સુરતના પાટીદાર પરિવારે પ્રસરાવી માનવતાની સુવાસ- મૃત્યુ પછી પણ સાત લોકોમાં હંમેશા જીવંત રહેશે બ્રેઈનડેડ વિનોદભાઈ

Published on Trishul News at 10:30 AM, Sun, 12 March 2023

Last modified on March 12th, 2023 at 10:30 AM

સુરત(surat): લેઉવા પટેલ સમાજના બ્રેઈનડેડ વિનોદભાઈ ધીરૂભાઈ વેકરીયા ઉ.વ ૫૭ ના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી વિનોદભાઈના હૃદય, ફેફસા, લિવર, કિડની અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી. સુરતથી મુંબઈનું ૨૯૭ કિલોમીટરનું અંતર ૧૧૦ મિનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કોહલાપુર મહારાષ્ટ્રના રહેવાસી ૫૯ વર્ષીય વ્યક્તિમાં મુંબઈની જશલોક હોસ્પીટલમાં અને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ કાંદીવલી, મુંબઈના રહેવાસી ૫૮ વર્ષીય વ્યક્તિમાં સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં કરવામાં આવ્યું.

મૂળ ગામ સુખપુર, તાલુકો ધારી, જીલ્લો અમરેલીના રહેવાસી અને હાલમાં બી-૧૦૬, આદર્શનગર ૧, છાપરાભાઠા રોડ, અમરોલી, સુરત ખાતે પોતાના પરિવારજનો સાથે રહેતા વિનોદભાઈએ ૮ માર્ચના રોજ રાત્રે માથામાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. ૯ માર્ચના રોજ સવારે ૫:૩૦ કલાકે તેઓ બેભાન થઇ જતા પરિવારજનોએ તેમને વિનસ હોસ્પિટલમાં ન્યુરોફીઝીશયન ડૉ. ગૌરાંગ ઘીવાળાની સારવાર હેઠળ દાખલ કર્યા. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ અને મગજની નસમાં લોહીનો ફુગ્ગો હોવાનું નિદાન થયું હતું. ન્યુરોફીઝીશયન ડૉ. ગૌરાંગ ઘીવાળા, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. રોનક યાજ્ઞીક, ડૉ. આકાશ બારડ, ડૉ. ક્રિષ્ના પટેલે વિનોદભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા.

ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. પ્રેક્ષા ગોયલ અને ન્યુરોફીઝીશયન ડૉ. ગૌરાંગ ઘીવાળાએ ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી વિનોદભાઈના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી વિનોદભાઈના પત્ની ગીતાબેન, પુત્રો અંકિત અને હિરેન, સાળા રાજેશભાઈ, હિતેશભાઈ, કાળુભાઈ અને વેકરીયા પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી.

વિનોદભાઈના પત્ની ગીતાબેને જણાવ્યું કે, મારા પતિ બ્રેઈનડેડ છે અને તેમને બચવાની કોઈ શક્યતા નથી ત્યારે તેમના જેટલા પણ અંગોનું દાન થઇ શકતું હોય તે બધા જ અંગોનું દાન કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપો. વિનોદભાઈના પરિવારમાં તેમની પત્ની ગીતાબેન, પુત્રો અંકિત ઉ.વ ૩૧ અને હિરેન ઉ.વ ૨૯ છે જેઓ, ઓનલાઈન સાડી વેચાણનો વ્યવસાય કરે છે.

પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા હૃદય મુંબઈની જશલોક હોસ્પિટલને, ફેફસાં સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને, લિવર સુરતની કિરણ હોસ્પીટલને, એક કિડની અમદાવાદની ઝાયડસ અને બીજી કિડની IKDRCને ફાળવવામાં આવી.

હૃદયનું દાન મુંબઈની જશલોક હોસ્પિટલના ડો. ઉપેન્દ્ર ભાલેરાવ અને તેની ટીમે, ફેફસાનું દાન સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના ડો. મેનાનદેર અને તેમની ટીમે, લિવર અને કિડનીનું દાન કિરણ હોસ્પિટલના ડૉ. આદિત્ય નાણાવટી અને તેમની ટીમે સ્વીકાર્યું. જયારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના ડો. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું.

સુરતની વિનસ હોસ્પિટલથી મુંબઈનું ૨૯૭ કિલોમીટરનું અંતર ૧૧૦ મિનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કોહલાપુર, મહારાષ્ટ્રના રહેવાસી ૫૯ વર્ષીય વ્યક્તિમાં મુંબઈની જશલોક હોસ્પીટલમાં ડૉ. હેમંત પથારે અને તેમની ટીમ દ્વારા તેમજ ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈની સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં કાંદીવલી, મુંબઈના રહેવાસી ૫૮ વર્ષીય વ્યક્તિમાં ડૉ. સંદીપ અત્તાવર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

લિવરનું ટ્રાન્સપ્લાન્ટ વ્યારાની રહેવાસી ૪૯ વર્ષીય મહિલામાં સુરતની કિરણ હોસ્પીટલમાં ડૉ. ગૌરવ ચોબલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની રહેવાસી ૬૯ વર્ષીય મહિલામાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ વડોદરાની રહેવાસી ૩૨ વર્ષીય મહિલામાં અમદાવાદની IKDRCમાં કરવામાં આવ્યું છે.

