હાલમાં રાજ્યના સુરત શહેરમાંથી એક સમાચાર સામે આવ્યા છે. શહેરમાં રીંગરોડ પર રાજકુમાર પેટ્રોલપંપવાળી મ્યુનિસિપાલિટીની માલિકીની જગ્યા પર કોન્ટ્રાક્ટરના માણસો પે એન્ડ પાર્કના નામે રૂપિયા ઉઘરાવતા રંગે હાથ પકડાયા છે. ભાજપના કોર્પોરેટર વિજય ચૌમાલ દ્વારા મોડી સાંજે સ્થળ પર જઇને કોન્ટ્રાકટરના માણસોને પકડી પાડવામાં આવ્યા હતા.
સાંજનાં 5 વાગ્યે પાલિકાના કર્મચારીઓ જાય ત્યારપછી કોન્ટ્રાકટરના માણસો પ્લોટનો કબજો લઇ લેતા હોવાનું સામે આવ્યુ છે. રીંગરોડ પર મિલેનીયમ માર્કેટ તથા STM માર્કેટની વચ્ચે પાલિકાની મોકાની જગ્યા પર ખાતાકીય ધોરણે પે એન્ડ પાર્કની કામગીરી ચાલી રહી છે.
ગેરકાયદેસર પાર્કિંગ કરવાતા હોવાની ફરિયાદ મળી:
સાંજનાં 5 વાગ્યાંનાં સુમારે પાલિકાના કર્મચારીઓ જાય ત્યારપછી ઇજારદારના કેટલાક માણસો ગેરકાયદેસર પ્લોટનો કબજો જમાવીને રાત્રીના 12 વાગ્યા સુધી ટેમ્પો, કાર તથા ટુ વ્હીલરનું ગેરકાયદેસર પાર્કિંગ કરાવીને કોન્ટ્રાકટરના માણસો ઉઘરાણી કરતા હતા.
આ અંગે ફરિયાદ મળતા કોર્પોરેટર વિજય ચૌમાલ તથા નાગર પટેલ દ્વારા મોડી સાંજે પાલિકાના પ્લોટ પર જઇને છાપો મારતા કોન્ટ્રાકટરના માણસોમાં નાસભાગ મચી જવા પામી હતી. જયારે કેટલાક માણસો ફરાર થઈ ગયા હતા. જયારે 2 માણસો રંગેહાથ પકડાઈ ગયા હતા.
લોકો પાસેથી ગેરકાયદેસર લાખો રૂપિયા ઉઘરાવ્યા:
આ અંગે વિજય ચૌમાલ જણાવે છે કે, કોન્ટ્રાકટરના માણસોએ ગેરકાયદેસર કબજો કરીને ‘પે એન્ડ પાર્ક’ના નામે વાહનચાલકો પાસેથી ઉઘરાણી કરી રહ્યા હતા. આની માટે કોન્ટ્રાકટરના માણસોએ બોગસ બીલબુક છપાવી હતી. ખુબ લાંબા સમયથી આ ખેલ ચાલી રહ્યો હતો.
છાપો મારીને 2 માણસોને પકડી પોલીસ ફરિયાદની કાર્યવાહી કરાઈ છે. આ અંગે પાલિકાના અધિકારીઓને જાણ કરતા પાલિકાના પ્લોટ પર ગેરકાયદેસર કબજો કરીને પાર્કિંગનું ભાડુ ઉઘરાવવામાં પાલિકાના કર્મચારીઓની સંડોવણી છે કે, કેમ તે તપાસનો વિષય રહેલો છે. ખુબ લાંબા સમયથી આ પ્રવૃતિ ચાલી રહી હતી. લોકોની પાસેથી ગેરકાયદેસર રીતે લાખો રૂપિયા ઉઘરાવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.