કોંગ્રેસ સાથે ખેલ કરી ગયેલ કુંભાણી ધારણ કરશે કેસરિયો? જાણો શું કહે છે અટકળો…

Nilesh Kumbhani: સુરતના રાજકારણમાં હજુ મોટા ખેલ થાય તેવી શક્યતા છે. સુરત લોકસભાની બેઠક પર કોંગ્રેસના નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યા પછી ભાજપના મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ ગયા છે. હવે વાતો એવી સંભળાઈ રહી છે કે નિલેશ કુંભાણી(Nilesh Kumbhani) ગમે ત્યારે કેસરિયો ખેસ ધારણ કરશે. એટલે કે કોંગ્રેસ માટે એક પછી એક ઝટકા આવી રહ્યા છે. કોંગ્રેસની લીડરશિપ સામે તેનાથી મોટા સવાલો પેદા થયા છે.

કુંભાણીએ જ કોંગ્રેસની સાથે દગાખોરી કરી
સુરતમાં એવી અટકળો થઈ રહી છે કે નિલેશ કુંભાણી ગમે ત્યારે ભાજપમાં જોડાઈ જશે. મોટા ભાગે ચાલુ સપ્તાહમાં જ તેઓ કેસરી રંગનો ખેસ પહેરી લે તેવી શક્યતા છે. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યું અને તેમના ટેકેદારો ફરી ગયા ત્યારથી જ લાગતું હતું કે દાળમાં કંઈક કાળું છે. આરોપ એવો પણ મૂકવામાં આવે છે કે કુંભાણીએ જ કોંગ્રેસની સાથે દગાખોરી કરી છે. કોંગ્રેસે કહ્યું હતું કે નિલેશ કુંભાણીએ ભાજપ વિરુદ્ધ હાઈકોર્ટમાં એફિડેવિટ કરવી પડશે અને જો એમ કરવામાં નહીં આવે તો તેને સસ્પેન્ડ કરી દેવામાં આવશે.

મુકેશ દલાલ કોઈ પણ પ્રકારની ચેલેન્જ વગર ચૂંટાઈ આવ્યા છે
સુરતમાં શનિવારથી હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ થયો હતો જે સોમવાર સુધી ચાલ્યો હતો. આખરે ભાજપના નેતાઓએ તમામ અપક્ષો અને નાની પાર્ટીના ઉમેદવારોને સમજાવીને બેસાડી દીધા અને મુકેશ દલાલ કોઈ પણ પ્રકારની ચેલેન્જ વગર ચૂંટાઈ આવ્યા છે. એટલે કે સુરતમાં હવે વોટિંગ કરવાની જ જરૂર નથી રહી. સુરતમાં ભાજપના ઉમેદવાર સહિત કુલ 9 લોકો મેદાનમાં હતા. ઉમેદવારીપત્ર પાછું ખેંચવાના છેલ્લા દિવસે મુકેશ દલાલ સિવાય બાકીના તમામ ઉમેદવારો ખસી ગયા અને દલાલને ચૂંટણી જીતી ગયાનું સર્ટિફિકેટ પણ આપી દેવામાં આવ્યું છે.

કોંગ્રેસને ગુજરાતમાં એક પછી એક ઝટકા લાગી રહ્યા
બહુજન પાર્ટીના ઉમેદવાર તો છેલ્લી ઘડીએ ગુમ જ થઈ ગયા હતા અને છેલ્લે કલેક્ટર કચેરીમાં આવીને તેમણે ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યાની જાહેરાત કરી હતી. તાજેતરમાં કોંગ્રેસને ગુજરાતમાં એક પછી એક ઝટકા લાગી રહ્યા છે અને કોંગ્રેસ કોઈના પર વિશ્વાસ મૂકી શકે તેવી સ્થિતિમાં નથી. કોંગ્રેસના નેતા રોહન ગુપ્તાએ સૌથી પહેલા ઉમેદવારી પાછી ખેંચી લીધી અને પિતાની બીમારીનું કારણ આપીને તેઓ ચૂંટણીના મેદાનમાંથી ખસી ગયા હતા. ત્યાર પછી તેઓ થોડા જ દિવસોમાં ભાજપમાં જોડાઈ ગયા છે.

નિલેશ કુંભાણી હવે કેસરિયા કરશે તેવી અટકળો
સુરતમાં કોંગ્રેસમાંથી ઉમેદવારીનો દેખાડો કરનારા નિલેશ કુંભાણી હવે કેસરિયા કરશે તેવું સાંભળવા મળે છે. કુંભાણીને આવકારવા માટે ભાજપમાં તૈયારી ચાલે છે. સુરત બેઠક પર તાજેતરમાં ઈતિહાસ સર્જાયો છે જ્યાં પહેલી વખત કોંગ્રેસ ચૂંટણી લડી શકી નથી અને ભાજપે પહેલી વખત બિનહરીફ વિજય મેળવ્યો છે.