મોટાભાગના માણસોને પોતાને જીવનમાં શું જોઈએ છે, પોતાને શું ગમે છે અને પોતે શું કરવા માંગે છે એની ખબર જ નથી. એટલે લોકડાઉન નહોતું અને સામાન્ય જીવન હતું ત્યારે આવા માણસો સતત રજાઓની રાહ જોતાં હતાં અને અત્યારે જ્યારે સંપૂર્ણ રજા છે ત્યારે શું કરવું અને સમય પસાર કેવી રીતે કરવો એ બાબતે નાસીપાસ થઈ રહ્યા છે કારણ કે એમને રજાઓ તો જોઈતી હતી પણ એ રજાઓ શા માટે જોઈતી હતી અને એ રજાઓમાં શું કરવું હતું એની ખબર જ નહોતી.
આની ચકાસણી કરવી હોય તો તમારી આસપાસ નજર ફેરવીને જોઈ શકો છો. તમારી આસપાસની જે વ્યક્તિઓને એ ખબર છે કે પોતાને શું ગમે છે, પોતાને શું જોઈએ છે અને પોતે શું કરવા માંગે છે એ વ્યક્તિઓ લોકડાઉન પહેલાં પણ મસ્ત બનીને જીવતી હતી અને લોકડાઉનના આ સમયમાં પણ મસ્ત બનીને જીવતી હશે અને જે વ્યક્તિઓને આ નહીં ખબર હોય એ વ્યક્તિઓ તમામ બાબતોમાં એકદમ Confused તેમજ Unclear હશે. એ અગાઉ પણ બેચેન રહેતી હશે અને અત્યારે પણ બેચેનીમાં હશે. Confused અને Unclear હોવાના કારણે વાંચવા બેસશે ત્યારે એમને મોબાઈલ લેવાનું મન થશે, મોબાઈલ લેશે તો ટીવી જોવાનું મન થશે, ટીવી ચાલુ કરશે તો ચેનલ ફેરવ્યા કરશે, કાંઈ નહીં ગમે તો અંતે સુઈ જશે. આ ચક્ર ચાલ્યાં જ કરશે અને બેચેની વધાર્યા જ કરશે.
એટલે નાસીપાસ અને બેચેન થયેલા મિત્રોને મારી અંગત સલાહ છે કે આ શ્રેષ્ઠ સમય છે પોતાને શોધી કાઢવાનો. વધુમાં વધુ સમય એકાંતમાં વિતાવો અને શોધી કાઢો કે તમારે જીવનમાં શું જોઈએ છે, તમને શું ગમે છે, તમે જીવનમાં શું કરવા માંગો છો. પછી જુઓ, આ લોકડાઉન તમારા માટે વરદાન સાબિત થશે.
જો કે, આ માનસિક કસરત જેટલી સહેલી લાગે છે એટલી સહેલી છે નહીં. તમારું મન સરળતાથી તમને આ કરવા નહીં દે કારણ કે એકાંત અને જાત સાથેનો સંવાદ એટલે વાસ્તવિકતાનો સામનો કરવો અને નાસીપાસ થતો માણસ વાસ્તવિકતાથી બહુ ડરતો હોય છે એટલે એ વાસ્તવિકતાથી ભાગવા માટે ગપ્પા મારે છે, ટીવી જુએ છે, વાંચે છે, સોશિયલ મીડિયામાં રચ્યોપચ્યો રહે છે. ટોઇલેટમાં પણ મોબાઈલ કે છાપું લઈને જાય છે. ઉંઘ ન આવે ત્યાં સુધી આ પ્રવૃત્તિઓ શરૂ રાખે છે કારણ કે ઉંઘ આવતાં પહેલાંની અમુક મિનિટો પણ એને જાત સાથે વાત કરતાં ડર લાગે છે.
પણ મનને કાબુમાં રાખીને થાકયા કે કંટાળ્યા વિના જો તમે ધ્યાન દ્વારા કે બીજી કોઈ પણ રીતે પોતાની જાત સાથે સંવાદ કરશો, પોતાની જાતને સવાલ કરશો, પોતાને શું જોઈએ છે એ શોધી લેશો તો આ લોકડાઉન તમારા જીવનનો એકદમ શ્રેષ્ઠ તબક્કો બની રહેશે. શરૂઆત મનગમતી પ્રવૃત્તિઓથી કરો. એક મનગમતી પ્રવૃત્તિ શોધી કાઢો અને એને પુરેપુરી માણી ન લો ત્યાં સુધી બીજું કોઈ કામ ન કરો. પછી બીજી પ્રવૃત્તિ તરફ વળો. આવું કરશો એટલે તમને અંદરથી એક સંતોષનો અનુભવ થશે અને આ આનંદ તમને જાત સાથે રહેવાની, આ માર્ગે આગળ વધવાની શક્તિ અને પ્રેરણા આપશે. આવી રીતે ધીમે ધીમે જાતની નજીક જતાં જાઓ.
આંખો બંધ કરીને જ્યારથી તમે સમજતાં શીખ્યા ત્યારથી આજ સુધીની તમામ ઘટનાઓનું ઉંડાણથી નિરીક્ષણ કરતાં રહો. બાળપણમાં તમને કંઈ વસ્તુઓમાં સૌથી વધુ આનંદ આવતો, કંઈ વસ્તુઓ જરાય ન ગમતી, કેવી ઘટનાઓ વખતે દુઃખી કે ગુસ્સે થતાં, કેવી ઘટનાઓ વખતે સુખદ અનુભવ થતો, એવી કઈ પ્રવૃત્તિઓ હતી જે તમે કલાકોના કલાકો કરતાં તોય થાક જ ન લાગતો, કયો વિષય ભણવામાં બહુ જ મજા આવતી, કયા વિષયમાં બહુ કંટાળો આવતો, વગેરે વગેરે તમામ બાબતોનું ઝીણવટથી નિરીક્ષણ કરતાં જાઓ અને પછી જુઓ ધીમે ધીમે તમને તમારો સાચો પરિચય થશે, આ બેચેનીનું ચક્ર થંભી થશે, અદ્ભૂત શાંતિ પ્રાપ્ત થશે અને તમામ પરિસ્થિતિમાં તને આનંદમય જ રહેશો.
આ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો ક્યારેય પણ મારો સંપર્ક કરી શકો છો. એકવાર અજમાવી જુઓ અને પછી અનુભવો અમારી તેમજ સૌની સાથે વહેંચજો.
– અદિતી દવે, મનોવૈજ્ઞાનિક વિશ્લેષક