ગોત્રી-સેવાસી રોડ પર ક્લબ હાઉસના સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરતી 8 મહિલાઓનો બંગલાની ગેલરીમાંથી વીડિયો ઉતારતા કમ્પ્યૂટરના વેપારી આકાશ પટેલની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે તેની પૂછપરછ હાથ ધરી છે. મહિલાઓએ જોઈ જતા આકાશને ઠપકો આપતા આકાશે વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. બાદમાં મહિલાઓએ પોલીસને આ મામલે ફરિયાદ કરી હતી.
ગોત્રી સેવાસી રોડ પરના વિલાના ક્લબ હાઉસમાં લેડી-જેન્ટસ સ્વિમિંગ પુલ છે. મહિલાઓ રોજ સાંજે સ્વિમિંગ કરવા જાય છે. 8 મહિલાઓ રવિવારે સાંજે સ્વિમિંગ પુલમાં સ્નાન કરી રહી હતી ત્યારે બંગલા નં. 78માં રહેતો આકાશ પટેલ બાલ્કનીમાં અર્ધનગ્ન અવસ્થામાં ઉભો રહી મહિલાઓનું મોબાઇલમાં ફોટા અને વીડિયો શૂટિંગ કરી અશ્લિલ હરકતો કરતો હતો. ક્લબ મેનેજરે વીડિયો શુટિંગ કરતાં આકાશનો વીડિયો ઉતારી લીધો હતો. મહિલાઓએ ઠપકો આપતાં આકાશે મહિલાઓને વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ આકાશ પટેલના બંગલા અને વિલા વચ્ચે 15 ઝાડ હતાં. ઝાડના કારણે તેને સ્વિમિંગ પુલમાં ન્હાતી મહિલાઓ દેખાતી ન હતી. ઝાડના કારણે તેના બંગલાના કમ્પાઉન્ડમાં કચરો પડે છે ગંદકી થાય છે તેવા બહાના કાઢી આકાશે આ ઝાડ કપાવી નાખ્યા હતા.
મહિલાઓએ પીઆઈ ડી.કે.રાવને રજુઆત કરતાં જણાવ્યું હતું કે બાજુના બંગલામાં રહેતો આકાશ પટેલ છેલ્લા 6 મહિનાથી તેમને હેરાનગતી કરી રહ્યો છે. મહિલાઓના ફોટા પાડે છે અને વીડિયો પણ ઉતારે છે. આખરે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો જ્યાં મહિલાઓએ આકાશ સામે અરજી આપતા પોલીસે તેની ધરપકડ કરી હતી. અગાઉ પણ આકાશ સાથે સ્થાનિક લોકોની માથાકૂટ થઈ હતી પરંતુ આકાશ કોઈને ગાંઠતો નહોતો. સોમવારની ઘટના બાદ રણચંડી બનેલી મહિલાઓએ આકાશને પાઠ ભણાવવા માટે પોલીસ સ્ટેશન પહોંચી હતી.