કિરણ પટેલ બાદ હવે ગોપાલ પટેલ: G20 માં ટેન્ડર અપાવવાના નામે ચૂનો ચોપડ્યો, ગોવામાં નકલી ડેપ્યુટી કલેકટર બનીને…

Gopal Patel News: સુરતના અડાજણ વિસ્તારમાં કિરણ પટેલ 2 પકડાયો હોવાની માહિતી સામે આવી છે. જી હા…અડાજણ વિસ્તારમાં અન્ડરકવર એજન્ટના નામે છેતરતો ઠગબાજ ગોપાલ(Gopal Patel News) અરજણ પટેલ ઉર્ફે ગોપાલ દેસાઈને જૂનાગઢથી અડાજણ પોલીસે ઝડપી પાડ્યો છે.

કિરણ પટેલ જેવો જ મહાઠગ ગોપાલ પટેલ
સુરતમાંથી વધુ એક કિરણ પટેલ ઝડપાયો છે.કિરણ પટેલનું નામ સાંભળતા જ મહા ઠગ તરીકે ઓળખ સામે આવે છે અને આવો જ એક વધુ મહાઠગ ગોપાલ પટેલને અડાજણ પોલીસે પકડી પાડ્યો છે. આરોપી ગોપાલ પટેલ રૂપાણી સરકારમાં લાઇઝનીંગનું કામ કરતો હતો.

મૂળ અમરેલીમાં કુકાવાવનો આ આરોપી પોતાની મોટી મોટી ઓળખ આપી અનેક લોકોને પોતાની જાળમાં ફસાવ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. સુત્રોએ જણાવ્યા અનુસાર ગોપાલ પટેલે કેટલાય IPSને પણ બાટલીમાં ઉતાર્યા છે. તેમજ આ આરોપીએ G 20માં કોન્ટ્રાક્ટ અપાવવાના નામે હોટલ સંચાલક પાસે રૂ 28 લાખની ઠગાઈ કરી હતી.ત્યારે સુરત અડાજણ પોલીસે મહામહેનતે આ આરોપીને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે.

ગોપાલ પટેલ સામે ગોવામાં ફરિયાદ દાખલ
આ સિવાય ગોપાલ પેટેલે પણ ગોવામાં ડેપ્યુટી કલેકટર બનીને 10 લાખનો સ્કેમ કર્યો હતો. જેથી તેની સામે ગોવામાં પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ સિવાય આ આરોપીએ અનેક એવા મોટા ગજાના લોકો પાસેથી ખોટું બોલીને ઠગાઈ કરી હોવાની પણ માહિતી સામે આવી છે. ત્યારે હવે પોલીસ તપાસમાં આ અંગે ખુલાસા થાય તેવી શક્યતા રહેલી છે.

ગોપાલ પટેલ પોલીસને તથા અન્ય લોકો સાથે ઠગ કરીને છેલ્લા આઠ મહિનાથી ગોવા, કાશ્મીર તેમજ બેંગ્લોર નાસતો-ફરતો હતો,જે બાદ તે જૂનાગઢ પહોંચ્યો હતો.આ અંગેની બાતમી અડાજણ પોલીસને મળતા અડાજણ પોલીસે ગોપાલ પટેલને દબોચી લીધો છે.