સુરત(Surat): ઉતરાયણનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે. આવી સ્થિતિમાં અત્યારથી જ ઉત્સાહી લોકો પતંગ ઉડવાનું ચાલુ કરી દેતા હોય છે. ત્યારે હાલના દિવસોમાં એક દુ:ખદ ઘટના સામે આવી છે. જેમાં પતંગના કાતિલ દોરાથી પરિવાર સાથે બાઈક પર જતા યુવકનું ગળું કપાયું છે. આ ઘટનામાં પતિને બચાવવા જતા પત્નીના હાથમાં પણ ઇજાઓ થઈ છે. તથા ગંભીર રીતે ઘાયલ યુવકને 108 મારફતે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
પતિને બચાવવા જતા પત્નીના હાથમાં પણ ઇજા:
મળતી માહિતી અનુસાર, બબલુ હરીશચંદ્ર વિશ્વકર્મા મૂળ ઉત્તરપ્રદેશનો વતની અને હાલ પાંડેસરામાં આવેલા પુનિતનગરમાં રહે છે. તે ફર્નિચરના વ્યવસાય સાથે સંકળાયેલો છે. ત્યારે પાંડેસરાના પીયૂષ પોઈન્ટ નજીક બ્રિજ પરથી તે પોતાની પત્ની સંધ્યા અને બે પુત્રી સાથે બાઈક પર સંબંધીઓની ખબરઅંતર પૂછવા જઈ રહ્યો હતો. આ દરમિયાન બબલુના ગળામાં પતંગનો દોરો ફસાતા ગળું ચિરાઈ ગયું હતું. આ ઘટના સુરતમાં રવિવારના રોજ બપોરના સમયે બની હતી.
પાંડેસરાના પિયુષ પોઇન્ટ પાસે ઘટના બની:
બાઈક પર જતી વખતે અચાનક જ બબલુના ડાબા કાનની નીચેના ભાગે ગળામાં પતંગનો દોરો ફસાયો હતો અને બબલુ કંઈ સમજે તે પહેલા તેના ગળામાં બારેક સેમી લાંબો અને બેથી ત્રણ સેમી ઊંડો ઘા થઈ ગયો હતો. ત્યારે બબલુને પતંગના દોરાથી બચાવવા જતા સંધ્યાને પણ એક હાથમાં દોરાથી ઇજા થઈ હતી.
પતંગના કાતિલ દોરાથી ગળુ ચિરાયા પછી પણ બબલુએ પત્ની સંધ્યા અને બંને પુત્રીની ચિંતા કરી તેમને બાઈક પરથી પડવા દીધા નહોતા અને સાવચેતીથી બાઈક બ્રિજના એક છેડે મુકી હતી. આ દરમિયાન બબલુના ગળામાંથી લોહી વહેતું જોઈ હેબતાયેલી પત્ની સંધ્યાએ સંબંધીને ફોન કરી બ્રિજ પર બોલાવ્યો હતો,
બીજી બાજુ ગણતરીની મિનિટોમાં 108 એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી જતા બબલુને તાત્કાલિક સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો. બબલુની ગંભીર હાલત જોતા સિવિલના ઇએનટી વિભાગના તબીબોએ તેને ઓપરેશન થિયેટરમાં લઈ જઈ સર્જરી શરૂ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.