વડોદરામાં પ્રેમ સબંધમાં ખેલાયો ખુનીખેલ: પરિણીતા પ્રેમી સાથે ભાગી જતાં પતિએ યુવકની કરી હત્યા

love affair murder in Vadodara: રાજ્યના વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માલપુરમાં પ્રેમ સંબંધમાં થયેલી હત્યાનો કેસ શિનોર પોલીસે 11 દિવસ પછી તેનો ઉકેલ આવ્યો છે. આ સનસનીખેજ બનાવમાં (love affair murder in Vadodara) શિનોર તાલુકાના માલપુર ગામના રહેવાસી ઘનશ્યામ ઉર્ફ ધનીયો ઉર્ફ ગણેશ જયંતિભાઇ વસાવાની પત્ની સંગીતાએ ગામમાં રહેતા 26 વર્ષિય મહેશ ઇશ્વરભાઇ વસાવા સાથે ભાગી જઇ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પાસે ગામમાં ઘર સંસારની નવી શરૂઆત કરી દીધી હતી.

પત્ની સંગીતા છૂટાછેડા વગર જ ગામના મહેશ વસાવા સાથે ભાગી જઇ સંસાર માંડતા ગામમાં અને સમાજમાં થયેલી આબરુંથી પતિ ઘનશ્યામ વસાવા ગુસ્સે ભરાયો હતો. જેથી તેણે મહેશ વસાવાને મોતને ઘાટ ઉતારી દેવા માટે તેને નક્કી કર્યું હતું. ઘનશ્યામને ખબર હતી કે, મહેશ પાણેથા રહે છે. અવાર-નવાર માલપુર ગામમાં આવે છે, જેથી તેણે માલપુર ગામમાં રહેતા તેના મિત્ર શકીલ રમજુસા દિવાનને મહેશ ગામમાં ક્યારે આવે છે તે અંગે ધ્યાન રાખવા જણાવ્યું હતું. અને આવે ત્યારે જાણ કરવા માટે કહ્યું હતું.

પરિણીતા છૂટાછેડા વિના જ ગામના યુવાન સાથે ભાગી ગઈ હતી
તારીખ 30 નવેમ્બરના રોજ મહેશ વસાવા પોતાની મોટર સાઇકલ લઇને બપોરના સમયે માલપુર ગામમાં આવ્યો હતો. તે અંગેની જાણ મહેશ ઉપર વોચ રાખનાર શકીલ દિવાને ઘનશ્યામને કરી દીધી હતી. ઘનશ્યામ પોતાના ભાઈ સંદિપ ઉર્ફ ગોગો જયંતિભાઇ વસાવાને કારમાં બેસાડી માલપુરથી સાધલી તરફ બાઇક લઇને જઇ રહેલા મહેશનો પીછો કરી રહ્યો હતો. સાધલીથી સુરાશામળ ગામ વચ્ચે મહેશ વસાવાની બાઇક પાછળ કારથી અકસ્માત સર્જ્યો હતો. જેમાં મહેશ બાઇક પરથી રોડ ઉપર પટકાતા તેને ગંભીર ઇજા પહોંચી હતી. પરંતુ તે બચી ગયો હતો.

હત્યાનો કાવતરૂ
બાઇક ઉપરથી નીચે પડેલા મહેશભાઈને ગંભીર ઇજા પોહચી હતી અને તે લોહી-લુહાણ હાલતમાં રોડ પર પડ્યા હતા.તે સમયે બે ભાઇઓ ઘનશ્યામ વસાવા અને સંદિપ વસાવા મહેશને ઉંચકી કારમાં બેસાડીને લઇ ગયા હતા. સાથે તેની બાઇક પણ કારમાં નાંખી લઇ ગયા હતા. રસ્તામાં ગંભીર ઇજાગ્રસ્ત મહેશ વસાવાને માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

મહેશ મોતને ભેટ્યા પછી તેના મર્ત દેહને નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નાવરા ગામની સીમમાં આશિષ ઉર્ફ ચિરાગ પટેલના શેરડીના ખેતરમાં નાંખી ત્યાંથી ફરાર થઇ ગયા હતા. આ દરમિયાન હત્યારા ભાઇઓએ મહેશની મોટર સાઇકલની આગળ-પાછળની નંબર પ્લેટ તેમજ સાઇડ ગ્લાસ કાઢી માલસર પુલ ઉપરથી નર્મદા નદીમાં નાંખી દીધા હતા અને મોટર સાઇકલ રાયપુર ગામની સીમમાં બીનવારસી મૂકી પરત માલપુર પોતાના ગામ આવી ગયા હતા.

સંગીતાએ ગુમ થયાની જાણ કરી
સંગીતા એ શિનોર પોલીસ મથકમાં મહેશ વસાવા ગુમ થયાની જાણ કરી હતી. તે સાથે તેને પોતાની ભૂતકાળ અને વર્તમાન જીવનની માહિતી શિનોર પોલીસને આપી હતી. શિનોર પોલીસે માહિતી મેળવ્યા પછી તપાસનો દોર શરૂ કરી દીધો હતો. શિનોર પોલીસે આ ગુનામાં મહેશ વસાવાના હત્યારા પૂર્વ પતિ ઘનશ્યામ ઉર્ફ ધનીયો ઉર્ફ ગણેશ જયંતિભાઇ વસાવા તેના ભાઇ સંદિપ ઉર્ફ ગોગો જયંતિભાઇ વસાવા અને મહેશની માહિતી આપવાની મહત્વની ભૂમિકા ભજવનાર શકીલ મરજુસા દિવાન સામે અપહરણ, હત્યાનો ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *