ગુજરાતમાં અવાર-નવાર સામુહિક આપઘાતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત આણંદમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. આણંદ શહેરની બોરસદ ચોકડી નજીક રહેતા 30 વર્ષીય પ્રજાપતિ યુવકે આજે વહેલી સવારે પોતાની બે બાળકીઓને ઝેરી દવા આપીને પોતે પણ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી અનુસાર, યુવકની પત્નીનું થોડા સમય પહેલા જ જ મોત થયું હતું અને ત્યાર બાદથી બે નાની બાળકીની જવાબદારી પિતા ઉપર આવી પડી હતી. રોજમદાર મજુરીકામ કરી જીવન ગુજરાન ચલાવતો હોવાથી અને પત્ની વગર ઘરસંસાર સાચવવા પડતો હોવાથી મુશ્કેલીમાં મુકાયો હતો. જેથી વહેલી સવારે કોઈપણ સમયે યુવકે પોતાની બે બાળકીઓને ઝેરી દવા આપી જાતે પણ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવતા આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
પાદરા તાલુકાના દુધાવાળા ગામના અને હાલ સેન્ટર વેરહાઉસની પાછળ આવેલા વિસ્તારમાં રહેતો ઘનશ્યામ પ્રજાપતિ (ઉ.વ. 30) આણંદ ખાતે રોજમદાર મજુરીકામ કરીને પોતાના પરિવારનું જીવન ગુજરાન ચલાવતો હતો. થોડા સમય પહેલા જ પત્ની લલીતાબેનનું કોઈ બીમારીમાં મોત નીપજ્યું હતું. તેમજ બે બાળકીઓ એકનું નામ માનસી (ઉ.વ. 6) અને પ્રિયાંશી (ઉ.વ. 3) તથા સાત માસના બાળક દર્શનની જવાબદારી તેના માથે આવી પડી હતી. મજુરી કામે જાય કે બાળકોને સંભાળે તે પ્રશ્ન થઈ પડ્યો હતો.
કામની ઘટ હોઈ ઓછી આવક અને બાળકોની જવાબદારીથી કંટાળી ગયેલા અને તેમજ પત્નીના વિરહમાં હતાશ નિરાશ થઈ ગયેલા ઘનશ્યામ પ્રજાપતિએ મંગળવારે પહેલી પરોઢીયે કોઈપણ સમયે પોતાની બે બાળકીઓ માનસી અને પ્રિયાંશીને ઝેરી પદાર્થ પીવડાવી મોત આપ્યું અને ત્યારબાદ તેણે જાતે ઘરના મોભ પર દોરડુ બાંધી ફાંસો ખાઈ જીવનનો અંત કર્યો છે.
આજે સવારે આજુબાજુના લોકોએ ઘરમાં યુવકને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોતા આણંદ ટાઉન પોલીસને જાણ કરી હતી. જેથી ટાઉન પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલમાં ત્રણેયના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યા છે. જીવનની ઝંઝાવાત સામે હારી ગયેલા યુવકે પોતાના સાત માસના બાળકની પણ ચિંતા કર્યા વિના જીવન ટુંકાવતા આ વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. જોકે સાત માસનો દર્શન સાસુમા પાસે હોવાથી બચી ગયો હોવાનું લોકોનું માનવું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.