેલું મૃત્યુ કુદરતી નહોતું પરંતુ મહંતે તેના કૌટુંબિક ભત્રીજા અને જમાઇ સહિત ત્રણ શખ્સના ત્રાસથી કંટાળી આપઘાત કર્યાનો ધડાકો પોલીસ તપાસમાં થયો હતો. ભત્રીજા અને જમાઇએ બે વર્ષ પહેલા મહંત પાસે બે યુવતીને છ વખત મોકલી તેનું વીડિયો શૂટિંગ કરી લીધું હતું અને તેના આધારે મહંતને બ્લેકમેઇલ કરી રૂ.20 લાખ પડાવ્યા હતા અને આશ્રમ પચાવી પાડવા માટે રાજકોટના શખ્સની સાથે મળી દબાણ કરતા હોય મહંતે આપઘાત કર્યો હતો. પોલીસે ત્રણ શખ્સ સામે ગુનો નોંધ્યો હતો.
મહંતનું મૃત્યુ હાર્ટએટેકથી થયાનું તેના કૌટુંબિક ભત્રીજા કોડીનારના પેઢાવાડા ગામના અલ્પેશ પ્રતાપ સોલંકી અને સૂત્રાપાડાના પ્રશ્નાવડા ગામે રહેતા તેના બનેવી હિતેશ લખમણ જાદવ સહિતનાઓએ જાહેર કરી હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ મહંતની અંતિમ વિધિ કરી નાખી હતી. જોકે ઘટનાના બે દિવસ બાદ આશ્રમના ઉપરના રૂમમાંથી મહંત જયરામદાસે લખેલી 20 પાનાની સ્યૂસાઇડ નોટ મળી આવી હતી, તે સ્યૂસાઇડ નોટ પોલીસને મળતાં કુવાડવાના પીઆઇ એન.એન.ચુડાસમા સહિતના સ્ટાફે તપાસ કરતાં જયરામદાસનું મૃત્યુ કુદરતી રીતે નહીં પરંતુ તેમણે આપઘાત કર્યાનું ખુલ્યું હતું.
બનાવનો સમગ્ર ઘટનાક્રમ:
દોઢ વર્ષ પહેલાં મહંતનો મહિલા સાથે આપત્તિજનક વીડિયો ઉતારવામાં આવ્યો.
આ દરમિયાન આરોપીઓએ મહંત પાસેથી રૂપિયા અને એક કાર પડાવી લીધી.
30 મેના રોજ સમાધાન બાબતે વિક્રમ ભરવાડે મહંતને માર માર્યો.
31 મેએ રાત્રે મહંત ગૌશાળામાંથી પશુને આપવાની દવાના ટીકડા ગળી ગયા.
1 જૂનના રોજ સવારે મહંતને હોસ્પિટલે ખસેડ્યા, હાર્ટ-અટેકથી મોત થયાનું બહાનું બનાવાયું.
2 જૂનના રોજ આશ્રમમાં જ અંતિમસંસ્કાર થયા.
3 જૂનના રોજ હરિદ્વારમાં અસ્થિવિસર્જન થયું.
6 જૂનના રોજ ટ્રસ્ટીઓ હરિદ્વારથી પરત ફર્યા ત્યારે મહંતના રૂમમાંથી સુસાઈડ નોટ મળી.
8 જૂનના રોજ ટ્રસ્ટી રામજીભાઈ લીંબાસિયાએ કુવાડવા રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી.
જયરામદાસ બાપુ 17 વર્ષથી આશ્રમમાં રહેતા હતા
સ્યૂસાઇડ નોટના આધારે આશ્રમના ટ્રસ્ટી રામજીભાઇ જેશાભાઇ લીંબાસિયાએ કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે અલ્પેશ સોલંકી, હિતેષ જાદવ અને રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા વિક્રમ દેવજી સોહલાના નામ આપ્યા હતા. ફરિયાદમાં જણાવ્યું હતું કે, જયરામદાસ 17 વર્ષથી ઉપરોક્ત આશ્રમમાં રહેતા હતા અને આશ્રમના ટ્રસ્ટમાં તેના કૌટુંબિક ભત્રીજા અલ્પેશ અને તેના બનેવી હિતેષને ટ્રસ્ટી બનાવ્યા હતા.
વીડિયોના આધારે આરોપીઓ બાપુના બ્લેક મેઇલ કરી પૈસા પડાવતા હતા
બે વર્ષ પહેલા સાળા બનેવીએ મહંત પાસે છ વખત બે યુવતીને મોકલી હતી અને જયરામદાસ તથા યુવતીઓનો છ વખત વીડિયો ઉતારી લીધો હતો, વીડિયો ઉતાર્યા બાદ અલ્પેશ, હિતેશ અને તેનો મિત્ર વિક્રમ સોહલા જયરામદાસને વીડિયો જાહેર કરી બદનામ કરવાની ધમકી આપી પૈસા પડાવતા હતા. બે વર્ષમાં 20 લાખ જેવી રકમ પડાવી લીધી હતી અને હવે આશ્રમ પર કબજો જમાવવા મહંત પર દબાણ કરતા હોય તેના ત્રાસથી કંટાળી મહંતે આપઘાત કરી લીધો હતો. પોલીસે ગુનો નોંધી ત્રણેયની શોધખોળ શરૂ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.