અમદાવાદ(Ahemdabad): આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈન્દ્રનીલ રાજગુરુ(Indranil Rajguru)એ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને જાણકારી આપતા કહ્યું કે, ગુજરાતમાં ભાજપના 27 વર્ષના શાસનથી ગુજરાતના લોકો અત્યંત થાકી ગયા છે. કોંગ્રેસ પાર્ટીએ પણ ક્યારેય ભાજપની લોકવિરોધી નીતિઓને ઉજાગર કરી નથી અને લોકોનો વિશ્વાસ જીત્યો નથી. એટલા માટે જ લોકોના હિતનું વિચારતા કોંગ્રેસના ખૂબ જ વરિષ્ઠ આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
અમદાવાદના પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ અને પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી રહી ચૂક્યા હતા એ વાત ચેતનભાઇ રાવલ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ચેતનભાઇના પિતા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી રહી ચુક્યા હતા અને સાથે સાથે તેઓ કોંગ્રેસના સૌથી લાંબા ગાળાના પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેમજ પૂર્વ મુખ્યમંત્રી છબીલભાઈ મહેતાના પુત્રી નીતાબેન આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. સામાજિક કામ સાથે સંકળાયેલા ડૉ.સુનિલભાઈ જાદવ પણ આજે અરવિંદ કેજરીવાલથી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
સાથે સાથે હળવદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મનસુખભાઈ પટેલ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ચેતનભાઇ રાવલ, નીતાબેન, ડૉ.સુનિલભાઈ જાદવ અને મનસુખભાઈ પટેલ અરવિંદ કેજરીવાલના હાથે ટોપી અને ખેસ પહેરીને વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ દરમિયાન ચેતનભાઇ રાવલે મીડિયાને સંબોધતા જણાવ્યું કે, આજે સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાત રાજ્યમાં આપણી સામે ખૂબ જ મોટી સમસ્યાઓ છે જેમ કે મોંઘવારી બેરોજગારી કથળેલી સ્વાસ્થ્ય વ્યવસ્થા કથળેલી શિક્ષણ વ્યવસ્થા.
આ તમામ સમસ્યાઓને વાચા આપવામાં અને નિરાકરણ લાવવામાં વર્તમાન ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. કમનસીબે કોંગ્રેસ પાર્ટી આ વાતોને લઈને કોઈ કામ નથી કરી શકી. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું કામકાજ આપણે જોયું છે. અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં દિલ્હીની સાથે સાથે પંજાબમાં પણ આપણે ખુબ જ સારું કામ થતા જોયું છે.
અરવિંદ કેજરીવાલના જે પ્રજાલક્ષી અભિગમ છે તેનાથી પ્રેરણા લઈને અને તેમના કામોને વધુ મજબૂતીથી આગળ વધારવા માટે આજે હું અને મારી સાથે મારા મિત્રો અને સેંકડો સમર્થકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છીએ. મને ચોક્કસ વિશ્વાસ છે કે ગુજરાતની સમજુ પ્રજા આ વખતે અરવિંદ કેજરીવાલને ખોબે ખોબે આશીર્વાદ આપશે. આમ આદમી પાર્ટીમાં જોડાવા બદલ નીતાબેને કહ્યું કે, હું પોતે એક સમાજ સેવી છું અને મેં કોંગ્રેસમાં થોડું ઘણું કામ પણ કરેલ છે.
પરંતુ હું હમણાં દિલ્હી ગઈ અને મેં ત્યાં અરવિંદ કેજરીવાલનું કામ જોયું અને ખૂબ જ પ્રભાવિત થઈ ગઈ. આજના મોંઘવારીના સમયમાં જ્યારે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે ત્યાં અરવિંદ કેજરીવાલે શાંતિથી સામાન્ય પરિવારના ઘર ચાલી શકે તે માટે ઘણી મદદ કરી છે અને જનતા હિત માટે કામ કર્યા છે. તે જોઈને ગુજરાતમાં પરિવર્તન લાવવા હું આમ આદમી પાર્ટીમાં જોડાઈ છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.