ગુજરાત(Gujarat): રાજ્યસભાના સાંસદ અને ‘આપ’ ગુજરાતના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢા અત્યારે ગુજરાતના પ્રવાસે પધાર્યા છે. રાઘવજીએ ભાવનગર અને અમરેલીની પદયાત્રામાં ભાગ લીધો હતો. રાઘવ ચઢ્ઢાએ ભાવનગર અને ધારીમાં પણ વિશાળ જનસભા સંબોધીત કરી હતી. આ સાથે ભાવનગરમાં યુવાઓ સાથે સંવાદ પણ કર્યો હતો. રાજ્યસભાના સાંસદ અને ‘આપ’ ગુજરાતના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢાએ વિશાળ જનસભામાં હજારોની જનમેદનીને સંબોધતા કહ્યું કે, મને ગુજરાતનો સહ-પ્રભારી બનાવીને અરવિંદ કેજરીવાલએ યુવાન ખભા પર મોટી જવાબદારી મૂકી છે.
હું ભગવાનને પ્રાર્થના કરું છું કે, ‘હું સાચા માર્ગ પર ચાલીને અને પ્રમાણિકતાના માર્ગે ચાલીને મારી જવાબદારી નિભાવી શકું અને પોતાની પાર્ટીની અપેક્ષાઓ પર ખરો ઉતરી શકું.’ ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની જ સરકાર છે. હું યુવા પેઢીમાંથી આવું છું અને મારી ઉંમરના જેટલા પણ લોકો હશે એમણે અત્યાર સુધી ભાજપનું શાસન જોયું છે. ગુજરાતમાં 27 વર્ષના શાસન બાદ લોકો ભાજપથી કંટાળી ગયા છે અને આજે દરેક ગુજરાતીના મનમાં ત્રણ વસ્તુઓ છે. એમાં પહેલી વસ્તુ પરિવર્તન છે, બીજી વસ્તુ પરિવર્તન છે અને ત્રીજી વસ્તુ પણ પરિવર્તન જ છે.
આ પરિવર્તન કોંગ્રેસ પાર્ટી આપી શકશે નહીં. જે કોંગ્રેસ પાર્ટી છેલ્લા 27 વર્ષથી ભાજપને નથી હરાવી શકી તે હવે શું હરાવશે? તેથી જ લોકો ઘણી અપેક્ષાઓ સાથે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી તરફ જોડાઈ રહ્યા છે. આજે આ પવિત્ર ધરતી પર, સરદારની, બાપુની ધરતી પર આપ સૌ સાથે વાત કરતા હું એક મહત્વની વાત કહેવા માંગુ છું કે, દિલ્હીમાં પણ ગુજરાતની જેમ 15 વર્ષ સુધી એક જ પાર્ટીની સરકાર હતી, જ્યારે 15 વર્ષ પછી ચૂંટણી યોજાઈ ત્યારે આમ આદમી પાર્ટીએ પહેલી વાર ચૂંટણી લડી હતી અને દિલ્હીની જનતાએ 15 વર્ષ જૂની પાર્ટીને નકારીને આમ આદમી પાર્ટીને એક મોકો આપ્યો.
એનાં પછી દિલ્હીવાસીઓ કેજરીવાલને આઈ લવ યુ કહે છે અને ‘ઝાડુ’ નું બટન દબાવે છે. પંજાબમાં પણ લોકોએ 50 વર્ષથી ચાલતી પાર્ટીને બાજુ પર મૂકીને ‘આપ’ની સરકાર બનાવી. મને વિશ્વાસ છે કે 2022ની ચૂંટણીમાં ગુજરાતની જનતા 27 વર્ષ જૂની પાર્ટીને પણ ઉખાડીને ફેંકી દેશે. આગામી દિવસોમાં સામાન્ય ઘરના છોકરા-છોકરીઓ ગુજરાતની કમાન સંભાળશે. હું તમને લોકોને એટલું કહીશ કે ધ્યાન રાખજો, આ કોઈ ચૂંટણીનો જુમલો નથી, આ કોઈ ચૂંટણીનો વાયદો નથી, કેજરીવાલની ગેરંટી છે. આ અમારું તમારી સાથેનું એગ્રીમેન્ટ છે કે, અમે તમને આપીને રહીશું.
