સુરત(Surat): હાલમાં જ એક ગમખ્વાર અકસ્માત(accident)ની ઘટના સામે આવી છે. જો વાત કરવામાં આવે તો સુરત જિલ્લાના માંગરોળ(Mangrol) કોસંબા(Kosamba) રાજ્ય ધોરીમાર્ગ પર આસરમા ગામ પાસે કીમ નદી(Keem River)ના પુલ ઉપરથી રાત્રિના સમય દરમિયાન બાઈક પર પસાર થઈ રહેલા બે યુવકોની બાઈક ડિવાઇડર સાથે ધડાકાભેર ભટકાતા બાઈક સાથે બંને યુવકો નદીમાં ખાબક્યા હતા. જેને લઇ બંને યુવકોના દર્દનાક મોત નિપજ્યા હતા.
મળતી માહિતી અનુસાર, બંને મિત્રો ધોળીકુઈ ગામે મિત્રની બર્થ ડે પાર્ટીમાં બપોરના સમયે આવ્યા હતા અને ત્યારબાદ રાત્રે 8 વાગ્યે ધોળી કુઈ ગામથી બંને મિત્રો બાઈક ઉપર બોરસરા નવાપરા ખાતે જવા માટે નીકળી ગયા હતા ત્યારે જ આ કરુણ ઘટના બની હતી.
મહત્વનું છે કે, સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામના નવાપરા ફળિયામાં રહેતો રોહિતભાઈ દિલીપભાઈ વસાવા 25 વર્ષીય અને યોગેશભાઈ ઈશ્વરભાઈ રાઠોડ 24 વર્ષીય આ બંને મિત્રો નવાપરાથી બાઈક ઉપર એક સાથે માંગરોળ તાલુકાના ધોળીકુઈ ગામે મિત્રની બર્થ ડે પાર્ટીમાં બપોરના સમયે આવ્યા હતા અને ત્યારપછી રાત્રે 8 વાગ્યે ધોળી કુઈ ગામથી બંને મિત્રો બાઈક ઉપર બોરસરા નવાપરા ખાતે જવા માટે નીકળી ગયા હતા.
આ દરમિયાન આસરમા ગામ પાસે કીમ નદીના ઊંચા પુલ ઉપરથી તેઓ જઈ રહ્યા હતા. ત્યારે તેઓની બાઈક ડિવાઇડર સાથે અથડાતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને બંને યુવકો બાઇક સાથે કીમ નદીમાં પડ્યા હતા. આ બંને યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા ઘટના સ્થળે બંનેના કમકમાટીભર્યા મોત થયા હતા. તેમજ બાઈકનો પણ કચ્ચરઘાણ વળી ગયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજુબાજુ રહેલા રહીશોને સવારે નદીમાં બાઇક જોવા મળી હતી અને ત્યારપછી બંને યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા. જેને લઇ સ્થાનિક રહીશો દ્વારા ઘટના અંગે પોલીસેને જાણ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાની જાણ માંગરોળ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને બંને યુવકોના મૃતદેહ કબજે લીધા હતા. આ દર્દનાક ઘટના સંદર્ભમાં મૃતક યુવકના પિતા ઈશ્વરભાઈ બાલુભાઈ રાઠોડે માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસ દ્વારા હાલ તો અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.