યુજીવીસીએલના જે ગ્રાહકોએ સરકારી યોજના હેઠળ ‘ઉજાલાના એલઇડી ‘ બલ્બ ઉધાર તેમજ માસિક હપ્તેથી લીધા નથી. તેવા ગ્રાહકોના વીજ બીલમાં ‘ઉજાલા ઇએમઆઇ ‘ના નામે ૧૦૦થી ૨૦૦ રૂપિયાની રકમ ઉધારી દેવાઇ હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. અમદાવાદના દસક્રોઇ તાલુકાના જેતલપુર ગામે મોટાભાગના ગ્રાહકોના વીજ બીલમાં ઉજાલા બલ્બના માસિક હપ્તાની રકમનો ઉલ્લેખ કરાતા ગ્રાહકોમાં આક્રોશની સાથે ભારે નારાજગી જોવા મળી રહી છે.
આ અંગે જેતલપુર ગામના રહીશ રાજેન્દ્ર પોપટભાઇ પટેલના જણાવ્યા મુજબ તેમના ગામમાં આશરે ૪૦૦ જેટલા વીજ ગ્રાહકોના વીજ બીલમાં ખોટી રીતે ઉજાલા ઇએમઆઇની રકમ જોડી દેવાઇ છે. આ મામલે તેઓએ બારેજડી વીજ સબ સ્ટેશન ખાતે રજૂઆત કરી હોવા છતાંય હજુ સુધી આ સમસ્યાનો કોઇ ઉકેલ આવ્યો નથી.
બારેજડી વીજ સબ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા ૩૬ ગામોમાં આ સમસ્યા જોવા મળી રહી છે. ગ્રાહકોના હોબાળા અને રજૂઆતો બાદ વીજ અધિકારીઓએ ગ્રાહકો પાસેથી ઉજાલા બબ્લ હપ્તેથી લીધા ન હોવાના ફોર્મ સંપૂર્ણ વિગતો સાથે ભરાવી રહ્યા છે.
ગ્રાહકોના મતે વીજ કર્મચારીઓએ તેઓને આશ્વાસન આપ્યું છેકે તમારા આ ફોર્મ સરકાર મંજૂર કરશે તો તમારા વીજ બીલમાં ઉધારેલી ઉજાલા ઇએમઆઇની રકમ મજરે આપી દેવાશે. આમ આ મામલે વીજ ગ્રાહકોમાં ભારે મુંઝવણ ઉભી થઇ છે.
આવું પહેલી વાર નથી થયું, થોડા મહિના અગાઉ પણ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (એમજીવીસીએલ) દ્વારા નવેમ્બર અને ડિસેમ્બરના જારી કરાયેલા બિલમાં ઊજાલા બલ્બના ઈએમઆઈ પેટે રૂા. 60 થી 75 લખાઈને આવતા જ ગ્રાહકોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. કારણ કે, મોટાભાગના ગ્રાહકોએ બલ્બ લીધા જ નથી કે પછી રોકડેથી લીધા હતા. જોકે, બિલમાં તેનો સમાવેશ કરાતાં રકમમાં પાંચથી પંદર ટકાનો વધારો જોવા મળ્યો હતો.