બારડોલીના લીલાબેન માટે આશીર્વાદ સમાન બની ‘આયુષ્માન કાર્ડ યોજના’ -પગની નિ:શુલ્ક સર્જરી કરી પીડામાંથી મળ્યો છુટકારો

Bardoli Lilaben gets free foot surgery from ‘Ayushman Yojana’: ગરીબ કે પછાત વર્ગને સમાનતાના ધોરણે જીવન જરૂરિયાતની પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા કેન્દ્ર-રાજ્ય સરકારની અનેક ફ્લેગશીપ યોજનાઓ કાર્યરત છે. જેમાં આરોગ્ય લક્ષી ખર્ચમાં રાહત આપતી ‘આયુષ્માન કાર્ડ’(Bardoli Lilaben gets free foot surgery from ‘Ayushman Yojana’) યોજના થકી અનેક ગરીબ પરિવારોને આરોગ્યની શ્રેષ્ઠ સુવિધાઓ નિ:શુલ્ક ખર્ચે ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. જેનું જીવંત દ્રષ્ટાંત પૂરું પાડે છે બારડોલી તાલુકાના માંગરોળિયા ગામે રહેતા લીલાબેન માહ્યાવંશી.

લીલાબેનના પતિ ધીરુભાઈ માહ્યાવંશી મીલમાં કામ કરે છે. તેમની દીકરીના લગ્ન થઈ ચૂક્યા છે. અને તેઓ સાવ સાધારણ જીવન જીવે છે. લીલાબેન કહે છે કે, વર્ષ ૨૦૧૫માં મારો એક્સિડન્ટ થયો ત્યારે મને પગમાં ઇજાઓ થઈ હતી. જેનો કામચલાઉ ઈલાજ થતા સારું થયું હતું. પરંતુ સમય પસાર થતા મને ચાલવા, બેસવા, ઉઠવા જેવી રોજિંદી ક્રિયાઓમાં ધણી તકલીફ થતી હતી. ત્યાર બાદ એમ.આર.આઈ કરાવતા જાણ થઈ કે, પગના જોઇન્ટમાં થયેલા ઘસારાને કારણે સર્જરી કરવી પડશે.

સારવાર માટે ખાનગી ડોક્ટરે રૂપિયા ત્રણ લાખનો ખર્ચ કહેતા અમે ચિંતામાં મુકાયા હતા. આટલી મોટી રકમ કોઈ પણ સામાન્ય પરિવાર માટે ભેગી કરવી મુશ્કેલ છે. ત્યારે ગામના એક ડૉક્ટર થકી આયુષમાન કાર્ડ યોજના વિષે જાણવા મળ્યું. જેમાં ૫ લાખ રૂપિયા સુધીની મફત સારવાર વિષે જાણ થતા અમને આશા બંધાઈ. અમે તુરંત આયુષ્માન કાર્ડ કઢાવવા માટે જરૂરી અરજી કરતા જ અમારૂ કાર્ડ આવી ગયું. જાન્યુઆરી ૨૦૨૩માં ડાબા પગની અને ત્યારબાદ એપ્રિલ ૨૦૨૩માં જમણા પગની સર્જરી કરાવી હતી.

જેથી મને ૮ વર્ષ જૂની પગની તકલીફમાંથી રાહત મળી છે. જેથી હવે હું એકદમ સ્વસ્થ અને સરળ જીવન નિર્વાહ કરી શકું છું. સરકારની આવી દરેક કલ્યાણકારી યોજનાઓને કારણે મારા જેવા કેટલાય ગરીબ લોકો અને પરિવારોને આર્થિક સહારો મળ્યો છે. ગરીબો માટે દેવદૂત સમી આવી યોજનાઓના લાભ આપવા બદલ સરકારને અભિનંદન આપતા તેમણે અન્યોને પણ આવી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *