હાલ સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો સારવારની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. કોરોનામાં બીજી લહેર ઘાતક બનતાં મોતની સંખ્યામાં પણ વધારો થયો હતો.
બીજી લહેરમાં પંચમહાલ જિલ્લામાં કોરોનાનો આંકડો 9 હજારને પાર પહોચ્યો હતો. સરકારી આંકડા મુજબ કોરોનાથી કોવિડ અને નોનકોવિડથી 190 જેટલા મોત નીપજ્યા હતા. આ ઉપરાંત બિનસત્તાવાર આંકડા મુજબ કોરોનાથી 2 માસમાં 1000 જેટલા મોત નીપજ્યા હતા. ત્યારે કોરોનાથી કેટલાય પરિવારનાં મોભીઓના મોતથી પરિવાર આર્થિક સંકડામણમાં આવી જતા હોય છે. તેમજ કેટલાય બાળક અનાથ પણ થઇ ગયા છે.
આ દરમિયાન એક એવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં એક જ માસમાં એક જ પરીવારના 4 વ્યક્તિઓના મોત થતાં 2 બાળકો અનાથ થયા હતા. મુળ સંતરામપુરના કંથાગરના અને ગોધરાના વાવડી બુર્ઝગમાં રહેતા એક પરિવારના માતા-પિતા અને દીકરા વહુને કોરોના ભરખી જતાં ચારેના મોત નીપજ્યા હતા. વાવડી બુર્ઝગના તુષારભાઇ ચુનિલાલ બારીઆ, તેમની પત્ની હંસાબેન બારીઆ તથા તેમના માતા શંકુતલાબેન બારીઆ અને પિતા ચુનીલાલ બારીઆને કોરોના થતાં તેમને સારવાર માટે ખસેડવા તેમનો બીજો દિકરો ચિરાગ બારીઆની પત્નીને પણ કોરોના થયો હતો.
ત્યારે ઘરના કોરોનાગ્રસ્ત સભ્યોને સારવાર કરાવવા ચિરાગ બારીઆએ હોસ્પિટલમાં દાખલ કરવા દોડધામ કરી હતી. તુષારભાઇ અને હંંસાબેનને સંતાનમાં 12 વર્ષની દીકરી યાશિકા અને 2 વર્ષનો દીકરો ધ્રુવ હતા. મે મહિનામાં કોરોનાકાળ બનતાં પતિ તુષાર અને પત્ની હંસાના મોત નીપજ્યા બાદ એક જ દિવસે તુષારભાઇના માતા પિતાના પણ કોરોનાથી મોત થયા હતા. માતા-પિતા અને દાદા-દાદીના કોરોનાથી મોત થતાં 12 વર્ષની દીકરી અને 2 વર્ષનો ધ્રુવ અનાથ થયા હતા.
જાણવા મળ્યું છે કે, માતા-પિતા બંને કોરોના ભરખી જતાં છત્રછાયા ગુમાવનાર બે અનાથ બાળકો તેના કાકા સાથે રહે છે. નવા મકાનમાં રહેવા આવતાં પહેલા પરીવારના 4 સભ્યોના મોતથી ચિરાગ બારીઆ પર જાણે આભ તુટી પડયું હતું. બે અનાથ બાળકોના સારા ભણતર માટે સરકાર દ્વારા કોરોનામાં અનાથ થયેલા બાળકોને મળતી સહાયની હાલ તેઓ કાર્યવાહી કરી રહ્યા છે.
મોટી 11 વર્ષની દિકરી ઇંગ્લિશ મિડિયમ સ્કુલમાં અભ્યાસ કરતી હતી. બાયપાસ પાસે આવેલી શાળાના ટ્રસ્ટીઓ દ્વારા અનાથ થયેલી 11 વર્ષની દિકરીની ધો.12 સુઘી ભણે ત્યાં સુઘીની ફી માફી કરી દીઘી હોવાનું કાકા ચિરાગ બારીઆએ જણાવ્યું છે. જયારે 2 વર્ષનો ધ્રુવ હજુ પોતાની માતા પિતાને યાદ કરી રહ્યો છે.
મે મહિનામાં મારા ભાઇ-ભાભી તથા મારા માતા-પિતા એમ ચાર સભ્યોને કોરોના થયો હતો એ સમયે હોસ્પિટલોમાં જગ્યા મળવી મુશ્કેલ હોવા છતાં જેમ તેમ કરીને ભાઇ, ભાભી તથા માતાને ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયારે પિતાને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પણ કોરોના બિમારથી ચારેના મોત થયા હતા. મારા ભાઇનો દિકરો તથા દીકરી હાલ મારી સાથે રહે છે. સરકાર તરફથી મળતી સહાયની કાર્યવાહી ચાલુ કરી છે.
પંચમહાલમાં બાળ સુરક્ષા એકમની ટીમ દ્વારા તાલુકાઓના ગામોના તલાટીઓ સાથે સર્વે કરીને જિલ્લામાં કોરોનાથી માતા-પિતાની છત્ર ગુમાવનાર 24 અનાથ બાળકોને શોધી કાઢવામાં આવ્યા હતા. આ અનાથ થયેલા બાળકોને સરકાર દ્વારા આફટર કેર યોજના અંતર્ગત દર મહીને અને 18 વર્ષ સુઘી બાળકોને 4 હજારની સહાય ચુકવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ અભ્યાસ ચાલુ હોય તો 21 વર્ષ સુઘી 6 હજાર સરકારી સહાય ચુકવવામાં આવશે. બાળ સુરક્ષા ટીમ દ્વારા અનાથ બાળકના ઘરે જઇને તેઓની સ્થિતિનો ચિતાર કાઢીને રીપોર્ટ ઉપરી કચેરીને કરવામાં આવે છે.
મોટાભાગના અનાથ થયેલા બાળકોની આર્થિક સ્થિતિ નબળી જોવા મળી હતી. આવા અનાથ બાળકને સરકાર વઘુ સહાય આપે તેવી શકયતાઓ દેખાઇ રહી છે. આ ઉપરાંત જિલ્લામાં કોરોનાથી માતા પિતા ગુમાવનાર અનાથ થયેલ બાળકો માટે ગોધરા ખાતેની જિલ્લા સેવા સદનના પહેલા માળે આવેલી જિલ્લા બાળ સુરક્ષા કચેરીનો સંપર્ક કરવાનું જિલ્લા બાળ સુરક્ષા એકમના અધીકારી દ્વારા જાણવા મળ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.