ગુજરાત(Gujarat): વિધાનસભા ચૂંટણી-2022 પૂર્ણ થઈ ગઈ છે અને 8મી ડિસેમ્બરના રોજ પરિણામો પણ જાહેર થઈ ચૂક્યાં છે. આ પરિણામોમાં ત્રીજા પક્ષ તરીકે ઊભરી આવેલી AAPના 5 ઉમેદવારોની જીત થઈ છે. મહત્વનું છે કે, જેમાં સૌથી વધારે ચર્ચા યુવા ઉમેદવાર અને ગારિયાધાર(Gariyadhar) બેઠક પરથી 6 ટર્મથી જીતી રહેલા કેશુ નાકરાણી(Keshu Nakrani)ને 4,819 મતથી હરાવનારા સુધીર વાઘાણી(Sudhir Vaghani)ની ચાલી રહી છે. ત્યારે હવે સુધીર વાઘાણી ભાજપમાં જોડાશે કે નહિ ચર્ચા તેજ બની ગઈ છે.
શું ભાજપમાં જવા તૈયાર છે AAPના ધારાસભ્ય સુધીર વાઘાણી?
એક ન્યુઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન સુધીર વાઘાણીને પૂછવામાં આવ્યું હતું કે, શું તમે ભાજપમાં જતા રહેશો કે નહીં? તે અંગે સુધીર વાઘાણીએ જવાબ આપતા કહ્યું હતું કે, હું કંઈ ન કહી શકું. મારા વિસ્તારમાં જો ભાજપ મેડિકલ કોલેજ બનાવી દે તો મને જવામાં કોઈ પ્રોબ્લેમ નથી. મને કોઈ પાર્ટી સાથે પ્રોબ્લેમ નથી. વધુમાં તેમણે જણાવતા કહ્યું હતું કે, મને કોંગ્રેસ કે ભાજપ સાથે કોઈ વેર નથી. કોઈ ત્રીજો પક્ષ લઈ જાય તો પણ જાવું છે.
વધુમાં તેમણે કહ્યું કે, જો કે હું આપની વિચારધારા સાથે સંપૂર્ણ રીતે જોડાયેલો છું, વિશ્વમાં આમ આદમી પાર્ટીથી સારી કોઈ પાર્ટી નથી. પરંતુ પ્રજાના હિત માટે ક્યારેક જવું પડે એવું પણ બની શકે. હું તો જવાનો જ નથી. મારે નિર્ણય લેવાનો થશે તો હું પ્રજાહિત માટે જ નિર્ણય લઈશ.
મહત્વનું છે કે, ગઈકાલે જ સુધીર વાઘાણીએ કહ્યું હતું કે, ખોટી અફવાઓ થી દુર રહો. હું આમ આદમી પાર્ટી મા હતો, છું અને રહીશ. મને કોઈ પણ પ્રકાર ની લાલચ નથી, ગારીયાધાર-જેસર ના મતદારો એ પરીવર્તન ની લડાઈ મા મારા પર વિશ્વાસ મુક્યો છે.
જાણો સુધીર વાઘાણીના પરિવાર વિશે:
પરિવાર, વ્યવસાય અને અભ્યાસ અંગે સુધીર વાઘાણીએ જણાવતા કહ્યું છે કે, ગારિયાધારની એમ.ડી. પટેલ સરકારી સ્કૂલમાં તેમણે ધોરણ 9 સુધી અભ્યાસ કર્યો છે. હાલમાં તેઓ ખેતીવાડીના વ્યવસાય સાથે જોડાયેલા છે. બાપ-દાદા મોટા ખેડૂત હતા. નાનો પરિવાર હોવાને કારણે કોઈ વસ્તુની ખોટ નહોતી. મારા પરિવારમાં હું મારી પત્ની, માતા-પિતા અને નાનો ભાઈ છે.
મહત્વનું છે કે, વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ જનતાએ અગાઉના તમામ ચૂંટણીના રેકોર્ડ તોડીને ભાજપને મહત્તમ બેઠકો આપીને એક નવો ઈતિહાસ રચ્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 સીટ મેળવીને પ્રચંડ વિજય મેળવ્યો છે, જયારે કોંગ્રેસ પાર્ટીને 17 સીટ મળી છે અને આમ આદમી પાર્ટીનો 5 બેઠક પર વિજય થયો છે. જયારે અપક્ષને 4 બેઠક મળી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.