વડોદરા(ગુજરાત): હાલમાં વડોદરા(vadodara)માંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં શહેરના જે.પી. રોડ(J.P. Road) પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી(Policeman)નું હાર્ટ એટેક(Heart attack)ના કારણે મોત નીપજ્યું હતું. જેને પગલે શહેર પોલીસ બેડામાં શોકનો માહોલ છવાયો હતો.
મળતી માહિતી મુજબ, વડોદરા શહેરના જે.પી પોલીસ સ્ટેશનમાં એલ.આર.ડી. તરીકે ફરજ બજાવતા ભાવુભાઇ ધનજીભાઈ મુળિયાની(ઉ.વ.26) ગુરૂવારે નાઇટ ડ્યુટી હતી. ત્યારે તેઓ પી.સી.આરની ડ્રાઈવિંગ ડ્યુટીમાં હતા. આ દરમિયાન અચાનક તેમને છાતીમાં દુઃખાવો ઉપડતા તેમને સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.
જ્યાં હાજર ડોક્ટરોએ LRD ભાવુભાઇને સારવાર આપવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ, ટૂંકી સારવાર બાદ સયાજી હોસ્પિટલમાં જ ભાવુભાઇનું મૃત્યુ થયું હતું. બાદમાં પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. શહેર પોલીસ તંત્રમાં ગમગીની ફેલાવી દેનાર આ બનાવ અંગે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત, 12 દિવસ પહેલા અરવલ્લી જિલ્લામાંથી ગણેશ વિસર્જનના બંદોબસ્તમાં 5 દિવસ માટે વડોદરા આવેલા હોમગાર્ડ જવાનનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. જેને પગલે સાથી કર્મચારીઓ અને પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. આ અંગે જાણવા મળ્યું હતું કે, અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતા અરવિંદભાઇ પરમાર ગણપતિ બંદોબસ્તમાં છેલ્લા 4 દિવસથી વડોદરા આવ્યા હતા.
બાદમાં શનિવારે રાત્રે ડ્યુટી કરીને પરત ફર્યા હતા અને સવારે તેઓ ડ્યુટી પર જવા માટે તૈયાર થઇ રહ્યા હતા. આ દરમિયાન, અચાનક જ તેમને લોહીની ઉલ્ટીઓ થવા માંડી હતી અને બીપી ડાઉન થઇ ગયું હતું. જેથી તેમને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, રસ્તામાં જ હોમગાર્ડ જવાનનું મૃત્યુ થયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.