દિલ્હી અને પંજાબમાં જે કહ્યું તે કર્યું. પંજાબમાં લોકો કહેતા હતા કે પંજાબમાં સરકાર મફત વીજળી કેવી રીતે આપશે? પંજાબ પર તો ત્રણ લાખ કરોડનું દેવું છે. આ દેવું હોવા છતાં અરવિંદ કેજરીવાલની સરકાર, આમ આદમી પાર્ટીની સરકાર 300 યુનિટ વીજળી મફત આપી રહી છે. પૈસાની વાત નથી, રાજકારણની વાત નથી વાત નિયતની છે. જે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલમાં ચોખ્ખી નિયત છે. હું પંજાબનો પણ સહ-પ્રભારી હતો, એ જ જવાબદારી મને ગુજરાતમાં પણ આપવામાં આવી છે.
માહોલ પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં મેં જોયો હતો તેવો જ માહોલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની પહેલા નજર આવી રહ્યો છે. જે પણ કઈ થવાનું છે ખૂબ જ રોમાંચક થવાનું છે. હું આજે એવી સ્થિતિમાં નથી કે આંકડાઓ વિશે વાત કરી શકું અને આંકડાઓ વિશેની વાત કરવી બેઇમાની હશે, કારણ કે હજું ચૂંટણીનો રંગ ચડ્યો નથી તો પણ આજે ગ્રાઉન્ડ લેવલનો સપોર્ટ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને મળી રહ્યો છે, આ એ જ દિશામાં ઇશારો કરે છે કે દિલ્લીમાં 2015 અને 2020માં જે નજારો જોવા મળ્યો હતો.
જે સ્વાદ પંજાબની ચૂંટણીમાં આવ્યો હતો, તેવું જ કંઈક આજે ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. અમારી રેલીને, અમારી સભાઓને, કેજરીવાલનાં અને ‘આપ’ના તમામ નેતાઓના કાર્યક્રમો કેન્સલ કરવા માટે, અમે જ્યાં પણ સભાની બુકીંગ કરીએ ત્યાં જઈને ભાજપ એ જગ્યાના માલિક પર દબાણ કરીને અમારું બુકિંગ કેન્સલ કરાવી દે છે. કોંગ્રેસ સાથે આવું થતું તમે ક્યારેય નહીં જોયું હોય. કોંગ્રેસ પાર્ટીની ક્યાંક સભા થઇ હોય, રાહુલ ગાંધીની સભા થઇ હોય અને રાહુલ ગાંધીની જ્યાં સભા થઇ હોય તે બિલ્ડીંગને ભાજપે બુલડોઝરથી તોડી પાડી હોય? તમે બીજી કોઈ પાર્ટી સાથે આવું થતું નહીં જોયું હોય, તમે આ ફક્ત આમ આદમી પાર્ટી સાથે જોઈ રહ્યા છો, આ એ બતાવે છે કે જો ભાજપ કોઈથી ડરે છે તો તે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીથી ડરે છે.
યુવાઓ સાથેના સંવાદ દરમિયાન રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે યુવાનોને આપેલી ગેરંટી વિશેની માહિતી આપતા જણાવ્યું હતું કે, યુવાઓ માટે 10 લાખ સરકારી નોકરીની ગેરંટી આપી છે અને નોકરી મળે નહીં ત્યાં સુધી દર મહિને રૂપિયા 3000 બેરોજગારી ભથ્થું મળશે, સરકારી પરીક્ષા આપવા જવા માટે બસ ભાડું મફત રહેશે, 80% પ્રાઇવેટ નોકરીઓ ગુજરાતના લોકો માટે અનામત રાખવામાં આવશે, પેપર લીક વિરુદ્ધ કડક કાયદો આવશે, IAS, IPS, એન્જિનિયરિંગ, મેડીકલમાં એડમિશન લેવા માંગતા યુવાઓ માટે ‘જય ભીમ યોજના’ લાગુ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.