ગુજરાત(Gujarat): રાજકોટ(Rajkot) જિલ્લાના ધોરાજી(Dhoraji)માં ધોરણ 11ની વિદ્યાર્થિનીએ હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. હાલ પોલીસ દ્વારા વિદ્યાર્થિનીની સુસાઈડ નોટના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલી રોયલ સ્કૂલમાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મહત્વનું છે કે, ધોરાજીની રોયલ હોસ્ટેલના રૂમ નંબર 318માં વિદ્યાર્થિનીનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા ધોરાજી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.
પોલીસની ટીમ દ્વારા વિદ્યાર્થિનીના રૂમમાં તપાસ કરવામાં આવતા રૂમમાંથી સુસાઈડ નોટ મળી આવી હતી. વિદ્યાર્થિની દ્વારા આ સુસાઈડ નોટમાં પિતાથી નારાજ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુસાઈડ નોટમાં પિતાએ ક્યારેય તેને દીકરી ન ગણી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ તેના પિતા ફક્ત ગુસ્સો કરતા હોય, મરવા સિવાય કોઈ વિકલ્પ નથી તેવું પણ સુસાઈડ નોટમાં જણાવવામાં આવ્યું છે.
વિદ્યાર્થિની દ્વારા લખવામાં આવેલી સુસાઈડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ‘પપ્પા મારા મરવાનું એક જ કારણ છે અને એ છો તમે. તમારાથી મને અતિ નફરત થઈ ગઈ હતી. કેમ કે તમને મને ક્યારેય પોતાની દીકરી જ સમજી નહતી. તમને બસ ઓર્ડર અને ગુસ્સો કરતા જ આવડતું હતું. મારા મરવા પાછળ મને એક બાનો અફસોસ છે. જેને મને માં અને બાપ બંનેનો પ્રમ આપ્યો. સોરી દાદી……. આઈ હેટ યુ પપ્પા ‘
વધુમાં સુસાઈડ નોટમાં લખ્યું છે કે, ‘માં જ્યારે યાદ કરીશ ત્યારે તારી સાથે હઈશ. મા મને માફ કરી દેજો કેમ કે આટલા ટેન્શનમાં હું જીવી શકું તેમ નથી. મા મારી આત્માને ક્યારેય શાંતિ નહીં મળે. મારા એક એક આંસુનો હું બદલો લઈશ.’
ઉલ્લેખનીય છે કે, હાલ ધોરાજી પોલીસ દ્વારા આ સુસાઈડ નોટ કબ્જે કરી તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતક વિદ્યાર્થિનીના પરિવારને આ અંગે જાણ કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.