વડોદરામાં બનેલી દુષ્કર્મની ચકચારી ઘટનામાં વધુ એક ફણગો ફૂટ્યો છે. બદલાની ભાવનાથી પીડાતા ન્યુરોસર્જને ડો. યશેષ દલાલે સોમવારે સાંજે પોતાના મોબાઇલ ફોનમાં વ્હોટ્સએપ ઉપર ફિઝિયોથેરાપીસ્ટ યુવતીના ન્યુડ ફોટો મુકી વાયરલ કરી દેતાં ખળભળાટ મચી ગયો હતો.
યુવતીને તેની બહેનપણીએ ડો. દલાલે ફોટા મુક્યા હોવાની જાણ કરી હતી. પીડિતા પોલીસ સ્ટેશનમાં બુમો પાડી કહી રહી હતી કે, ડો. દલાલે મારા ફોટો વાઇરલ કરવાની ધમકી આપી છે. તેમ છતાં પોલીસે તેની વાત કાને નહીં ધરતાં સોમવારે યુવીતને પણ બદનામ થવાનો વારો આવ્યો હતો. પોલીસે મોડી રાત્રે દાખલ કરેલી ફરિયાદમાં ડો. યશેષ દલાલે યુવતીના વાયરલ કરેલા ફોટાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
એક ગુજરાતી સમાચાર પત્રમાં છપાયેલા સમાચાર પ્રમાણે અકોટામા સૃષ્ટિલ હોસ્પિટલ ધરાવતાં ડો.યશેષ દલાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે ફિઝિયોથેરાપીસ્ટ યુવતી છેલ્લા ચાર દિવસથી ગોત્રી અને જેપી રોડ પોલીસ મથક વચ્ચે અટવાઇ રહી છે. દરમિયાન રવિવારે જેપી રોડ પોલીસે યુવતીની અરજી એડમીટ કર્યા બાદ તેનું સ્ટેટમેન્ટ લીધું હતું. પરંતુ ગુનો દાખલ કર્યો ન હતો.
યુવતીએ પોલીસને આપેલી લેખિત ફરિયાદમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે, ડો. યશેષ દલાલે મને એવી ધમકી આપી હતી કે, હું બોલાવું ત્યારે નહીં આવે તો મારી પાસે તારા પિક્ચર્સ અને ચેટિંગ મોબાઇલ ફોનમાં સેવ રાખ્યા છે, તે જાહેર કરી દઇશ.
યુવતીએ વ્યક્ત કરેલી આ દહેશત સાચી ઠરી હતી. હલકી માનસિકતા ધરાવતા ડો. દલાલે સોમવારે સાંજે તેના મોબાઇલ ફોનમાં વ્હોટ્સએપ સ્ટેટસ ઉપર યુવતીના ન્યૂડ ફોટા મુકી દીધા હતા. જેનાથી યુવીત બિલકુલ અજાણ હતી. પરંતુ સાંજે તેની બહેનપણીએ યુવતીને ફોન કરી કહ્યું હતું કે. ડો. યશેષ દલાલે તારા ખરાબ ફોટા તેમના સ્ટેટસ ઉપર મુક્યા છે. જે મેં જોયા છે.
આ વાત સાંભળતા જ યુવતીના પગ તળેથી જમીન સરકી ગઇ હતી. પોતાના ફોટો વાયરલ થઇ જતાં યુવતી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી હતી અને એક મહિલા વકીલની મદદથી જેપી રોડ પોલીસ મથકે પહોંચી હતી. યુવતીએ તમે ફરિયાદ દાખલ ન કરી તેના કારણે મારી બદનામી થઇ છે. તેમ કહી પોલીસની કાર્યવાહીને લઇ ગંભીર આક્ષેપ કર્યા હતા. આ બનાવને લઇ પોલીસ અધિકારીઓ પણ ડઘાઇ ગયા હતા. તેમણે યુવતીને શાંત કરી તાબડતોબ તેની ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી હતી.