સુરત(ગુજરાત): ત્રીજા દિવસે પણ કોવિડ કાળમાં બોન્ડેડ યોજના હેઠળ બમણો લાભની માંગણીઓ સાથે હડતાળ ઉપર ઉતરેલા નવી સિવિલ હોસ્પિટલના રેસિડન્ટ ડોકટરોએ હઠાગ્રહ કેળવી કામથી અળગા રહ્યાં હતાં. જેને કારણે આખા દક્ષિણ ગુજરાતના દર્દીઓ તથા પરિવારજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હડતાળના કારણે લોકોના જીવ જોખમમાં મુકાઇ રહ્યાં હોવાના બનાવ પણ જોવા મળી રહ્યા છે. રેસિડન્ટ ડોકટરોને મનાવવાના તમામ પ્રયોસો કર્યા પછી સિવિલ સુપ્રિટેન્ડન્ટે હડતાળ ન સમેટાય તો એપેડેમિક એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવા સંકેત આપવામાં આવ્યા છે.
હડતાળ ઉપર ઉતરેલા રેસિડન્ટ તબીબોના કારણે નવી સિવિલની વ્યવસ્થા તૂટી પડી છે. કેઝ્યુલિટી વિભાગમાં પણ ગુરૂવારે તેની અસર જોવા મળી હતી. મધરાતે કટોકટીમાં આવેલાં કુલ 6 દર્દીઓને તબીબોની ગેરહાજરીમાં એક પછી એક સ્મીમેરમાં રેફર કરી દેવામાં આવ્યા હતાં. સિવિલ સત્તાધિશોને બહારથી ડોકટરો સહિતનો મેડિકલ સ્ટાફ બોલાવવાની જરૂર પડી છે. સુપ્રિટેન્ડ ડો. ગણેશના જણાવ્યા અનુસાર, તાત્કાલિક ધોરણે બહારથી 26 મેડિકલ ઓફિસર તથા 28 ટ્યુટર મંગાવી લેવાયા છે.
જ્યારે સર્જન વિભાગના 42 જેટલા ડોકટરોને પણ અલગ-અલગ નિમણૂંક અપાઇ છે. 9 આસિસ્ટન્ટ પ્રોફેસરને પણ જવાબદારી સોંપાવામાં આવી છે. તંત્રના ધ્યાને આવ્યું હતું કે, હોસ્પિટલ પરિસરની કોવિડ હોસ્પિટલમાં પણ તબીબોને ગેરહાજરીથી કામગીરી પ્રભાવિત છે. જેના કારણે સિવિલ સુપ્રિટેન્ડન્ટે મોર્નિંગ મિટિંગમાં જ ટીબી વિભાગના તબીબોને કોવિડ હોસ્પિટલમાં ગોઠવી દેવાની સુચના આપી હોવાનું સામે આવ્યું હતું.
વલસાડ સિવિલમાંથી મંગુ મોહનને ફેફસા સંબંધિત સારવાર માટે સુરત સિવિલ મોકલવામાં આવ્યા હતા. ઓક્સિજન પર શ્વાસ લઇ રહેલાં મંગુને લઇ તેના પરિવારજનો ભટકી રહ્યા હતાં. જોકે સિવિલ સ્ટાફે રાતે 11.20 વાગ્યે તેમને સ્મીમેર જવા કહી દીધું હતું. મંગુના સંબંધીએ કહ્યું હતું કે, એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા ન કરાતાં ઓક્સિજન સપોર્ટ સાથે રીક્ષામાં સ્મીમેર લઇ જવામાં આવ્યા હતાં. જોકે ત્યાં પણ હડતાળને લીધે પરિવારજનોને નિરાશા સાથે સિવિલ હોસ્પિટલ પરત જવા રવાના થયાં હતાં. સ્મીમેર પહોંચેલા દર્દીને અકસ્માતમાં મગજમાં ગંભીર ઇજા સાથે સિવિલ રિફર કરાયો હતો. ખુલ્લા ઘા સાથે સારવાર માટે ભટકી રહેલાં દર્દીને જોઇ પહેલાં તો સિવિલ સત્તાધારીઓ પણ ચોંકી ઉઠયા હતાં.
દર્દીઓને રિક્ષાની સેવા આપતા ચાલક ફારૂકભાઇએ જણાવ્યું હતું કે, મોડી રાતે સિવિલ આવેલી ગર્ભવતી મહિલાને છેલ્લી ઘડીની પીડા ઉપડતા પ્રસુતા વિભાગ મોકલવામાં આવી હતી. જોકે જરૂરી સારવાર ન મળતાં તે લેબર પેઇન સાથે અટવાતી હતી. કણસતી ગર્ભવતીની લાચારી જોવા છતાં સ્ટાફના કઠોર હૃદય બદલાયા ન હતાં. બદલામાં તેણીને સ્મીમેર લઇ જવા જણાવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.