વિદેશ જવાના અભરખાં ભારે પડ્યા- 5 લોકો માથે ઓઢીને રડ્યા, એજન્ટે ડમી લેટર પકડાવી 20.60 લાખ પડાવી લીધા

Cheating in Anand: આણંદ શહેરમાં સોજિત્રા રોડ સ્થિત કન્સલ્ટન્સીની ઓફિસ ખોલી સોશિયલ મીડિયા મારફતે વિઝા અંગેની સસ્તા દરે લોભામણી જાહેરાત આપી ખોટા ઓફર લેટર અને…

Cheating in Anand: આણંદ શહેરમાં સોજિત્રા રોડ સ્થિત કન્સલ્ટન્સીની ઓફિસ ખોલી સોશિયલ મીડિયા મારફતે વિઝા અંગેની સસ્તા દરે લોભામણી જાહેરાત આપી ખોટા ઓફર લેટર અને બેલેન્સ સર્ટિફિકેટ બનાવીને પાંચ વ્યક્તિઓ સાથે રૂપિયા 20.60 લાખની છેતરપિંડી(Cheating in Anand) કરવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં પોલીસે બે ભાગીદાર અને એક કર્મી સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો હતો. જેમાં બેની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જોકે, મુખ્ય સુત્રધાર ઘરને તાળાં મારી ભૂગર્ભમાં ઉતરી ગયો છે.

ઓરીજીનલ ઓફર લેટરમાં છેડછાડ કરવામાં આવતી
આણંદમાં સોજીત્રા રોડ પરના મારૂતિ સોલારાઇસ મોલમાં પેન્ટાલુનની ઉપર બીજા માળે આવેલ હાઇસ ગ્લોબલ કન્સલટન્સી પ્રા. લિ. ના માલિક મનિષભાઈ મનહરભાઈ પટેલ ખોટા ઓફર લેટર તથા ઓરીજીનલ ઓફર લેટરમાં છેડછાડ કરી, વિઝાના કામ અર્થે આવતાં ગ્રાહકો સાથે ઠગાઇ કરતાં હોવાની બાતમી આણંદ એલ.સી.બી પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે તારીખ 23-12-23 ના રોજ આ હાઇસ ગ્લોબલ કન્સલટન્સીની ઓફિસમાં દરોડો પાડી, તેના માલિક મનિષભાઈ પટેલ (રહે.અલર્ક સોસાયટી, સંકેત સેલ્સની સામે, બાકરોલ રોડ, આણંદ) ની અટકાયત કરી હતી.

સોશ્યલ મીડિયા પર લોભામણી જાહેરાત આપી ગ્રાહકોને લલચાવતાં
હાજર કર્મીઓની પૂછપરછ તથા સાઈબર એક્સપર્ટને સાથે રાખીને એજન્સીના કમ્પ્યૂટર તપાસતાં અલગ-અલગ કંપનીના ડમી ઓફર લેટર મળ્યા હતા. તપાસમાં સોશ્યલ મીડિયા પર લોભામણી જાહેરાત આપી ઇન્કવાયરી વખતે આખી પ્રોસેસ લીગલી છે તેવો વિશ્વાસ આપી નોટરાઈઝ લખાણ કરાવી અને રજિસ્ટ્રેશન ફી, ગવર્મેન્ટ, ટ્રાવેલ ફીના નામે પૈસા લઈ કાયદેસરની પ્રોસેસ નહીં કરી ગ્રાહકોનું કામ નહીં કરી આપી રૂપિયા પરત આપવાના વાયદાઓ કરતા હતા. જોકે, જે ગ્રાહકો ઉઘરાણી કરે તો તેને અમુક ટકા નાણા પાછા આપી સમજાવતા હતા.

ઓફિસના કર્મચારીએ પોલીસ સમક્ષ નિવેદન આપ્યું
આ અંગે પોલીસે હાઇસ ગ્લોબલ કન્સલટન્સીમાં કામ કરતા કર્મચારી કશ્યપ જગદીશભાઈ સોનીનું નિવેદન લીધું છે. જેમાં તે જણાવે છે કે, અમારી ઓફિસ દ્વારા સોશ્યલ મીડીયા મારફતે વિઝા અંગેની સસ્તાદરે લોભામણી જાહેરાત આપી ઇન્કવાયરી વખતે આખી લીગલી પ્રોસેસ છે તેવો વિશ્વાસ આપી નોટરાઇઝ લખાણ કરાવવામાં આવે છે અને રજીસ્ટ્રેશન ફી, ગવર્મેન્ટ/ટ્રાવેલ ફી મળી અંદાજે 60 હજાર ફી લેવામાં આવે છે. આ રકમ હાઇસ ગ્લોબલ કન્સલટન્સી (મનિષભાઈ) ના બેંક ખાતામાં જમા કરાવવામાં આવે છે, ત્યારબાદ બાયોમેટ્રીક કરાવી ઓનલાઇન જોબ એપ્લાય કરવામાં આવે છે અને ગ્રાહકોનુ કામ ના થતા તેમના રૂપિયા પરત આપવા માટે ખોટા વાયદા કરવામાં આવે છે. લાંબો સમય થતા ગ્રાહક કંટાળી જતા હોય છે. જેથી તેને 15 થી 20 હજાર રૂપિયા પાછા આપી સમજાવી દેવામાં આવે છે.

કામ ન થાય તો અમુક ટકા રકમ કાપી ગ્રાહકને પરત આપતા
HP11 નામથી બીજો એક પ્રોગ્રામ પણ આ હાઇસ ગ્લોબલ ચલાવે છે. જેમાં સ્ટાર્ટીંગ ફી ગ્રાહક પાસે ટોટલ એમાઉન્ટ નક્કી થાય છે, દાખલા તરીકે 14 લાખ નક્કી થાય તો તેના 20 ટકા એટલે કે 2 લાખ એડવાન્સ લેવામાં આવે છે, ત્યાર બાદ ઓફ૨ લેટર આપે ત્યારે બીજા 20 ટકા તથા બાકીના જ્યારે ફાઇનલ જવાનુ થાય ત્યારે આપવાના એવી વાત કરતા હોય છે. પરંતુ જ્યારે ફાઇલ નુ રીજેકશન આવે ત્યારે હાઈસના માલિક મનિષભાઇ સાથે વાત કરાવવાની હોય છે, એટલે તે ગ્રાહક ને સમજાવી વાતચીત કરી આશ્વાસન આપતા હોય છે અને પાર્ટીનુ કામ ના થતા અમુક ટકા રકમ કાપી પરત આપતા હોય છે.

પોલીસ દ્વારા આરોપીઓના રિમાન્ડ મંજૂર
મનીષ પટેલ દ્વારા નિધિ જયંતકુમાર શાહ, શાહનવાજ ઈકબાલભાઈ સૈયદ, હાર્દિક અનિલકુમાર પટેલ, મયંક દેસાઈ સહિતનાં ગ્રાહકોને ખોટા ઓફર લેટર સાચા તરીકે મોકલી આપી તેઓ પાસેથી રૂા. 20.60 લાખની છેંતરપીંડી આચરી હતી. ત્યારે પોલીસે ભરત પટેલ અને કુલદીપ પરમારને ઝડપી પાડી તેઓને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જ્યારે મુખ્ય સુત્રધાર મનીષ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.