સુરત(Surat): શહેરના રીંગરોડ(Ringroad) બ્રિજને સમારકામ માટે બંધ કરી દેવાયા બાદ ડાયવર્ઝન(Diversion) સાથે બાઇક અથડાતા યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. કાળનો ભેટો થયેલ યુવક બે બહેનનો ભાઈ અને માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. રાત્રિના સમયે ઘોડદોડ રોડ પરથી ઘરે જઈ રહેલા ઉધના(Udhana) દરવાજા બ્રિજ નીચે ડાયવર્ઝન સાથે બાઇક ભટકાતા ઈજાગ્રસ્ત યુવકને સિવિલમાં લાવવામાં આવ્યો હતો. તબીબોએ તેને મૃત જાહેર કરતાં પરિવારજનો હિબકે ચડ્યા હતા.
દીકરાના મોતના સમાચાર સાંભળી શોકમાં સરી પડ્યા પિતા:
પરિવારે જણાવતા કહ્યું હતું કે હેમંત કુમાર હર્ષદભાઈ પ્રજાપતિ (ઉ.વ. 22) કતારગામ મગનનગરમાં રહેતો હતો. સોરાષ્ટ્રના વતની એવા મગનભાઈ ટેલરિંગના કામકાજ સાથે જોડાયેલા છે. બે દીકરી અને એકના એક દીકરાના પિતા પુત્રના મોતના સમાચાર સાંભળી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. હેમંત પોતાના પિતા સાથે જ ટેલરિંગનું કાર્ય કરતો હતો.
યુવકને સિવિલ લઈ જવાતા મૃત જાહેર કરવામાં આવ્યો:
વધુમાં તેમણે જણાવતા કહ્યું હતું કે, ગુરુવારના રોજ સાંજના સમયે હેમંત પોતાની બાઇક ઉપર ઘોડદોડ ઉપરથી ઘરે જવા માટે ઉધના દરવાજા થઈ કતારગામ આવવા માટે નીકળ્યો હતો. રીંગરોડ ફ્લાઈ ઓવર બ્રિજ રીપેરીંગ માટે બંધ કરાયો હોવાને કારણે આપવામાં આવેલ ડાયવર્ઝન સાથે બાઇક અથડાવવાને કારણે હેમંતને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. જમીન પર પટકાયેલા હેમંતને તાત્કાલિક 108ની મદદથી સારવાર અર્થે સિવિલ લવાતા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. હાલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.