હ્રદય અને ફેફસાં સમયસર મુંબઈ પહોંચાડવા માટે વિનસ હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે સુરત શહેર પોલીસનો સહકાર સાંપડ્યો હતો. કિડની અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) મોકલવા માટે વિનસ હોસ્પિટલથી અમદાવાદ IKDRC હોસ્પિટલ સુધીના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો. ઉલ્લેખનીય છે કે હૃદય, ફેફસા, હાથ, લિવર અને કિડની જેવા મહત્વના અંગો દેશના જુદા- જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી ૯૦ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે. આ પુણ્યકર્મમાં હંમેશા સહકારરૂપ બનવા બદલ સુરત પોલીસનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.

માનવતાના આ મહાયજ્ઞમાં અમૂલ્ય અંગોનું દાન આપનાર પુણ્યનિષ્ઠ સ્વ.વિનોદભાઈ વેકરીયાની ડોનેટ લાઈફ ભાવ વંદના કરે છે. તેમના પરિવારમાં તેમના ધર્મપત્ની ગીતાબેન વેકરીયા, પુત્રો અંકિતભાઈ વેકરીયા અને હિરેનભાઈ વેકરીયાનો તેમના આ સેવાકીય સંકલ્પ બદલ ઋણ સ્વીકાર કરીએ છીએ.

સુરતથી ડોનેટ લાઈફ દ્વારા હૃદય દાન કરાવવાની આ ચુમ્માળીસમી અને ફેફસાના દાન કરાવવાની ચૌદમી ઘટના છે. સુરતે ડોનેટ લાઈફના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અંગદાનના ક્ષેત્રમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય અને ફેફસા દેશના જુદા જુદા શહેરો જેવા કે, દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, ઇન્દોર, અમદાવાદ, બેંગ્લોર, હૈદરાબાદ, કલકત્તા જેવા શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.

તદ્દઉપરાંત અંગદાનના ક્ષેત્રમાં સુરતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય અને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેન, યુએઈ, રશિયાઅને સુદાન દેશના નાગરિકોમાં મુંબઈ અને ચેન્નઈની હોસ્પીટલમાં કરવામાં આવ્યા હતા. ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે.

અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જેમાં વિનોદભાઈના પત્ની ગીતાબેન, પુત્રો અંકિત અને હિરેન, સાળા રાજેશભાઈ અને હિતેશભાઈ, ભાઈ કાળુભાઈ, વેકરીયા પરિવારના અન્ય સભ્યો, ન્યુરોફીઝીશયન ડૉ. ગૌરાંગ ઘીવાળા, ડો. રાકેશ ભરોડીયા, ન્યુરોસર્જન ડૉ. હરીન મોદી, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. રોનક યાજ્ઞીક, ડૉ. પ્રેક્ષા ગોયલ, ડૉ. આકાશ બારડ, ડૉ. ક્રિષ્ના પટેલ, મેડિકલ ઓફિસર ડો. પાયલ પાટીલ, ડો. કાનન ઉપાધ્યાય, RMO વિરેન પટેલ, વિનસ હોસ્પીટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફના મંત્રી રાકેશ જૈન, CEO નીરવ માંડલેવાળા, કરણ પટેલ, મહેન્દ્રસિહ ગોહિલ, રમેશભાઈ વઘાસીયા, સ્મિત પટેલ, કૃતિક પટેલ, મેક્ષ પટેલ, જગદીશભાઈ ડુંગરાણી, દેવેશ ભરૂચા, સની પટેલ, કિરણ પટેલ, સુનીત મોદી, ઘનશ્યામ ભગત, પ્રોગ્રામ ઓફિસર સુભાષ જોધાણી, નિહિર પ્રજાપતિ, નિકસન ભટ્ટ, રોહન સોલંકી, ચિરાગ સોલંકી સહકાર સાંપડ્યો હતો.

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ ૧૦૮૧ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે જેમાં ૪૫૨ કિડની, ૧૯૩ લિવર, ૮ પેન્ક્રીઆસ, ૪૪ હૃદય, ૨૮ ફેફસાં, ૪ હાથ અને ૩૫૨ ચક્ષુઓના દાનથી કુલ ૯૯૩ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

[web_stories title=”true” class=”VK-desktop” excerpt=”false” author=”false” date=”false” archive_link=”true” archive_link_label=”View all stories” circle_size=”150″ sharp_corners=”false” image_alignment=”center” number_of_columns=”3″ number_of_stories=”3″ order=”DESC” orderby=”post_date” view=”carousel” /]

Be the first to comment on "સુરતના પાટીદાર પરિવારે પ્રસરાવી માનવતાની સુવાસ- મૃત્યુ પછી પણ સાત લોકોમાં હંમેશા જીવંત રહેશે બ્રેઈનડેડ વિનોદભાઈ"

Leave a comment

Your email address will not be published.


*